ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

કેજરીવાલ : એક કોયડો

દિલ્હીના મુખ્યમંત્રીની માફી કેટલાક અંશે કાફી છે     

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

આમ આદમી પાર્ટી અનોખી છે. આંતરિક સંઘર્ષોને પણ જાહેરમાં આણવામાં તેનો જોટો જડે તેમ નથી.  ભ્રષ્ટાચાર વિરોધી ચળવળથી શરુઆત થઈ, જેમાં દેશમાંથી લાખો સ્વંયસેવકો જોડાયા. લોકોને તેમાં ભાજપ અને કોંગ્રેસનો વિકલ્પ દેખાયો. આપે દિલ્હીમાં સરકાર પણ રચી, છતાં તેનામાં રહેલું ચળવળનું તત્વનો પીછો તેનાથી ના છૂટ્યો. ધીરે-ધીરે તેમાં તકવાદીઓ પણ જોડાયા. આ બધું બનવા છતાં તેણે વૈકલ્પિક રાજકારણ માટેનો ઉત્સાહ ટકાવી રાખ્યો છે.

 હમણાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભૂતકાળમાં જેમની સામે આરોપ લગાવેલા તે રાજકીય વિરોધીઓની માફી માંગી, જેથી આપમાં થોડી અસ્થિરતા આવી. કેજરીવાલે શિરોમણી અકાલી દળના નેતા વિક્રમસિંહ મજીઠિયા પર ડ્રગ્સના વેપારમાં લિપ્ત હોવાનો આરોપ મૂકેલો, તેમની માફી માગી. તે જ રીતે  કપિલ સિબ્બલ અને તેમના પુત્ર અમિત પર  ટેલિકોમ કેસમાં હિત-સંઘર્ષ ( કોન્ફ્લીક્ટ ઓફ ઈન્ટરેસ્ટ)નો આરોપ મૂક્યો હતો અને નીતિન ગડકરીને ભ્રષ્ટ ગણાવ્યા હતા. હવે, કેજરીવાલે પાછી પાની કરી તમામની માફી માગી લીધી.

આ માફીથી આપના સમર્થકો નારાજ છે. ખાસ કરીને પક્ષનું પંજાબ યુનિટ. કારણ - આપે  2017ની ચૂંટણીમાં પંજાબમાં પ્રચારમાં ડ્રગને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. દેશમાં આપ પ્રત્યે કૂણી લાગણી ધરાવતાને આ વલણ ગમ્યું નથી. આપના પૂર્વ નેતા અંજલિ દમણીયાએ દુખ વ્યક્ત કરતાં કહ્યું કે, તે આ પગલાંથી છેતરાયાની લાગણી અનુભવે છે. વિવેચકોના મતે કેજરીવાલે સ્થાપિત હિતોની શરણાગતિ સ્વીકારી લીધી છે, તેથી ભાવિ ચૂંટણીમાં આ પગલાંની અસર વર્તાશે.

જોકે, કેજરીવાલના સમર્થકોનો પોતાનો બચાવ છે. તે કહે છે કે બદનક્ષી કેસમાં કોર્ટના ચક્કર કાપવાને બદલે  કેજરીવાલ દિલ્હીમાં સુશાસન પર ધ્યાન કેન્દ્રીત કરવા માગે છે. તે માને છે કે વિરોધીઓ  બદનક્ષીના હથિયારથી કેજરીવાલને પરેશાન કરી રહ્યા છે.  જો કેજરીવાલ આવા કેસમાં દોષિત ઠરે તો કેટલોક સમય જેલમાં રહેવું પડે, જે કેજરીવાલ-કેન્દ્રીત પક્ષને પોસાય તેવું નથી. હાલ તેમને વીરતા કરતાં વિવેકબુદ્ધિ પર વધુ ભરોસો હોય તેમ લાગે છે.

પક્ષની આ દલીલો સાવ ખોટી પણ નથી. આપ દિલ્હીમાં અસાધારણ દબાણ વચ્ચે કામ કરી રહી છે. લેફ્ટનન્ટ ગવર્નરે કેજરીવાલના નિર્ણયોથી ઉપરવટ જઈને કામ કરી રહ્યા છે. બીજું એ પણ છે કે દિલ્હી સરકારમાં કામ કરતાં અધિકારીઓને ખ્યાલ છે કે તેમની કારકિર્દીનો આધાર કેન્દ્ર સરકાર પર છે, દિલ્હી સરકાર પર નહીં. એ પણ હકીકત છે કે બીજા કોઈ પણ પક્ષ કરતાં આપને વધુ વાર અમલદારશાહી ચકાસણી(બ્યૂરોક્રેટિક સ્ક્રૂટિનિ)માંથી પસાર થવું પડ્યું છે.

