ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

સન્માનપૂર્વકના સ્વૈચ્છિક મૃત્યુનો અધિકાર

જો દેશના નાગરિકોને સરકાર તરફથી તંદુરસ્ત આરોગ્યની કોઇ ખાતરી મળતી નહોય તો શું તેઓની ઇચ્છામૃત્યુની માંગનો ઇન્કાર કરી શકાય ખરો?

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

તાજેતરમાં મુંબઇના એક દંપતિ દ્વારા સન્માનપૂર્વક સ્વૈચ્છિક મૃત્યુ પામવાની કરાયેલી અપીલના પગલે ફરીથી વ્યક્તિના સન્માનપૂર્વકના સ્વૈચ્છિક મૃત્યુના અધિકારની ચર્ચાએ જોર પકડ્યું હતું. મેડિકલ ટ્રિટમેન્ટ ઓફ ટર્મિનલી ઇલ પેશન્ટ (મૃત્યુશૈયા ઉપર પડેલા દર્દીની તબીબી સારવાર) (પ્રોટેક્શન ઓફ પેશન્ટ એન્ડ મેડિકલ પ્રેક્ટિસનર) બીલ-2016 કદાચ સંસદમાં પસાર થઇ જાય એવી શક્યતા છે અને તેમાં પણ આ મુદ્દાની જાહેર ચર્ચા હાથ ધરવાનો ઉલ્લેખ કરાયો છે.

ગત 21 ડિસેમ્બર-2017ના રોજ નારાયણ રવાતે (86) અને તેની પત્નિ ઇરાવતીએ ભારતના રાષ્ટ્રપતિને એક પત્ર લખીને તબીબી સુવિધાઓની મદદથી તેઓનું જીવન સમાપ્ત કરવાની મંજૂરી માંગી હતી. તેઓએ એવી પણ જાહેરાત કરી હતી કે તેઓ અત્યાર સુધી ખુબ સુખી જીવન જીવી ચૂક્યા છે, તેઓનું આરોગ્ય પણ તદ્દન તંદુરસ્ત છે અને તેઓની ઉપર નિર્ભર રહેનારું કોઇ નથી કે તેઓના માથે કોઇની જવાબદારી પણ નથી. તેઓએ પત્રમાં દલીલ કરી હતી કે તેઓને ગંભીર બીમારીથી મૃત્યુ આવવાની રાહ જોવા માટે મજબૂર કરવા તદ્દન અયોગ્ય ગણાશે કેમ કે જો ગંભીર બિમારીથી તેઓ પૈકીના કોઇ એકનું મૃત્યું પહેલું થશે તો બીજી વ્યક્તિ શોકાતુર થઇ જશે અને તેને એકલા અટુલાં થઇને મૃત્યુ પામવું પડશે. આ પહેલાં 1977માં થોમસ માસ્ટરે કેરળ હાઇકોર્ટમાં અરજી કરીને સ્વૈચ્છિક મૃત્યુ માટે મંજૂરી માંગી હતી. તેણે પોતાની અરજીમાં દલીલ કરી હતી કે તેણે તેના જીવનનું મિશન પૂરું કરી દીધું છે અને હવે લાંબું જીવવાની કોઇ ઇચ્છા રહી નથી. જો કે 2000ની સાલમાં કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. દરમ્યાન મણકાની ગાદી અને કરોડરજ્જુની ગંભીર બિમારીથી થતી અસહ્ય પીડાની સામે ઝઝૂમી રહેલી કર્ણાટકની 70 વર્ષીય કરીબસમ્મા રાહ જોઇ રહી છે કે ક્યારે કાયદો તેને સન્માનપૂર્વકનું સ્વૈચ્છિક મૃત્યુ પામવાની મંજૂરી આપે.આ ત્રણ કેસમાં સન્માનપૂર્વક મૃત્યુ પામવાના અધિકારની માંગનો અવાજ ઉઠાવવામાં આવ્યો છે.

