ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846
Reader Mode

એનઆરઆઇ પત્નિઓ માટે વિદેશ એટલે “ડૂંગરા દૂરથી રળિયામણા”

ઘરેલું હિંસા અને અત્યાચારનો ત્રાસ ભોગવી રહેલી બિન નિવાસી ભારતીય પત્નિઓને યજમાન દેશ અને તેના વતન દેશની સરકાર તરફથી સંપૂર્ણ રક્ષણ મળવું જોઇએ

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

પોતાના સૌથી નજીકના પરિવાથી હજારો માઇલ દૂર તદ્દન અજાણી સંસ્કૃતિની વચ્ચે એક પરગ્રહવાસીની જેમ રહેતી અને ઘરેલુ હિંસાની સમસ્યામાં ફસાયેલી બિન નિવાસી ભારતીય (એનઆરઆઇ) પત્નિઓની સમસ્યા હવે બહુ નવી નથી. જો કે તાજેતરના વર્ષોમાં આ સમસ્યા ઉપર થોડુ વધુ ધ્યાન ખેંચાયું છે અને તેને મહત્વ પણ વધુ આપવામાં આવ્યું છે. ભારતના આર્થિક-સામાજિક વાતાવરણમાંથી ખુબ મોટા પ્રમાણમાં વિદેશોમાં ગમન કરી જવાના દિવસે ને દિવસે વધી રહેલાં પ્રમાણ વચ્ચે આ પ્રકારની પત્નિઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગત સપ્તાહે વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલી આંકડાકીય માહિતી સૂચવતી હતી કે એક એનઆરઆઇ પત્નિ પ્રત્યેક આઠ કલાકે (અર્થાત દિવસનમાં ત્રણ વાર) પોતાના વતનમાં ફોન કરીને પોતાને ઘરેલું હિંસાના અત્યાચારમાંથી મુક્ત કરાવવા આજીજી કરે છે. જાન્યુઆરી-2015 થી નવેમ્બર-2017ના સમયગાળા વચ્ચે એકલા વિદેશ મંત્રાલયને જ આ અંગેની 3328 ફરિયાદો મળી હતી. જો કે ઘરેલુ હિંસાનો ભોગ બનેલી પત્નિઓની વાસ્તવિક સંખ્યા તો ઘણી મોટી હોઇ શકે છે જેમાં પોતાના પરિવારની કે સરકારી કોઇ એજન્સીની મદદ માંગી ન હોય એવી પત્નિઓનો અને પોતાના ઉપર ગુજારાતા અત્યાચારની ફક્ત તેના પરિવાર કે બીજા કોઇને જાણ કરી હોય એવી પત્નિઓનો સમાવેશ થઇ જાય છે.

“એનઆરઆઇ વધુ” નું લેબલ ધરાવતી મહિલાઓ હજારોની સંખ્યામાં જુદા જુદા ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવતી હોય છે. સરકારી અધિકારીઓ અને અવારનવાર હાથ ધરાતા સર્વેક્ષણમાંથી જાણવા મળ્યું છે કે પંજાબ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ગુજરાતમાં આ પ્રકારની સૌથી વધુ ફરિયાદો નોંધાઇ છે. આ પૈકીના પ્રત્યેક રાજ્ય છેતરાયેલી કે ઘરેલુ હિંસાનો ભોગ બનેલી પત્નિઓ દ્વારા નોંધાવાયેલી ફરિયાદોનો એક મોટો બેકલોગ ધરાવે છે. આ ફરિયાદોમાં લગ્ન બાદ ત્યજી દેવી (ક્યાંતો ભારતમાં અથવા તો વિદેશમાં), વિદેશમાં અગાઉથી જ બીજી પત્ની હોવી, પુરુષની નોકરી અને કમાણીની ખોટી માહિતી હોવી, દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપવો, ઘરેલુ હિંસાનો ભોગ બનવો અથવા તો ખોટા દસ્તાવેજોના આધારે એકપક્ષીય રીતે છૂટા છેડા આપી દેવા જેવી વિવિધ બાબતોન સમાવેશ થાય છે. આ બધા કેસો ખાસ કરીને અમેરિકા, બ્રિટન અને પશ્ચિમ એશિયાના દેશોના છે કેમ કે આ દેશોમાં ઘણી મોટી સંખ્યામાં ભારતીયો સ્થાયી થયા છે. ફરિયાદ કરનારી મહિલાઓ વિવિધ પ્રકારનું શૈક્ષણિક બેકગ્રાઉન્ડ ધરાવતી હોય છે જેમાં અર્ધ-શિક્ષિતથી માંડીને એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર ટેકનોલોજી ગ્રેજ્યુએટ સુધીના શિક્ષણનો સમાવેશ થાય છે. મોટાભાગની ફરિયાદો અમેરિકામાંથી એવી પત્નિઓ તરફથી નોંધાય છે જેઓ એચ-4 વિઝા ધરાવતી હોય છે અને એચ-1બી વિઝા ઉપર રહેતા પોતાના પતિ ઉપર નાણાંકીય રીતે સંપૂર્ણ આધારિત હોય છે. ઉલ્લેખનીય છે કે 2015માં ઓબામા વહીવટીતંત્રએ એચ-4 વિઝા ધારકોને વર્ક પરમીટ માટે અરજી કરવાની મંજૂરી આપી તે પહેલાં એચ-4 વિઝા ધરાવનાર કોઇપણ વ્યક્તિને અમેરિકામાં કામ કરવાની છૂટ નહોતી. જો કે અમેરિકાની હાલની સરકારના વલણને જોતાં ઓબામા વહીવટીતંત્ર દ્વારા લેવાયેલો નિર્ણય કેટલો સમય અમલમાં રહેશે તે કહેવું મુશ્કેલ છે.

