ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

આજીવિકા માટે અભૂતપૂર્વ કૂચ

ગામડાના અજંપાને ખાળવા એકલો લોન-માફીનો આશરો ન ચાલે  

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

11 માર્ચ, 2018એ ગામડા અને શહેરના ભેદની ભીંતો ધરાશાયી થઈ. 40 હજારથી વધુ ખેડૂતોએ મુંબઈ તરફ કૂચ કરી. અબાલવૃદ્ધ સૌ સામેલ થયા. લાલ ટોપીઓ અને લાલ ઝંડા સાથેની આ કૂચે મહારાષ્ટ્ર સરકારને તેના વણપાળ્યા વચનોની યાદ અપાવી. નાસિકથી મુંબઈની 180 કિલોમીટર કૂચ યોજાઈ. આવી કૂચ અગાઉ પણ થઈ હતી, પણ આ કૂચ કંઈક નોખી હતી. એક તો આ કૂચમાં સૌથી પછાત આદિવાસી ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. બીજી મહત્વની વાત એ હતી કે કૂચ કરનારાએ ભારતની આર્થિક રાજધાની મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્ત ન થાય તેનો ખ્યાલ રાખ્યો. મુંબઈવાસીઓ પણ તેની નોંધ લીધી અને બધા મતભેદ ભૂલી કૂચ કરનારા માટે અન્ન-જળ અને આરોગ્ય વ્યવસ્થા ગોઠવી. મેઈન સ્ટ્રીમ મીડિયાએ પણ રાજકીય આંતરો રાખ્યા વિના રાખી કચકચાવીને કવરેજ કર્યું અને રાજ્ય સરકારને વ્યૂહરચના ઘડવાનો વખત પણ ન રહ્યો.    

દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટી (ભાજપ) - શિવસેના સરકારને  પુરોગામી કોંગ્રેસ સરકાર તરફથી કૃષિ કટોકટી વારસામાં મળી હતી. ભાજપના વડપણવાળી  કેન્દ્ર સરકારે નોટબંધી અને જીએસટી નામના નીતિ-સુધારાના મોટાં પગલા ભર્યા એની કૃષિ ક્ષેત્રમાં વિપરિત અસર પડી, પરિણામે 2016-17માં કટોકટી ભારે ઘેરી બની. 2017ના આરંભે જ્યારે પાકના ભાવ તુટીને ભારે નીચા ગયા ત્યારે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી(માર્ક્સવાદી)ની અખિલ ભારતીય કિસાન સભાએ મહારાષ્ટ્રમાં ખેડૂતોના વિરોધને વાચા આપી. તેમણે બોલીને ફરી ગયેલી રાજ્ય સરકાર પાસેથી 30,000 કરોડ રૂપિયાની આંશિક લોન માફી અને કૃષિ પેદાશો માટે લઘુતમ ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)ની સમીક્ષાની ફરજ પાડવામાં સફળતા મેળવી. જોકે, એક વર્ષ બાદ, મોટાભાગના પાકના ભાવ સતત ગબડી રહ્યાં હોઈ નારાજ ખેડૂતોએ બિનશરતી લોન માફી, સિંચાઈ સુવિધા અને જમીનના અધિકારો માટે લાંબી કૂચ કાઢી. ફડણવીસે ખેડૂતોની તમામ માગણીઓ સ્વીકારી, જેની રાજ્યના ખજાના પર અંદાજે રૂ.10,000 કરોડનું વધારાનું ભારણ પડ્યું

લોન માફી એ તો થૂંકનો સાંધો છે. તેનાથી એવું થશે કે દેવાદાર ખેડૂતોના દેવા માફ થશે અને આગામી સિઝનમાં પાક લેવા તે નવું દેવું કરશે. જે રાજ્યમાં સૌથી વધુ ખેડૂત આત્મહત્યા થઈ હોય તેણે આટલાથી સંતોષ ન માનવો જોઈએ. હાલ કટોકટીની સ્થિતિ છે, કૃષિ-પેદાશોના ભાવ નીચે જઈ રહ્યા છે. કડવું-સત્ય એ છે કે કૃષિ આવક અપૂરતી છે, પડતર કિંમત વધી રહી છે, સામે ખેત-પેદાશના ભાવ નીચા રહે છે. જળસંસાધન અને ટેકનિકલ ઈનપુટના વપરાશમાં ભારે અસમાનતા પ્રવર્તી રહી છે, રોકડિયા પાક વધી રહ્યા છે. સઘન ખેતી અને ઉત્પાદકતામાં ઘટાડાને લઈને કંઈક કરવું રહ્યું. ચોમાસું અને આંતરરાષ્ટ્રીય બજાર બંનેનો ભરોસો ન હોય એટલે આ પરિબળો વધુ વકર્યા છે. સામે છેડે ખેડૂતને કોઈ રક્ષણ નથી.