2011ની સાલમાં સુપ્રિમ કોર્ટે અરૂણા રામચંદ્ર શાનબાગ વિરુધ્ધ ભારત સરકાર અને અન્યના કેસમાં શરીરના તમામ અંગો કામ કરતાં બંધ થઇ ગયા હોય અને ફક્ત શ્વાસ જ ચાલતો હોય અને જેના સાજા થવાની કોઇ શક્યતા કે તક જણાતી ન હોય એવી દશામાં કાયમ પડી રહેલાં દર્દીનાના કિસ્સામાં લાઇફ સર્પોર્ટ સિસ્ટમ ખેંચી લેવાની મંજૂરી આપતો ચુકાદો આપ્યો હોવા છતાં ભારતમાં સ્વૈચ્છિક મૃત્યુ ગેરકાયદે ગણાય છે. આ ચુકાદાથી નિષ્ક્રિય અને સક્રિય સ્વૈચ્છિક મૃત્યુ વચ્ચે રહેલી પાતળી ભેદરેખા સ્પષ્ટ કરવામાં આવી હતી.નિષ્ક્રિય પ્રકારના સ્વૈચ્છિક મૃત્યુના કિસ્સામાં તબીબી સારવાર પાછી ખેંચી લેવાની વાત છે જ્યારે સક્રિય ઇચ્છામૃત્યુમાં તબીબી સુવિધાઓની મદદથી મૃત્યુ પામવાની સક્રિય પ્રક્રિયાની વાત કરવામાં આવી છે. સરકાર જે ખરડો સંસદમાં પસાર કરાવવા માંગે છે તેમાં સુપ્રિમ કોર્ટના ચુકાદાને કાયદાનું સ્વરૂપ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

ભારતમાં ઇચ્છામૃત્યુ કે સ્વૈચ્છિક મૃત્યુની ચર્ચામાં મુખ્યત્વે એવા જ પ્રશ્નો ગૂંથાયેલા જોવા મળે છે કે જીવન ઉપર કોની માલિકી છે? અને તેનો અંત ક્યારે લાવવો તેનો નિર્ણય કરવાનો અધિકાર કોની પાસે રહેલો છે?ખૈર, આવી ચર્ચા તો ચાલતી જ રહેવાની પરંતુ વાસ્તવમાં આ મુદ્દો હાથ ધરવાનો ખરો રચનાત્મક માર્ગ એ છે કે ભારત સરકારની સરકારી આરોગ્ય સેવાઓને ધ્યાનમાં લેતાં ઇચ્છામૃત્યુની માંગ કેટલા અંશે ખરી છે? ભારતમાં આત્મસન્માન સાથે મોતને ભેટવું કેટલું મુશ્કેલ છે તે બાબતને ધ્યાનમાં લેતાં ઇચ્છામૃત્યુની માંગ વિશેષ કરીને દબાતી જાય છે.“જીવતા રહેવાની મુનસફી કે ઇચ્છા”-એવી ઇચ્છા જ્યાં કોઇ વ્યક્તિ ભવિષ્યમાં તબીબી સારવાર લેવાનો ઇન્કાર કરી શકે- અને સક્રિય ઇચ્છામૃત્યુ પ્રત્યે સરકારના અણગમાના કારણે શક્ય છે કે વૃધ્ધોનું ઝડપથી મૃત્યુ થાય એવા સ્થાપિત હિતો ધરાવતા સગાં-વહાલા તેનો દુરુપયોગ કરી શકે છે. ખાનગી હેલ્થકેર ઉદ્યોગ દ્વારા માંદગીનો દુરુપયોગ ન થાય તે બાબત સુનિશ્ચિત કરવા સરકાર કેટલી ઉણી ઉતરી રહી છે તે ખરેખર અત્યંત આશ્ચર્યની વાત છે.

મૃત્યુ પામવા માટે ભારત વિશ્વમાં સૌથી ખરાબ દેશો પૈકીનો એક છે, વિશેષ કરીને એવા લોકો માટે જેઓ પ્રાણઘાતક બિમારીઓથી પીડાઇ રહ્યા છે. 2015માં ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા મૃત્યુના ઇન્ડેક્સની ગુણવત્તા બહાર પાડવામાં આવી હતી જેમાં સર્વે કરાયેલા 80 દેશોમાંથી ભારતનો ક્રમ 67 રહ્યો હતો. ડિસેમ્બર-2017માં વર્લ્ડ હેલ્થ આર્ગોનાઇઝેશન અને વર્લ્ડ બેંક દ્વારા પ્રસિદ્ધ કરાયેલા સંયુક્ત અહેવાલમાં ઘટસ્ફોટ કરાયો હતો કે ભારતમાં ગજાં બહારના તબીબી ખર્ચાના કારણે દર વર્ષે 4.90 કરોડ લોકો ગરીબી તરફ ધકેલાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં દર વર્ષે આ પ્રકારની કમનસીબીને ભેટતા 10 કરોડ લોકોની તુલનાએ ભારતના લોકોનો આંકડો અડધોઅડધ છે. ભારત સરકારનો સેન્ટ્રલ બ્યુરો ઓફ હેલ્થ ઇન્ટેલિજન્સ દ્વારા જારી કરાયેલી આંકડાકીય માહિતીમાં તો ઘણી મોટી સંખ્યા દર્શાવવામાં આવી હતી. આ પ્રકારની બેહોશીની અવસ્થા એ આપણી ખાડે ગયેલી અને અત્યંત ખરાબ રીતે કથળી ગયેલી સરકારી આરોગ્ય સેવાઓનું સીધું પરિણામ છે. 2017-18ના આર્થિક સર્વેમાં પણ કહેવામાં આવ્યું હતું કે ભારત તેના કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (જીડીપી)ના ફક્ત 1.4 ટકા રકમ જ આરોગ્ય સેવાઓ પાછળ ખર્ચે છે. 2017ની રાષ્ટ્રીય આરોગ્ય નીતિમાં આરોગ્ય સેવાઓ પાછળ કુલ રાષ્ટ્રીય ઉત્પાદનના 2.5 ટકા જેટલો સરકારી ખર્ચ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે. જો કે આ તમામ બાબતો હવે ઘણી જ મોડી છે અને ઘણી ઓછી છે.

