ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

સરકારની સૂચિત હેલ્થકેર યોજના ખાનગી ક્ષેત્ર માટે તગડો નફો કમાવવાનું સાધન બની રહેશે

સરકારી આરોગ્ય સેવાઓની સતત થઇ રહેલી ઉપેક્ષા ભારતને સહેજપણ પરવડે તેમ નથી

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

તંદુરસ્ત આરોગ્યના અધિકારની માંગને ભારતમાં આરોગ્ય વીમાની જોગવાઇ કરીને પૂરી કરવામાં આવી રહી છે. સરકારી વર્તુળોમાં એવું માનવામાં આવી રહ્યું છે કે દવાખાનામાં દાખલ થવા માટે ફક્ત વીમાનું કવચ પૂરું પાડીને યુનિવર્સલ હેલ્થકેરની સુવિધા આપી શકાય છે, પરંતુ તે સાથે એક જ એવી બાબત છે જે આ દેશમાં ખાસ કરીને ગરીબોને આરોગ્યની સુવિધા પૂરી પાડવાની જોગવાઇને સુનિશ્ચિત કરી શકે તેમ છે અને તે છે સતત ચાલુ રહેલી અપૂરતી નાણાંકીય ફાળવણી અને તેની સાથે તેને પદ્ધતિસર નબળી પાડવાની વૃત્તિ. વર્તમાન સરકારના છેલ્લા અને પૂર્ણ બજેટમાં નાણાંમંત્રીએ હેલ્થકેર ઉપર ભાર મૂકવાની એક ભૂમિકા તૈયાર કરી હતી. જો કે આ બજેટમાં તેમણે દેશના આરોગ્ય ક્ષેત્ર માટે કરેલી અંદાજપત્રીય ફાળવણીમાં કોઇપણ જાતનો વધારો જાહેર ન કરતાં “આયુષ્યમાન ભારત” અંગેની તેમની વાત સાથે આ બાબત કોઇપણ રીતે સુસંગત પૂરવાર થતી નથી. નાણાંમંત્રીએ તેમના બજેટમાં આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય માટે રૂ. 54,600 કરોડની ફાળવણી કરી હતી જે ગત વર્ષે કરાયેલા રૂ. 53,294 કરોડની તુલનાએ નહિવત છે કેમ કે આગામી વર્ષના અપેક્ષિત ફૂગાવાને ધ્યાનમાં લેવામાં આવે તો આ ફાળવણીને અસરકારકરીતે ઘટાડેલી ફાળવણી કહી શકાય. તે ઉપરાંત આરોગ્ય ક્ષેત્ર માટે કેન્દ્ર સરકારે નિર્ધારત કરેલાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (જીડીપી)ના 1 ટકા ખર્ચની સાથે અને રાજ્ય સરકારો દ્વારા નિર્ધારિત કરાયેલા કુલ રાષ્ટ્રીય ઉત્પાદનના 1.5 ટકાના ખર્ચ સાથે નાણાંમંત્રીએ આરોગ્ય ક્ષેત્ર માટે કરેલી અંદાજપત્રીય સહેજપણ મેળ ખાતી નથી રાષ્ટ્રીય આરોગ્ય નીતિ-2017માં નિર્ધારિત કરાયા મુજબ અને કેટલીક સરકારી સમિતિઓ અને પરિષદો દ્વારા કરાયેલા નિર્દેશ અનુસાર આવશ્યક આરોગ્ય સેવાઓ પૂરી પાડવા દેશ માટે આટલી રકમ લઘુતમ જરૂરિયાતની રકમ કહી શકાય.