સંખ્યાબંધ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સંકિર્ણતા ધરાવતી આ સમસ્યા માટે બે મહત્વના પરિબળોને જવાબદાર ગણાવી શકાય. પહેલું પરિબળ એવું છે કે પુખ્ત ઉંમરે પહોંચેલી દીકરી જો કુંવારી હશે તો સમાજમાં નીચાજોણું થશે એવી ખોટી માન્યતામાં રાચતા ભારતીય મા-બાપની પોતાની ખુબ ઉચ્ચ શિક્ષણ ધરાવતી અને આર્થિક રીતે પોતાના પગ ઉપર ઉભી રહી શકે એવી હોય તો પણ તે દીકરીને જલ્દીથી પરણાવી દેવાની ઘેરી ચિંતા જવાબદાર ગણી શકાય, બીજું કે ઇમિગ્રેશન થકી કે પછી લગ્નના માધ્યમથી ઉજ્જવળ ભવિષ્ય માટે વિદેશમાં સ્થાયી થવાની ખોટી ઘેલછાંને જવાબદાર ગણાવી શકાય. મોટાભાગની ભારતીય મહિલાઓ માટે લગ્નનો વિકલ્પ સર્વશ્રેષ્ટ ગણાય છે અને તેથી તેઓના મા-બાપ પણ આરંભથી જ એનઆરઆઇ પતિની જ તપાસ કરે છે. જો કે અન્ય એવા પણ કેટલાંક પરિબળો છે જે આ બાબતમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેઓ સામાજિક-સાંસ્કૃતિક પ્રકારના હોય છે. છોકરાંનો અગાઉના ઇતિહાસની અને તેની તમામ બાબતોની ઉંડાણપૂર્વકની તપાસ કરવા જતાં છોકરાવાળા કદાચ ગુસ્સે થઇ જશે અને સંબંધ કે સગાઇ તૂટી જશે એવી બીકના પગલે તે છોકરાંની સંપૂર્ણ તપાસ કરવામાં અનુભવાતો ખચકાટ એક મહત્વનું પરિબળ ગણી શકાય. બીજુ પરિબળ એવું ગણી શકાય કે ભારતના તમામ સમાજ અને વર્ગોમાં એવી એક માન્યતા પ્રચલિત બની ગઇ છે કે પત્નિનું કામ ફક્ત ઘર-ગૃહસ્થી ચલાવવી અને પતિના પરિવારની અને તેના મા-બાપની સારસંભાળ લેવાનું છે. અત્યાર સુધી હાથ ધરાયેલા અભ્યાસમાં એવું તારણ વ્યક્ત કરાયું છે કે લગ્ન કરનારી મહિલાના મા-બાપે પોતાની દીકરીને વર સાથે પરણાવવા માટે બીજા પરિબળને એક વાજબી કારણ તરીકે સ્વિકારી લીધું છે. એવા સંખ્યાબંધ કેસ જોવા મળ્યા છે જેમાં મહિલાને બાદમાં જોવા મળ્યું છે કે વિદેશની ધરતી ઉપર તે સસ્તી નોકરાણી કે કેર ગીવર( વૃધ્ધો કે બાળકોની સાર સંભાળ લેનાર) જેટલા પ્રમાણમાં પણ તે જીવનસાથી નથી. યાદ રહે કે વિદેશોમાં કેર ગીવર અને ઘરની નોકરાણીની સેવા ખુબ મોંઘી પડે છે.

