ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

રેન્કિંગની રામાયણ

 ‘’ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઈન્ડેક્સ’’નો બિઝનેસ હજુ કેમ ચાલે છે ?

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

વર્લ્ડ બેંક ગ્રુપ(WBG)ના અત્યંત પ્રખ્યાત પરંતુ પોલમપોલવાળા ‘’ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઈન્ડેક્સ’’ તરફ શંકાની સોય તકાઈ છે. વર્લ્ડ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી પોલ રોમરે સંસ્થાના અગ્રીમ હરોળના ગણાતા – ‘’ડુઈંગ બિઝનેસ’’ રિપોર્ટ અંગે અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમાં ‘’ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઈન્ડેક્સ’’ પણ બાકાત નથી. રોમરે છેલ્લા કેટલાક વર્ષોમાં મેથડોલોજીમાં કરવામાં આવેલા ફેરફારના કારણે ચીલીના રેન્કિંગમાં થયેલા ધરખમ ઘટાડાનો મુદ્દો ઉઠાવ્યો. 2006થી ચીલીના રેન્કિંગમાં ભારે વધઘટ થઈ રહી છે. આ રેન્ક 25 થી લઈને 57 વચ્ચે રહ્યો. ચીલીમાં સમાજવાદી પક્ષના માઈકલ બેચલેટના વડપણ હેઠળ રેન્કિંગ સતત નીચે ગગડ્યો, જ્યારે બીજી તરફ રુઢિચુસ્ત પક્ષના સેબાસ્ટીન પીનેરાના શાસનમાં તે વધ્યો. રોમેરે સાદો સવાલ કર્યો કે ઈન્ડેક્સની ગણતરી માટેના વેરિએબલ(ચલ) બદલાય એટલે મેથડોલોજી પણ બદલાય. તેથી તેની તુલના અગાઉના વર્ષો સાથે ન થાય. તેમણે કહ્યું કે વર્લ્ડ બેંક રેન્કિંગની એક જ પદ્ધતિનો ઉપયોગ કરી પાછલા ચાર વર્ષના રેન્કિગની ફરી ગણતરી કરે. રોમેરની રેન્કિંગની શંકા વાજબી છે. વર્લ્ડ બેંકના રિપોર્ટ અને ખાસ કરીને ઈઝ ઓફ ડુંઈઝ બિઝનેસના ઈન્ડેક્સની ગણતરીમાં રહેલા ગંભીર પ્રશ્નો અંગે અગાઉ પણ ઘણું સંશોધન થયું છે.

2003માં પહેલીવાર ‘’ડુઈંગ બિઝનેસ’’ રિપોર્ટ પ્રકાશિત થયો , ત્યારે તેમાં જે તે દેશના કાનૂની નિયંત્રણો અને બિઝનેસ શરુ કરવા માટેની પ્રક્રિયાનું મૂલ્યાંકન કરાયુ હતું. આ પ્રક્રિયામાં કોઈ પણ દેશની સૌથી મોટી બિઝનેસ સીટીમાં ખાનગી ક્ષેત્રે મધ્યમ કક્ષાનો ઉદ્યોગ શરુ કરવા માટેના નિયંત્રણોને ધ્યાને લેવાયા હતા. તેમાં ઔપચારિક અર્થતંત્ર માટે રાજ્યની નીતિ મૂલ્યાંકન આવશ્યક હતું. તેમાં કોઈ પણ દેશમાં આંતરિક વેપાર માટેના નિયંત્રણોમાં રહેલા ફરક તરફ ધ્યાન અપાયું નહોતું અને રોજબરોજના વેપારના વ્યવહાર સરળ બને તે માટે જરુરી અમલીકરણ વિશે પણ મૂલ્યાંકન કરાયું નહોતું. 2006થી વર્લ્ડ બેંકે ‘’ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’’માં ઈન્ડેક્સ નક્કી કરવા માટે નિર્દેશકોનું એકંદર ચિત્ર રજૂ કરવાનો પ્રારંભ કર્યો.  હવે આ ઈન્ડેક્સનો ઉપયોગ બેંકોની શરતી ધિરાણ નીતિના માર્ગદર્શનમાં થવા લાગ્યો હતો. જો કે આ અંગે ભારે ટીકા થતાં 2009થી બેંકની શરતી ધિરાણ નીતિના માર્ગદર્શનમાં તેનો ઉપયોગ બંધ થયો. 2013માં વર્લ્ડ બેંક ગ્રુપના પ્રમુખ જીમ યોંગ કિમએ ‘’ડુઈંગ બિઝનેસ’’ની ફેરવિચારણા(રિવ્યૂ) માટે માટે સ્વતંત્ર પેનલ બનાવી. આ પેનલે અહેવાલ તૈયાર કર્યો અને ઈન્ડેક્સ પ્રકાશિત ન કરવો જોઈએ તેવો મત વ્યક્ત કર્યો. આ રિવ્યૂમાં કહેવાયું કે એકઠી કરાયેલી માહિતીની મદદથી આંતરરાષ્ટ્રીય સ્તર પર તુલના કરવામાં મદદ મળે છે, પણ તે ડેટાને ઈન્ડેક્સ આધારિત રેન્કિંગ રજૂ કરતાં સરેરાશ ચિત્ર ઉપસે છે તે ગેરમાર્ગે દોરે છે અને ખોટું ઠરે છે. જો કે, તેમ છતાં આ રેન્કિંગ બંધ ન કરાયો.  

અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં નિર્દેશકોની પસંદગી ચતુરાઈપૂર્વક કરાય છે. નિર્દેશકોની મદદથી   વૈવિધ્યપૂર્ણ ગુણધર્મ દર્શાવવાનો ઈરાદો હોય છે.  ભારાંક અને પસંદગીનું પરિમાણ તુલનાત્મક પદ્ધતિના મૂળ હેતુને બાજુએ રાખી દે છે. હા, એટલું ખરું કે બે ગુણધર્મોને યોગ્ય રીતે સાંકળી શકાય છે, પણ તેના પરિણામોમાં પૂર્વગ્રહયુક્ત હોવાની શક્યતા રહે છે. એ વાત સાચી છે કે  ઈન્ડેક્સ જટિલ બાબતોને સરળ કરે છે અને તુલનાત્મક રીતે આંકડાઓ રજૂ કરે છે. આ સરળતા  ઈન્ડેક્સને વધુ લોકપ્રિય અને મજબૂત બનાવે છે, પણ કેટલીકવાર તે ખતરનાક પુરવાર થાય છે અને નીતિ ઘડવૈયાઓને ગેરમાર્ગે દોરે છે. જો કે, સૌ તેનો સ્વીકાર કરે જ એવું બનતું નથી, પણ  તે વ્યાપક પ્રસિદ્ધી પામતા હોવાથી તેની અવગણના કરવાનું મુશ્કેલ બને છે. આ પ્રકારના ઈન્ડેક્સને માપવાની પદ્ધતિ વિશે થતી ચર્ચા તરફ દુર્લક્ષ સેવવામાં આવે છે. કેટલીકવાર તો રેન્કિંગની સાવ નિરર્થક ગતિવિધિઓ તરફ  નાહકનું પ્રજાનું ધ્યાન ખેંચાય છે.

