નાગાલેન્ડમાં ચૂંટણી યોજવાની આટલી શું ઉતાવળ હતી?
નાગાલેન્ડના રાજકારણમાં કોઇ કાયમી દુશ્મન પણ નથી કે કોઇ દોસ્ત પણ નથી
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
27 ફેબ્રુઆરીના રોજ જ્યારે નાગાલેન્ડના લોકો મતદાન કરશે ત્યારે તે મતદાન જુદા જુદા રાજકીય પક્ષો વચ્ચેની ફક્ત લડાઇ જ નહીં હોય પરંતુ ઉતાવળ અને સિદ્ધાંતો વચ્ચેની પણ એક પ્રકારની લડાઇ હશે. ગત 29 જાન્યુઆરીના રોજ વિવિધ રાજકીય પક્ષો વચ્ચે એક સંમતિ કરાર થયો હતો જેમાં નાગા લોકોના ભાવિ દરજ્જા અંગે કેન્દ્ર સરકાર અને નાગાલેન્ડ લોકો વચ્ચે કોઇ સમાધાન ન થાય ત્યાં સુધી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની સંમત્તિ દર્શાવવામાં આવી હતી. જો કે થોડા જ દિવસોમાં તે બહિષ્કારનું સુરસુરિયું થઇ ગયું હતું. સંમતિ કરાર ઉપર હસ્તાક્ષર કરનાર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં તમામ રાજકીય પક્ષોએ તેઓને ભેગાં અને એક કરનાર સિદ્ધાંતને અભરાઇએ ચઢાવી દેવાનું ઉચિત માન્યું અને તેના બદલામાં ઉતાવળનો માર્ગ પસંદ કર્યો. 1998માં જેમ બાય ડિફોલ્ટ વિજય મળી ગયો હતો તેમ કોઇપણ પક્ષને વિજય મળી જાય તે બાબતનું જોખમ ઉઠાવવા કોઇ રાજકીય પક્ષ તૈયાર નહોતો. યાદ રહે કે 1998માં કોંગ્રેસ તમામ બેઠકો ઉપર ચૂંટણી લડ્યા વિના જ વિજેતા જાહેર થઇ હતી.
નાગાલેન્ડમાં જ્યાં સુધી રાજકીય મોરચાને લાગેવળગે છે ત્યાં સુધી એમ કહી શકાય કે આ રાજ્યમાં ભારતની મુખ્ય ભૂમિની તુલનાએ પસંદગીની બાબતે પુષ્કળ પ્રવાહી પરિસ્થિતિ જોવા મળે છે. હાલમાં નાગાલેન્ડ વિધાનસભાના ચૂંટાયેલા તમામ 60 ધારાસભ્યો નાગા પીપલ્સ ફ્રન્ટ (એનપીએફ)ના નેતૃત્વવાળા ડેમોક્રેટિક એલાયન્સ ઓફ નાગાલેન્ડ (ડીએએન)નો જ હિસ્સો છે, અર્થાત આ રાજ્યમાં કોઇ વિરોધપક્ષ નથી. ભાજપ છેલ્લા એક દાયકાથી એનપીએફનો રાજકીય ભાગીદાર છે. 2015માં કોંગ્રેસના આઠ ધારાસભ્યો ડીએએનમાં જોડાયા હતા. અહીં કોંગ્રેસ અને ભાજપ એમ બંને હરિફ પક્ષો એક જ મોરચાનો ભાગ છે. તેમ છતાં હાલ ચાલી રહેલાં ચૂંટણી પ્રચારમાં ભાજપે એનપીએફના નવા ઉભા થયેલા હરિફ એવી નેશનલ ડેમોક્રેટિક પ્રેગ્રેસિવ પાર્ટી (એનડીપીપી) સાથે ચૂંટણી પહેલાંનું જોડાણ જાહેર કર્યું છે. યાદ રહે કે એનડીપીપી ભૂતપૂર્વ મુખ્યમંત્રી નિફ્યુ રિયોના નેતૃત્વમાં છૂટું પડેલું જૂથ છે. આ પરિસ્થિતિ હોવા છતાં હાલના મુખ્યમંત્રી ટી. આર. ઝિલિયાંગે એવી જાહેરાત કરી હતી કે તેમનો પક્ષ ચૂંટણી બાદ ભાજપ સાથે જોડાણ કરવાનો વિરોધી નથી. આ તમામ બખેડો જોતાં એક વાત સિધ્ધ થાય છે કે બે પ્રાદેશિક પક્ષો એક સામાન્ય રાષ્ટ્રીય ભાગીદારની સાથે રહીને એકબીજાનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે બે રાષ્ટ્રીય પક્ષો એક સામાન્ય પ્રાદેશિક ભાગીદારની સાથે રહીને એકબીજાનો વિરોધ કરી રહ્યા છે.