ભારતીય ઇમિગ્રેશનની વાત કરવામાં આવે તો એનઆરઆઇ એક અત્યંત મહત્વની અને ઇચ્છનીય ભૂમિકા ભજવે છે. તેઓ દ્વારા ભારતમાં મોકલવામાં આવતા નાણાં ( વિદેશી હૂંડિયામણ) તેઓના પરિવારને તો મદદરૂપ થાય જ છે, તે ઉપરાંત તેનાથી ભારતીય અર્થતંત્ર પણ વધુ મજબૂત બને છે. યાદ રહે કે હવે દિવસે ને દિવસે એનઆરઆઇની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. (અંદાજે 1.56 કરોડ જન્મે ભારતીય એવા ઇમિગ્રન્ટ વિદેશોમાં સ્થાયી થયા છે). હાલની એનડીએ સરકાર એનઆરઆઇ દ્વારા ભારતમાં મોકલવામાં આવતા વિદેશી હૂંડિયામણ અને તેઓના પ્રભાવને ધ્યાનમાં લેતાં તેઓને ભારતના વિકાસમાં વધુને વધુ જોતરી રહી છે.

ઉભી થયેલી સમસ્યાઓના ઉકેલની માંગ કરતી ફરિયાદોની રાહ જોવાને બદલે ભારત સરકારે સામે ચાલીને વધુ સક્રિય થવાની જરૂર છે. (પંજાબની રાજ્ય સરકારે આ પ્રકારની ફરિયાદોના નિવારણ માટે એક અલગ પોલીસ સ્ટેશન ઉભું કર્યું છે.) કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવતી સરકારી એજન્સી માટે અત્યાર સુધી જો કોઇ સૌથી મોટો અવરોધ પૂરવાર થયો હોય તો તે એ છે કે આરોપીને ભારતમાં લાવીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો છે. વર્તમાન સરકાર દ્વારા રચાયેલી સમિતિએ એવી ભલામણ કરી છે કે પ્રત્યાર્પણની સંધિની વ્યાપક તકોને જોતાં જેઓની સામે ઘરેલુ હિંસાના કેસ થયા હોય, જેઓએ પત્નિઓને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હોય અથવા તો જેઓએ પોતાની પત્નિને ત્યજી દીધી હોય એવા એનઆરઆઇનો પાસપોર્ટ રદ કરી દેવો અને વિદેશોમાં રહેલાં ભારતીય મિશન દ્વારા ભોગ બનેલી મહિલાઓને વધુને વધુ નાણાંકીય સહાય પૂરી પાડવી. આ સમિતિએ એવી પણ હાકલ કરી છે કે આ અંગે જ્યાં સુધી કેન્દ્રિય કાયદો અમલમાં ન આવે ત્યાં સુધી તમામ રાજ્ય સરકારોએ એનઆરઆઇ સહિતના તમામ લગ્નોની ફરજિયાત નોંધણી કરવામાં આવે. સમિતિએ લગ્નની નોંધણીના ફોર્મ ઉપર વરરાજાની તમામ કાયદેસરની વિગતોની દર્શાવવાનું પણ ફરજિયાત બનાવવાની અને આ પ્રકારની ફરિયાદોના નિવારણ માટે એક રાષ્ટ્રીય વ્યવસ્થા ઉભી કરવાની પણ ભલામણ કરી છે.

આ એક એવો મુદ્દો છે જેને ઉપર દર્શાવેલા વિવિધ પાસાંઓથી બહાર અને અલગ રીતે જોવો જોઇએ નહીં. આ પ્રકારની સમસ્યાના ઉકેલ માટે સરકાર ઉપરાંત તમામ સરકારી એજન્સીઓ અ વિભાગોએ બહુ-આયામી વ્યૂહરચના ઘડી કાઢવી જોઇએ. ભારતીય મહિલાઓ જેનો સામનો કરી રહી છે એવા વ્યાપક મુદ્દાના આ કુદરતી પરિણામો છે જે તેઓને સંપૂર્ણ આત્મ સન્માન અને ગૌરવપૂર્વકનું જીવન જીવતા રોકે છે અને સમાજમાં તેમનું યોગદાન આપતાં રોકે છે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top