ગંભીર મુદ્દો એ છે કે આવા રેન્કિંગમાં સ્થાન મેળવવા માટે સરકારો તેમની નીતિઓમાં ફેરફાર કરે છે. ભારત સરકારે ઈન્ડસ્ટ્રિઅલ પોલીસી અને પ્રમોશનના 2017-18ના આઉટપુટ-આઉટકમ ફ્રેમવર્ક ડોક્યુમેન્ટમાં 2017-18ના વર્ષમાં ‘’ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઈન્ડેક્સ’’માં 90મો રેન્ક મેળવવા માટેના લક્ષ્યાંકને અગ્રીમતા આપી અને 2020 સુધીમાં 30માં ક્રમે પહોંચવાનું લક્ષ્ય નિર્ધારીત કર્યું. ભારતે ગયા વર્ષના 130માં રેન્કમાં સુધારો કરી 100મો રેન્ક મેળવ્યો તેને મીડિયામાં ખૂબ પ્રસિદ્ધી પણ મળી. તદુપરાંત,  ભારતે ‘’ડુઈંગ બિઝનેસ’’માં ધિરાણ મેળવવાના ઈન્ડેક્સમાં 29મો રેન્ક મેળવ્યો. જેથી એવી છાપ ઉભી થઈ કે ભારતમાં ધિરાણ પદ્ધતિમાં સુધારો થયો છે, પણ વિરોધાભાસ એ છે કે ઘણા એન્ટરપ્રાઈઝ અંગેના સર્વે અને સંશોધનોમાં તેનાથી તદ્દન વિરોધી ચિત્ર જોવા મળી રહ્યું છે. ખરેખર તો આ ઈન્ડેક્સ ધિરાણની સુગમતા નહીં પણ  ક્રેડિટ રિપોર્ટિંગ સિસ્ટમની મજબૂતાઈ અને ધિરાણની સુવિધામાં કોલેટરલની અને નાદારી અંગેના કાયદાની અસરકારકતાને જ માપે છે. ડુઈંગ બિઝનેસના રિવ્યૂ રિપોર્ટમાં નોંધાયુ છે કે આ પ્રકારની ગેરમાર્ગે દોરતી પરિભાષા(ટર્મીનોલોજી)ના કારણે અર્થતંત્ર અંગે પ્રજાના મનમાં ખોટું ચિત્ર ઉભું થાય છે જે લાંબા ગાળાની અસરો સર્જે છે.. આ રિપોર્ટમાં વપરાતી પરિભાષા સૂચવે છે કે સૂચક-આંક વેપાર માટેના વાતાવરણનું સર્વાંગી ચિત્ર રજૂ કરે છે. પણ ખરેખર તે માત્ર ‘’કાગળ પરના નિયંત્રણો’’  પર જ ધ્યાન આપે છે. આ પ્રકારના રેન્કિગમાં સ્થાન પામવા સરકાર તેની નીતિમાં ફેરફારો કરે છે, ખરેખર તો પ્રજા માટે કે અર્થતંત્રના સુધારા માટે જરુરી હોય તે પ્રકારના ફેરફારો નીતિમાં કરવા જોઈએ. જો સારુ રેન્કિંગ હોય તો સીધા વિદેશી મૂડીરોકાણને આકર્ષવામાં લાભ થાય તેવી માન્યતા એ વળી આ રેન્કિંગની બીજી આડઅસર છે. 

‘’ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’’માં સૌ માટે એક જ અભિગમ રાખવામાં આવે છે, જે તેનું નબળું પાસું છે. આ એક જ અભિગમ અપનાવાતા જુદા-જુદા દેશોમાં વિકાસના સ્થાનિક સંદર્ભોની અવગણના થાય છે. જે દેશ શરત પૂરી કરે તે સારું રેન્કિંગ મેળવે છે, પછી ભલે ને તે દેશ તેના  સ્થાનિક વિકાસ મોડલ અને સંદર્ભોની અવગણના કરે.! આ તો એવી વાત થઈ કે વર્લ્ડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટમાં રમતી ટીમ માટે નિયમ પણ સરખા હોય અને દરેક ટીમની વ્યૂહરચના પણ સરખી હોય ! આમ, ‘’ડુઈંઝ બિઝનેસ’’  રિપોર્ટ નીતિ અંગે માહિતી આપે છે, પણ તે અંગેની સંપૂર્ણ માહિતી આપતો નથી. આ નવા વિવાદથી વર્લ્ડ બેંકે આ રિપોર્ટ અંગે ફેરવિચારણા કરવી જોઈએ અને ‘’ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’’ ઈન્ડેક્સને તિલાંજલિ આપવી રહી.   

 

Updated On : 16th Apr, 2018

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top