સમાજના ધનિક અને ઉચ્ચ મધ્યમ વર્ગ માટે જો કે સ્થિતિમાં થોડો સુધારો જરૂર જોવા મળ્યો છે, કેમ કે ખાનગી હોસ્પિટલોમાં હવે 90 ટકા જેટલા ઇન્ટેન્સિવ કેર યુનિટની સુવિધાઓ ઉભી થઇ હોવાથી સમાજનો આ વર્ગ મોંઘીદાટ આરોગ્ય સેવાઓનો લાભ લઇ શકે છે, પરંતુ આ સુવિધાના કારણે તેઓને જીવનનો અંત લાવે એવી સ્થિતિમાં કોઇ સુધારો આવી શક્યો નથી. જો કે દર્દીઓની પીડા અને દર્દ ઘટાડવાની આરોગ્ય સેવાઓ પ્રત્યેની જાગૃતિ અને તાલિમ હજુ પણ ઘણા અપૂરતા રહેવા પામ્યા છે. જે ખાનગી હોસ્પિટલો તગડો નફો કમાવવાનું જ એકમાત્ર લક્ષ્ય રાખતી હોય છે તેઓ આ પ્રકારની સારવાર માટે વધારાના કોઇ લાભ આપતી નથી. ઉલ્ટાનું આ હોસ્પિટલો મોતને બિછાને પડેલા દર્દીની ખુબ લાંબા સમય સુધી અત્યંત ખર્ચાળ અને પીડાદાયક સારવાર કરે છે અને તે દરમ્યાન તેના શરીરમાં ખોટા ખોટાં ઓપરેશનો કરીને દર્દીની પીડામાં વધારો કરે છે જેમાં તેઓ દર્દીની કે તેના પરિવારની કોઇ પરવા કરતાં નથી.

   એક બિમાર અને વૃધ્ધ વ્યક્તિ માટે સન્માનપૂર્વકનું જીવન સુનિશ્ચિત કરવામાં જ્યારે સરકાર સરિયામ નિષ્ફળ જાય છે ત્યારે તે વ્યક્તિના સન્માનપૂર્વકના મૃત્યુના અધિકારનો ઇન્કાર કરવાની તે તમામ નૈતિકતા ગુમાવી દે છે. પરંતુ આ દેશનો કાયદો કુદરતી અધિકાર ગણાતા જીવન જીવવાના અને અકુદરતી ગણાતા મોતના અધિકાર વચ્ચે ભેદરેખા ઉભી કરે છે. અહીં જે ખરી વસ્તુ ભુલાઇ રહી છે તે એ છે કે ભારત સરકાર અનેક કિસ્સાઓમાં વ્યક્તિને સામેથી મોત આપવાનો પોતાને કાયદાકીય અધિકાર હોવાનો દાવો કરે છે, કેમ કે મૃત્યુદંડની સજાને કાયદા દ્વારા માન્ય રાખવામાં આવી છે જ્યારે અર્ધલશ્કરી દળોમાં અને પોલીસની કાર્યવાહીમાં એન્કાઉન્ટર કરીને મોતને ઘાટ ઉતારી દેવાની પ્રક્રિયાને વિવિધ કાયદાકીય જોગવાઇઓનો આધાર લઇને કાયદેસર ઠરાવવામાં આવે છે. તેમ છતાં દેશના સામાન્ય નાગરિકના મોતના અધિકારની માંગ બદલ ગુણવત્તાયુક્ત અને તમામને પરવડે એવી સરકારી આરોગ્ય સેવાઓ અને વ્યક્તિના ખાનગી હેલ્થકેર દ્વારા થતાં શોષણની દુહાઇ દેવામાં આવે છે, અને તેથી જ ઇચ્છામૃત્યુની સાંપ્રત ચર્ચાને દિવસેને દિવસે કથળતી જતી સરકારી આરોગ્ય સેવાઓના પરિપ્રેક્ષ્યમાં ચકાસવી જોઇએ, જોવી જોઇએ.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top