પોતાની મોટી મોટી બડાશો હાંકવાનું ચાલું રાખતાં નાણાંમંત્રીએ રાષ્ટ્રીય આરોગ્ય સંરક્ષણ યોજના (નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ-એનએચપીએસ) ની જાહેરાત કરી હતી અને દાવો કર્યો હતો કે 10 કરોડ ગરીબ અને નબળા વર્ગના લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સરકારી મદદવાળો આ વિશ્વનો સૌથી મોટો હેલ્થકેર પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ અંતર્ગત પ્રત્યેક પરિવારને દવાખાનામાં દાખલ થવાના ખર્ચને પહોંચી વળવા સરકારી મદદવાળુ રૂ. 5 લાખનું વીમા કવચ પૂરું પાડવામાં આવશે. નાણાંમંત્રીએ પોતાના બજેટ પ્રવચનમાં વળી એવું પણ વચન આપ્યું હતું કે આ યોજનાના સરળ અમલીકરણ માટે પૂરતું નાણાંભંડોળ પણ પૂરું પાડવામાં આવશે, જો કે બજેટના દસ્તાવેજોમાં તેમના વચનનું ક્યાંય પણ પ્રતિબિંબ પડતું જણાતું નથી. રૂ. 5 લાખનું વીમા કવચ પૂરું પાડવા વાર્ષિક રૂ. 3000ના પ્રિમિયમનો તદ્દન વ્યવહારું અંદાજ મૂકીયો તો પણ બજેટમાં રૂ. 30,000 કરોડની જરૂર પડે. ગરીબ પરિવરાને વાર્ષિક રૂ. 30,000નું વીમાકવચ પૂરું પાડતી હાલની આરોગ્ય વીમા યોજના એટલે કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના (આરએસબીવાય)ના અમલ માટે નાણાંમંત્રીએ 2018-19ના બજેટમાં ફક્ત રૂ. 2000 કરોડની ફાળવણી કરી છે. બાદમાં આરોગ્ય મંત્રાલય, નાણાંમંત્રાલય અને નીતિ આયોગના અધિકારીઓ દ્વારા જારી કરાયેલા નિવેદનમાંથી સ્પષ્ટ સંકેત મળતો હતો કે નાણાંમંત્રીએ જાહેર કરેલ નેશનલ હેલ્થકેર પ્રોટેક્શન સ્કીમનો અ વર્ષથી અમલ શરૂ થાય એવી નહિવત શક્યતા છે. દેશમાં પથરાયેલા 1.5 લાખ જેટલા આરોગ્ય કેન્દ્રોની મદદથી પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે બજેટમાં રૂ. 1200 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. આ કેન્દ્રો મફત આવશ્યક દવાઓ અને સારવારની સેવાઓ, પ્રસુતિ અને બાળ આરોગ્યની સેવાઓ અને બિન-ચેપી રોગોની સારવાર માટેની આરોગ્ય સેવાઓ સહિતની સર્વગ્રાહી આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. પ્રત્યેક આરોગ્ય કેન્દ્ર દીઠ ફક્ત રૂ. 80,000ની રકમને ધ્યાનમાં લેતાં કોઇપણ વ્યક્તિ કલ્પના કરી શકે કે આ આરોગ્ય. કેન્દ્રોને કેટલી હદે ઓછું નાણાંભંડોળ ફાળવવામાં આવ્યું છે. તદઉપરાંત આ રોગ્ય કેન્દ્રો પણ જેનો એક હિસ્સો બનવાના છે તે નેશનલ હેલ્થ મિશન માટે પણ બજેટમાં રૂ. 30,634 કરોડની ફાળવણી કરવામાં આવી છે જે ગત વર્ષના સુધારેલા અંદાજની તુલનાએ રૂ. 658 કરોડ ઓછા છે.

આ આરોગ્ય કેન્દ્રોને ટેકો પૂરો પાડવા અને તેઓને વધુ મજબૂત બનાવવા નેશન હેલ્થ મિશનમાં અનેક અનઅપેક્ષિત અને અસંગત રોગો, ઘટનાઓ અને બનાવોને સમાવી લેવામાં આવ્યા છે અને તેને કેન્દ્ર સરકાર તરફથી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ મિશનની અંદાજપત્રીય ફાળવણીમાં ઘટાડો કરવાનો એક અર્થ એવો થઇ શકે કે રાષ્ટ્રીય ગ્રામ્ય આરોગ્ય મિશન (નેશનલ રૂરલ હેલ્થ મિશન)ની મદદથી છેલ્લા 10 વર્ષમાં જે કાંઇ પ્રગતિ અને વિકાસ થયો હતો તેમાંથી પારોઠના પગલાં ભરવામાં આવ્યા છે.

આશ્ચર્યની વાત તો એ છે કે જયાં પાંચ વર્ષની ઉંમર સુધીના બાળકો કુપોષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને જ્યાં ચેપી અને બિન-ચેપી રોગોનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે એવા દેશમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો બોજો ખુબ વધી ગયો હોવા છતાં સરકાર દ્વારા આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની બાબતની ઘોર ઉપેક્ષા થઇ રહી છે. અનેક રાજ્ય સરકારોના નિતિ વિષયક દસ્તાવેજોમાં આરોગ્ય સેવાઓ માટે થતાં ગજાં બહારના ખર્ચાની વધતી જતી ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના કારણે ગરીબો વધુને વધુ નાણાંકીય તકલીફો ભોગવી રહ્યા છે અને તેઓ દારણ ગરીબી તરફ ધકેલાઇ રહ્યા છે. અત્યાર સુધી હાથ ધરાયેલા અભ્યાસમાંથી એવુ તારણ બહાર આવ્યું છે કે યોગ્ય આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા ગરીબોને થતાં ગજાં બહારના ખર્ચનો બોજ ઘટાડવામાં આરોગ્ય વીમો નહિવત પ્રમાણમાં મદદરૂપ થઇ શકે. ભારતમાં આરોગ્ય સેવાઓ પાછળ થતાં કુલ ખર્ચ પૈકી 67 ચકા ખર્ચ તો ગજાં બહારનો ખર્ચ થાય છે અને તેમાંથી પણ 63 ટકા ખર્ચ તો આઉટ પેશન્ટની સારવાર પાછળ થાય છે. અભ્યાસમાં એવો પણ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે હાલની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના અંતર્ગત દર્દીઓને સારવારના ખર્ચ પેટે સરકાર તરફથી થતી સંપૂર્ણ કે આંશિક ચૂકવણીમાં દવાખાનામાં દાખલ થતાં કેસના ખર્ચનું સપ્રમાણ પણ ઘણું ઓછું છે. તદઉપરાંત સરકાર માન્ય એટલે કે એક્રિડેટેડ હોસ્પિટલો સામાન્ય રીતે શહેરી વિસ્તારોમાં આવેલી હોય છે અને સરકારી હોસ્પિટલોની સંખ્યાની દૃષ્ટિએ ખાનગી હોસ્પિટલો વધુ પ્રમાણમાં સરકાર માન્ય (એક્રિડેટેડ) નો દરજ્જો ધરાવતી હોય છે.