આ રાજ્યના રાજકીય બખેડાની વિચિત્રતા જ એ વાતનો પૂરાવો છે કે જે પક્ષ રાજ્યમાં સત્તા ઉપર આવશે તેને કેન્દ્રમાં સત્તાધારી પક્ષ સાથે જોડાણ કરવું પડશે. છેલ્લા એક દાયકાથી નાગાલેન્ડના રાજકારણનો આ એક ચાલ્યો આવતો સિધ્ધાંત છે. પૂર્વોત્તરના અન્ય રાજ્યોની જેમ જ નાગાલેન્ડ પણ સંપૂર્ણપણે કેન્દ્રની આર્થિક સહાય ઉપર નિર્ભર રહે છે, તેથી કોઇપણ રાજકીય પક્ષને કેન્દ્રના સત્તાધારી પક્ષથી દુર રહેવું તે તેનાથી અલગ પડવું પરવડે તેમ નથી.
અહીંનું રાજકારણ જે રીતે ખેલાઇ રહ્યું છે તેની વાસ્તવિકતા ઉપર ધ્યાન આપીયે તો એ પ્રશ્નનો કોઇ ઉત્તર મળતો નથી કે કેન્દ્રના સત્તાધારી પક્ષની આકરી ટીકા કરનારા પક્ષ સહિતના તમામ રાજકીય પક્ષો શા માટે કેન્દ્રના સત્તાધારી પક્ષની સાથે જ ચાલી રહ્યા છે. નાગાલેન્ડમાં જો કોઇ વિરોધ પક્ષ હોય તો તે છે ફક્ત સભ્ય સમાજના લોકો અને અહીંના ચર્ચ. રસપ્રદ વાત તો એ છે કે રાજ્યમાં અત્યંત શકિતશાળી ગણાતીનાગાલેન્ડ બેપ્ટિસ્ટ ચર્ચ કાઉન્સિલે એવું ચૂચન કર્યું હતું કે નાગાલેન્ડના લોકોએ ભાજપના હિંદુત્વના એજન્ડાથી ચેતી જવાની જરૂર છે, એટલું જ નહીં પરંતુ કાઉન્સિલ દ્વારા તાજેતરમાં કરાયેલાં એક જાહેર નિવેદનમાં નાગા લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓએ રાજકીય લાભ અને વિકાસના નામે આપણા ધર્મ સાથે કોઇ સમાધાન કે સમજૂતિ કરવી જોઇએ નહીં. ચૂંટણી ટાણે ધર્મનો ઉપયોગ કરી લેવાની તદ્દન પરફેક્ટ કળા ધરાવતા ભાજપે કાઉન્સિલના આ નિવેદનનો પ્રત્યુત્તર આપતાં કહ્યું હતું કે નાગાલેન્ડમાં કેટલાંક લોકોએ ધાર્મિક ધ્રુવિકરણને પસંદ કરવાની એક ચોક્કસ વ્યૂહરચના ઘડી કાઢી હોય તેમ જણાય છે. અલબત્ત ભાજપના તમામ 20 સભ્યો ક્રિશ્ચયન અને નાગા સમુદાય છે તેથી હવે એ જોવું રસપ્રદ થઇ પડશે કે કાઉન્સિલ દ્વારા કરાયેલી જાહેર અપીલની આ ચૂંટણી દરમ્યાન કેવી અને કેટલી અસર થાય છે.
ચૂંટણી બહિષ્કાર તરફ દોરી જતો સિધ્ધાંત નાગાલેન્ડના રાજકીય દરજ્જા માટેનો લાંબા સમયથી પડતર રહેલો પ્રશ્ન છે. 1963માં રાજ્યનો દરજ્જો અપાયો હોવા છતાં અલગ નાગા રાષ્ટ્રની માંગણી ક્યારેય પડતી મૂકાઇ નથી. કેન્દ્ર સરકાર અને ત્રાસવાદૂ જૂથો વચ્ચે થયેલી પ્રત્યેક અનુગામી યુધ્ધવિરામની સમજૂતિના પગલે રાજ્યમાં આભાસી શાંતિ જરૂર આવી હતી પરંતુ સંઘર્ષનો ક્યારેય અંત આવ્યો નથી. 2015માં જ્યારે ત્રાસવાદીઓના સૌથી મોટા જૂથ ગણાતા નેશનલ સોસિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડે (ઇસાક-મુવિયાહ) હાલની કેન્દ્ર સરકાર સાથે એક સમજૂતિ કરાર કર્યો ત્યારે એવી આશા જન્મી હતી કે બંને પક્ષો વચ્ચે કોઇ પ્રકારનું સમાધાન થશે. જો કે તે સમજૂતિ કરાર કયા પ્રકારનો હતો અને તેમાં કઇ કઇ શરતો ઉમેરવામાં આવી હતી તે સઘળી બાબતો આજદિન સુધી રહસ્યના ભંડકિયામાં જ ધરબાયેલી રહી છે કેમ કે પ્રત્યેક થોડાં મહિના થાય ત્યાં તાત્કાલિક મોટી જાહેરાત કરવામાં આવશે એવું ગાજર લટકાવી દેવામાં આવે છે. તે સમૂતિ કરારનું મુખ્ય વિષયવસ્તુ જ એવું હતું કે જેના થકી રાજ્યના તમામ રાજકીય પક્ષો, ત્રાસવાદી સંગઠનો અને નાગા સિવિલ સોસાયટીનાં વિવિધ જૂથોચૂંટણી પાછી ઠેલવાની માંગણી કરવા દોરવાયા હતાં.