કૃષિ સુધારાના એજન્ડામાં માત્ર "ભાવ" પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું એટલે 1970ના દાયકામાં શરૂ થયેલી "નવી ખેડૂતોની ચળવળ"ની પીછેહટ થઈ. આનાથી પગલે નાના અને મોટા જમીનધારક ખેડૂતોમાં એકતા આવી ગઈ છે ત્યારે જમીનદારી, સિંચાઈ, ક્રેડિટ, જમીનનો ઉપયોગ અને પાકની પેટર્નને લગતા મૂળભૂત માળખાકીય સુધારા ખોરંભે પડ્યા. એમ.એસ. સ્વામીનાથન  કમિટિની (નેશનલ કમિશન ઓન ઓન ફાર્મર્સ -2004-06) ભલામણોનો આધાર આ જ રહ્યો છે.  તેમણે એ સ્પષ્ટ કર્યુ છે કે લોન-માફી ‘’અસરકારક’’ નહી રહે. લાંબા ગાળાના ઉકેલ સૂચવતા કહ્યું કે આર્થિક અને પર્યાવરણીયની દ્રષ્ટીએ ટકે તેવી ખેતી જરુરી છે. જેના માટે રાજ્ય સરકારે ખેતીમાં ટેકનોલોજી, વેપાર અને ખેડૂતોની તાલીમ પર ભાર મૂકવો જોઈએ. આ સુધારાઓ અમલી ન બનતા ભારત જુદા-જુદા સ્વરુપની કૃષિ કટોકટીનું સાક્ષી બની રહ્યું છે. પરિણામે નાના અને સીમાંત ખેડૂતો વધ્યા છે, તેમનું સ્થળાંતર પણ વધ્યું છે.

આનાથી છેલ્લા વર્ષથી એક દેખીતું પરિવર્તન એ આવ્યું કે - આદિવાસી ખેડૂતો એ  શેડ્યૂઅલ ટ્રાઇબ્સ એન્ડ અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર્સ (રિકગ્નિશન ઓફ ફોરેસ્ટ રાઇટ) અધિનિયમ, 2006ના અમલીકરણની માંગણી બળવત્તર બનાવી છે. આ સંજોગામાં જંગલ જમીન ખેડવાના અધિકાર અને તેના સંસાધનો વાપરવા માટે વ્યક્તિગત અને સમુદાયની પેન્ડિંગ અરજીઓની ઝડપી મંજૂરી આપવી રહી. ફોરેસ્ટ એક્ટના અમલમાં મહારાષ્ટ્ર મોખરે છે, છતાં આ પરિસ્થિતિ છે. આદિવાસી ખેડૂતોની દુર્દશા કૃષિ અર્થતંત્રમાં ભૂમિહીનોની વૃદ્ધિ દર્શાવે છે. બીજી તરફ કોર્પોરેટ દ્વારા જમીન હડપ કરવાનું પણ મોટું જોખમ પણ ઝળુંબી રહ્યું છે. સંસાધનોથી સમૃદ્ધ જંગલો ઉપર આદિકાળથી તેમનો ભોગવટો છે, રાજ્યો તેમને ખદેડવા મથે છે. જે સ્પષ્ટ કરે છે કે "જમીન" એ રાજકીય એજન્ડા તરીકે હજુ પણ મોબીલાઇઝેશન માટેનું એક શક્તિશાળી માધ્યમ છે.

અત્યાર સુધી મહારાષ્ટ્રની મરાઠા-પ્રભુત્વની રાજનીતિએ કૃષિની પ્રાદેશિક રાજકીય અર્થવ્યવસ્થાને અસમતોલ બનાવી છે. શેરડીનો પાક માત્ર 4% જમીન પર થાય છે, છતા તે  રાજ્યની સિંચાઈ ક્ષમતાના 65%નો ઉપયોગ કરે છે. આ રાજ્યાશ્રય છતાં મહારાષ્ટ્રમાં ખાંડ સહકારી મંડળીઓની સ્થિતિ સંતોષકારક તો નથી જ. ગામડોમાં અજંપો વધી રહ્યો છે, ત્યારે  ભાજપ પાસે કૃષિ સુધારણાઓનો એજન્ડા આગળ ધપાવવાની તક છે. એટલું ખરું કે શહેરી મધ્યમ વર્ગના મૂડીવાદી સમર્થકો અને ઉદ્યોગો આ એજન્ડાનો વિરોધ કરશે. જો કે, ચૂંટણીના વર્ષમાં અન્ય રાજ્યો મહારાષ્ટ્રનું અનુકરણ (કૃષિકારોની કૂચ) કરવાનું નક્કી કરે તો ભાજપને ભોં ભારે થઈ પડે તેમ છે. આમાં અશ્વમેઘ સરીખો ભાજપનો વિજય રથ અટકી જાય એવું ય બને.  

Back to Top