પક્ષે પણ દેખીતી દિલ્હી પૂરતાં તેના હિતોનું રક્ષણ કરવાનું નક્કી કરી લીધું લાગે છે. બેશક, દિલ્હીમાં ગરીબો માટે વીજદરમાં ઘટાડો, સરકારી શાળાઓની સ્થિતિ-સુધારણા અને મહોલ્લા ક્લિનિક જેવા પગલાંઓ કાબિલેદાદ છે.  એટલું ખરું કે, આપને 2014ની ચૂંટણીમાં જે આશા-અપેક્ષા હતી, તેની સરખામણીમાં આ કાર્યક્ષેત્ર ઘણું નાનું લાગે, પણ મળેલી તક પણ ગુમાવવી પોસાય તેમ નથી. કેજરીવાલને બીજા દ્રષ્ટિકોણથી પણ વિચારવું રહ્યું. જો તે વિરોધીઓ સામે ઘર્ષણમાં ઉતરે તો જેલમાં પણ જવુ પડે, સત્તા ગુમાવવી પડે.આ થાય એટલે તરત જ તેમના પર આરોપો મૂકાય કે તે શાસકને લાયક નથી. દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પહેલીવાર ચૂંટાયા પછી તેમને રાજીનામું આપ્યું ત્યારે તેમના પર આવા આક્ષેપોની ઝડી વરસી હતી.

હાલ પક્ષની સ્થિતિ જોતાં તેની રાષ્ટ્રીય અસરને પણ ધ્યાનમાં લેવી ઘટે. આવી કટોકટીભરી સ્થિતિની સીધી અસર પંજાબ,મહારાષ્ટ્રમાં વર્તાય, જ્યાં પક્ષની સ્થિતિ પ્રમાણમાં ઠીક છે.  આગામી લોકસભા ચૂંટણી પહેલા આપ નબળી બને તો વિપક્ષની તાકાત ઘટે એમ છે. કેજરીવાલ અને સાથીદારો રાજધાની દિલ્હી પરનો કબ્જો જાળવી રાખે તો ભવિષ્યમાં પક્ષનું વિસ્તરણ અને સુદ્રઢીકરણ શક્ય બને. આપને ગરીબોનો સાથ મળ્યો છે એટલા માત્રથી કોઈ નિશ્ચિત પરિણામની આશા રાખવી વધુ પડતી છે.

આ કટોકટીથી એ સવાલ ઉદભવ્યો કે ભવિષ્યના કેજરીવાલ કેવા હશે ?  શું તે રાજકીય યુદ્ધમાં પહેલાં જેવાં જ અડગ રહેશે ? તેમની વાક-ચતુરાઈ પર નિર્ભર પક્ષ કેટલું લાંબુ ખેંચે ? એ નક્કી કે 2019ની ચૂંટણી જીતવા માટે કેજરીવાલે યોદ્ધાની જેમ ઝઝુમવું જ પડશે. આ કટોકટીએ કેજરીવાલ-કેન્દ્રીત પક્ષની નબળાઈઓ છતી કરી દીધી છે. જ્યારે મુખ્ય નેતા ઘેરાઈ જાય છે ત્યારે સમગ્ર પક્ષની અસરકારતા જોખમાય છે. સવાલ એ ઉભો થાય છે કે યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણ કેજરીવાલની સાથે હોત તો સ્થિતિ કંઈક અલગ હોત ? એવું કહી શકાય કે પક્ષ માથે આટલું જોખમ ન હોત-  પક્ષમાં વૈવિધ્ય હોત અને ચોક્કસ રેન્ક આધારીત માળખું હોત. એ પણ ન ભૂલવું જોઈએ કે ભારતની લઘુ આવૃત્તિ જેવા દિલ્હીમાં આપનું પ્રદર્શન સારું રહ્યું છે. તેની કામગીરીમાં પારદર્શકતા અને ગરીબો પ્રત્યેની સંવેદનશીલતા ઝીલાય છે. કેજરીવાલે જવાબદારી વહન કરવામાં બુદ્ધિશક્તિનો સહારો લઈ વ્યવહારુ અભિગમ અપનાવ્યો છે, પણ તે ચૂકી ક્ષણને તો પાછી ક્યાંથી લાવશે ?  

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top