આ ચૂંટણીના પરિણામોથી કોઇ રાહત મળે કે સમસ્યાનો ઉકેલ આવે એવી કોઇ શક્યતા જણાતી નથી. નાણાંકીય ભંડોળની સહેજપણ અછત નહીં હોવા છતાં નાગાલેન્ડ અનેક મોરચે વિકાસની ઉપેક્ષાની સમસ્યામાંથી પસાર થઇ રહ્યું છે, અને રાજ્યમાં આંખે ઉડીને વળગે એવી કોઇ બાબત હોય તો તે છે રાજ્યના રોડ-રસ્તા. રાજ્યના ઉચ્ચશિક્ષિત લોકો બેરોજગાર છે અને તેઓ નોકરીઓની તલાશમાં છે, તદઉપરાંત રાજ્યના સામાન્ય લોકો કાયમ માટે એક પ્રકારની નિરાશા ભોગવી રહ્યા છે કેમ કે તેઓ શાંતિ કાયમ કરવા ત્રાસવાદી જૂથોને સીધો ટેક્સ ચૂકવે છે પરંતુ તેઓને આ સીધા ટેક્સના બદલામાં કે નાણાંકીય સહાય પૂરી પાડવાની કેન્દ્ર સરકારની ઉદારતામાંથી કોઇ સીધો લાભ મળતો નથી. તેઓ દ્વારા ચૂકવાતા ટેક્સના નાણાંનો મોટો હિસ્સો એવા રાજકારણીઓના ખિસ્સામાં જાય છે જેઓ સત્તામાં રહેવાથી કેટલો આર્થિક લાભ થાય છે તે બખૂબી જાણે છે. રાજકીય જોડાણ હોય કે ન હોય, પરંતુ રાજકીય આશ્રય અને ધન એ જ એવી બે કડવી વાસ્તવિકતાઓ છે જે રાજ્યના રાજકારણને ચલાવતી સત્તા સાથે સારી રીતે સંકળાયેલા છે.
પોતાનું નિરાશાજનક રાજકારણ હોવા છતાં લાગાલેન્ડની સિવિલ સોસાયટીએ એક પ્રકારની આશા જન્માવી છે, કેમ કે તેના સભ્યોએ શાંતિ પ્રક્રિયામાં ભાગ લીધો છે, ભ્રષ્ટાચારથી ખદબદતાં રાજકારણ વિશે જાહેરમાં બોલવા માંડ્યું છે અને તદ્દન નિષ્પક્ષ અને તટસ્થ ચૂંટણી માટે એક અભિયાન છેડ્યું છે. ગત વર્ષે નાગાલેન્ડની મહિલાઓના વિવિધ જૂથોએ સરકારી સંસ્થાઓમાં સ્ત્રી-પુરુષના પ્રતિનિધિત્વનો વિવાદાસ્પદ મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે મ્યુનિસિપલ કોર્પોરેશન અ નગરપાલિકાઓમાં 33 ટકા અનામતની માંગણીના મુદ્દે તેઓને નિષ્ફળતા સાંપડી હતી તેમ છતાં રૂઢિચુસ્ત સમાજમાં સ્ત્રી-પુરુષની સમાનતાના મુદ્દે જાહેર ચર્ચા શરૂ કરાવવામાં તેઓને સફળતા મળી હતી. આ ચૂંટણીમાં ફક્ત પાંચ જ મહિલાઓ મેદાનમાં છે, યાદ રહે કે રાજ્યની વિધાનસભામાં આજદિન સુધી એક પણ મહિલા ચૂંટાઇને આવી નથી અને 1963 થી આજદિન સુધીમાં ફક્ત એક જ મહિલા ચૂંટાઇને સંસદમાં પહોંચી હતી. થોડાં થોડાં વર્ષોના અંતરે ભજવાતું ચૂંટણીનું નાટક નહીં પરંતુ રાજ્યમાં ખરાં રાજકારણનું પ્રતિનિધિત્વ કરતા નાગાલેન્ડની અંદર જ સિવિલ સોસાયટી આ પ્રશ્ન ઠાવી રહી છે