ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

'પગારપત્રક'ના ડેટાની સાર્થક સમજ મેળવીએ...

મોદી સરકાર રોજગાર નિર્માણના ચકાસ્યા વગરના અંદાજોને પ્રોત્સાહન આપી રહી છે જે કદાચ ખોટા છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ઔદ્યોગિક ક્ષેત્રના કર્મચારીઓની માપણી કરવાની નવી પદ્ધતિ રોજગાર ડેટાના સુસ્થાપિત સ્રોત દ્વારા બતાવવામાં આવતા વલણોથી વિરુદ્ધ જાય છે અને તેને વર્તમાન સરકાર પોતાના હિતમાં પ્રમોટ કરી રહી છે. 25 એપ્રિલ, 2018 ના રોજ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ), એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (ઇએસઆઇસી) અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ) એ "પેરોલ" રિપોર્ટિંગ પર આધારીત ઔપચારીક રોજગાર અંગેના ડેટા પ્રકાશિત કર્યા હતા. જાન્યુઆરીમાં કેન્દ્રિય બજેટના પખવાડિયા પહેલા બહાર પાડવામાં આવેલા રિપોર્ટની જેમ જ અતિ મહત્વની એવી કર્ણાટક વિધાનસભાની નિર્ણાયક ચૂંટણી પહેલાના પખવાડિયામાં આ ડેટા જાહેર કરવામાં આવ્યા હતા. આ અભ્યાસમાં ઇપીએફઓ, ઇએસઆઇસી અને નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ)ના વહીવટી રેકોર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન અને નાણામંત્રીએ આ અંદાજોનો 2017-18માં અર્થતંત્રમાં સાત લાખ નવી રોજગારીના સર્જનના દાવાને પુષ્ટિ માટે અને અર્થતંત્રના ખૂબ ઊંચા આર્થિક વિકાસ છતાં પણ રોજગારીના સર્જનમાં નિષ્ફળતા મળી રહી હોવાની હકીકત તરફ ધ્યાન હટાવી લેવા માટે ઉપયોગ કર્યો હતો.

જાન્યુઆરીના પ્રકાશન પછી શેના પર ભાર મુકાયો તે ફરી યાદ કરીએ તોઃ અંદાજ માત્ર કામદારો કેટલી સામાજિક સુરક્ષા જોગવાઈઓ મેળવી રહ્યાં છે તે માપે છે. ઇએસઆઇસી (ESI) જેવા તેમાંના કેટલાક સ્વૈચ્છિક છે અને ઇપીએફઓ (EPFO) જેવા કેટલાક ફરજિયાત છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એનપીએસ ફરજિયાત છે પરંતુ કેટલીક રાજ્ય સરકાર અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે તે સ્વૈચ્છિક છે. ઇપીએફઓની નોંધણી માત્ર ચોક્કસ માપદંડઓનું પાલન કરતા હોય તેવા એન્ટરપ્રાઈઝ માટે જ ફરજિયાત છે. સપ્ટેમ્બર 2017 અને ફેબ્રુઆરી 2018 વચ્ચેના નવા એકાઉન્ટ્સની સંખ્યા ઇપીએફઓ માટે 32.7 લાખ અને એનપીએસ માટે 4.2 લાખ હતી. આમાંથી ઇપીએફઓ હેઠળ 25 વર્ષથી ઓછી ઉંમરના નવા એકાઉન્ટ્સની સંખ્યા 20.5 લાખ અને એનપીએસ હેઠળ સરકારી કર્મચારીઓ માટેની સંખ્યા 84,659 હતી. ઇએસઆઇસી ડેટા દર્શાવે છે કે સપ્ટેમ્બર 2017માં 2.90 કરોડથી ઇએસઆઇસી એકાઉન્ટની કુલ સંખ્યા ઘટીને ફેબ્રુઆરી 2018માં 2.7 કરોડ થઈ ગઈ હતી. ઇએસઆઇસીના ડેટાનું અર્થઘટન કરવું મુશ્કેલ છે કારણ કે તે સ્વૈચ્છિક છે અને મહિનાઓમાં અનિયમિત પેટર્ન પણ બતાવે છે. જોકે ઇપીએફઓ માટે પણ એન્ટરપ્રાઇઝની પ્રકૃતિમાં ફેરફારને કારણે ઔપચારિકમાંથી શ્રમ બજારમાં જોડાયેલા નવા એકાઉન્ટ્સને અલગ પાડવાનું મુશ્કેલ છે. જો કોઈ ઇપીએફઓ અને એનપીએસના નવા એકાઉન્ટ્સને ઔપચારિક ક્ષેત્રે નવી નોકરીઓ તરીકે સ્વીકારી લે તો પણ તેનો આંકડો છ મહિનામાં 21 લાખ નવી રોજગારી અથવા એક વર્ષમાં 42 લાખ નોકરીઓ જેટલો જ છે. અને તે 70 લાખ નવી નોકરીના દાવા કરતા ઘણો ઓછો છે.