સરકારની નીતિ અને ખર્ચાઓ ધીમે ધીમે વીમા આધારિત સેવાઓ તરફ ઝૂકી રહ્યા છે તે બાબત જ સ્પષ્ટ સંકેત અને ઇશારો કરે છે કે આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સરકારી જોગવાઇઓ કરવાની અને પ્રાથમિક આરોગ્યને અપાતા મહત્વ અને તે માટે કરાતી નાણાંકીય ફાળવણીની ઉપેક્ષા થઇ રહી છે. નાણાંમંત્રીએ બજેટમાં કરેલી જાહેરાત બાદ વીમા કંપનીઓના શેરોમાં આવેલી ધૂમ તેજી જ પૂરવાર કરે છે કે સરકારની આ હેલ્થકેર યોજનાથી વીમા ઉદ્યોગમાં રહેલી ખાનગી કંપનીઓને જ મોટો તડાકો પડી જવાનો છે. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ-2017માં પણ ભવિષ્યમાં એક અત્યંત મજબૂત અને તંદુરસ્ત હેલ્થકેર ઉદ્યોગ ઉભરી આવવાની વાત કરવામાં આવી છે જે અંદાજે બે આંકડાના દરે વિકાસકૂચ કરશે. સરકારી આરોગ્ય સેવાક્ષેત્રની સતત થઇ રહેલી ઉપેક્ષાના પરિણામસ્વરૂપ જે લોકોને પરવડે તેમ નથી એવા લોકોને પણ આજે આરોગ્ય સેવાઓ માટે ખાનગી ક્ષેત્ર ઉપર નિર્ભર રહેવાનો વારો આવ્યો છે. સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ અને સાધનોનો અભાવ હોય છે, સ્ટાફનું પ્રમાણ પણ ઓછું હોય છે અને તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ અત્યંત નબળી કક્ષાનું હોઇ ગરીબની પાસે પણ આરોગ્ય સેવાઓ માટે ખાનગી હોસ્પિટલોનો સહારો લેવા સિવાય બીજો કોઇ વિકલ્પ બચતો નથી.વિશેષ કરીને ખાનગી હોસ્પિટલોને જ તગડો નફો કરાવી આપતી જોગવાઇઓ આધારિત હાલની હેલ્થકેર સિસ્ટમના પગલે ખાનગી કંપનીઓની હોસ્પિટલો જે મસમોટો નફો કમાય છે તે દેશના લોકોના આરોગ્ય અને કલ્યાણથી ઘણો ઉપર અને વધુ છે, અને સૂચિત વીમા યોજનાથી તે પ્રવૃત્તિને વધુ વેગ મળશે.

  વિશ્ભરના દેશોનો અનુભવ દર્શાવે છે કે એક સર્વગ્રાહી સરકારી આરોગ્ય સેવાઓ અને મજબૂત નિયમનકારી વ્યવસ્થાની ગેરહાજરીમાં લોકોની આરોગ્યની જરૂરિયાતોને પહોંચી વળવા ખાનગી ક્ષેત્ર ઉપર રાખવા પડતા અવલંબનથી સમાનકક્ષાની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થતી નથી. આ સંદર્ભમાં ભારતે શ્રેષ્ઠ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને માનવશ્રમમાં મોટાપાયે રોકાણ કરીને સરકારી આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા ઉપર વિશેષ ભાર આપવો જોઇએ. તે સાથે દિવસ-રાત કૂદકેને ભૂસકે વિકાસ કરી રહેલાં ખાનગી ક્ષેત્રનું નિયમન કરવાની બાબતે પણ પ્રગતિ કરવાની તાતી જરૂર છે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top