વધુમાં, ફોર્મલ સેક્ટરના શ્રમિકો અર્થતંત્રમાં કુલ શ્રમિકોના દશમા ભાગથી પણ ઓછા છે. અર્થતંત્રમાં કુલ રોજગારીની તકો ઊભી કરવા માટે આ અંદાજોને વિસ્તૃત કરવા માટે એમ માનવું પડશે કે બાકીના 90 ટકા શ્રમિકોમાં રોજગાર સ્થિર રહે છે અથવા તો તેમાં વધારો થયો છે. બહાર પડેલા ડેટા પ્રમાણે આ ધારણાઓમાંની એકપણ સાચી નથી. 2004-05 અને 2011-12 વચ્ચે રોજગાર-બેરોજગારીના આધારે નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (એનએસએસઓ) દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ પ્રમાણે એકલા કૃષિ રોજગારમાં જ પ્રતિ વર્ષે પાંચ લાખ કર્મચારીઓનો ઘટાડો થયો છે, જે પગારપત્રકના ડેટા પર આધારિત કુલ રોજગારીના સર્જન કરતાં વધુ છે. રોજગાર પરના લેબર બ્યુરોના વાર્ષિક સર્વેક્ષણોના તાજેતરના અંદાજ પ્રમાણે, કૃષિમાં કામદારોના ઘટાડાના વલણની ગતિ એકસરખી રહી છે અથવા તો નરેન્દ્ર મોદી સરકારમાં સ્થિતિ વધુ વણસી છે. નોટબંધી અને ઉતાવળે જીએસટી લાગુ પાડવાના કારણે ઇન્ફોર્મલ ક્ષેત્રની રોજગારી પર વિપરિત અસર થઈ છે.

ચર્ચા કરવા યોગ્ય વાસ્તવિક મુદ્દો નિયમિત વાર્ષિક પારિવારિક સર્વેક્ષણોની જરૂરિયાતનો છે, જેની ઘણી વખત પુનરુક્તિ કરવામાં આવી છે. વર્ષ 2004 - 11 દરમિયાન એનએસએસઓ પાસે રોજગારી અને બેરોજગારીના છ જેટલા વાર્ષિક સર્વેક્ષણ હતા. જેમાંથી, ચાર મોટા સેમ્પલ સર્વે રાઉન્ડ હતા અને 60મો રાઉન્ડ અર્ધવાર્ષિક સર્વે હતો. જેમાં રોજગારનો લગભગ વાર્ષિક અંદાજ પૂરો પાડ્યો હતો. કમનસીબે ત્યારબાદ 2011-12 પછી સર્વે બંધ કરવામાં આવ્યા હતા. લેબર બ્યુરોનો વાર્ષિક રોજગારીનો સર્વે પારિવારિક સર્વેની બીજી શ્રેણી હતી. જેમાં છેલ્લો સર્વે 2015-16માં થયો હતો. માર્ચ 2014 થી જુલાઇ 2015 સુધીમાં 1.6 કરોડ કામદારોનો ઘટાડો દર્શાવ્યા પછી પણ તેને પણ બંધ કરવામાં આવ્યા છે. આ સંજોગોમાં, લેબર બ્યૂરોના ત્રિમાસિક મજૂર સર્વે અને સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન જેવા કેટલાક અન્ય ડેટા સ્ત્રોતો પણ માને છે કે અગાઉની સરકારોની સરખામણીએ અર્થતંત્રમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઘણી ઓછી રોજગારીઓનું સર્જન થયું છે. NSSOએ શહેરી વિસ્તારો માટેની ત્રિમાસિક શ્રેણી અને ગ્રામીણ વિસ્તારો માટેની વાર્ષિક શ્રેણીમાં ભારે વિલંબ બાદ આખરે શરૂ કરી છે પરંતુ તેના પરિણામો 2019 ની નિર્ણાયક સામાન્ય ચૂંટણીઓ પહેલા ઉપલબ્ધ થાય તેવી શક્યતાઓ નહિવત્ત છે.

પેરોલ ડેટા પરની ચર્ચાને ભારતીય અર્થતંત્રના મોટા સંદર્ભમાં જોઈએ તો છેલ્લા દોઢ દાયકાથી 7% થી વધુનો વિકાસ થયો હોવા છતા પૂરતી રોજગારીનું સર્જન થયું નથી. તેનાથી પરિસ્થિતિ એવી સર્જાઈ છે જ્યાં મોટાભાગના ગ્રામીણ અને શહેરી યુવાનો રોજગારીની માંગણી સાથેના બેનરો સાથે શેરીઓમાં ઉતર્યા છે. જાટ, મરાઠા અને પટેલ જેવા કૃષિ સમુદાયો તેના ઉદાહરણ છે. મોટાભાગના આ યુવાનો માટે વાસ્તવિકતા પેરોલ ડેટા પર આધારિત સરકાર દ્વારા રોજગાર સર્જનના દાવાઓથી અલગ જ છે. આંકડાશાસ્ત્રીય જાદુગરી અને તેમાં તોડમરોડ ટૂંકા ગાળાનો ચૂંટણીલક્ષી માહૌલ બનાવી જાણે છે, પરંતુ તે રોજગાર નિર્માણ માટે સારી નીતિઓ ઘડવા માટે કંઇ યોગદાન નહી આપે.

Back to Top