જ્યારે સત્તાનો સ્વાદ જ એકમાત્ર સચ્ચાઈ બને
પૂર્વોત્તર ભારતની વિધાનસભાની ચૂંટણીનું ત્રિ-પરિમાણીય દર્શન
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
તાજેતરમાં પૂર્વોત્તર ભારતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાંથી એક વસ્તુ શીખવા જેવી છે. તે છે – અતિ સરળીકરણ ન કરવું. ત્રિપુરામાં ભાજપે 25 વર્ષથી સત્તાધારી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના સૂપડાં સાફ કરી નાંખ્યા. ભારતનું મેઈન સ્ટ્રીમ મીડિયા લખે છે કે પૂર્વોત્તરમાં ભગવો લહેરાયો. આ લખવામાં મીડિયા એ ભૂલી જાય છે કે પૂર્વોત્તરમાં સાત પ્રદેશ( હવે આઠ – સિક્કીમ)નો અલગ-અલગ રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ધરાવે છે. સૌને એક સરખા ગણવા એ તેમની સ્વતંત્ર ઓળખને નકારી કાઢવા બરોબર છે. ખરેખર તો દેશના ‘’કેન્દ્રીકૃત’’ વલણના કારણે જ આ રાજ્યોમાં રોષ છે. આ રાજ્યોને લાગે છે કે તેમને એક ચોક્કસ મર્યાદામાં બાંધવામાં આવ્યા છે.
ત્રિપુરામાં સત્તાવિરોધી મત ઉપરાંત હિંદુઓની મોટી સંખ્યાએ ભાજપને બહુમતી અપાવી. હિંદુ મતદાતાઓએ ભાજપના એજન્ડાને સમર્થન આપ્યું છે. જોકે, પહાડી પ્રદેશોમાં ખ્રિસ્તીઓની બહુમતીવાળા વિસ્તારોમાં એવું ન બન્યું. ભાજપે ત્રિપુરામાં બહુમતી છતાં અલગ આદિવાસી રાજ્યની માગ કરતાં ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રંટ ઓફ ત્રિપુરા( IPFT) સાથે ગઠબંધન કર્યું છે. IPFT ભાજપનો સાથી પક્ષ છે. જો આ પક્ષની અલગ રાજ્યની માગણી નહીં સંતોષાય તો આગળ જતાં ભાજપ માટે તે મુશ્કેલી સર્જાઈ શકે.
મેઘાલય અને નાગાલેન્ડમાં સ્થાનિક રાજકારણ વધુ પ્રભાવી છે. એ જાણીતી વાત છે કે મેઘાલય એ ઓલ પાર્ટી હિલ લીડર્સ કોન્ફરન્સ(APHLC)ના સંઘર્ષના કારણે રચાયું હતું. તે જ રીતે 1972માં ખાસી, જેન્તિઆ અને ગારો જાતિને લઈને અલગ આસામ અસ્તિત્વમાં આવ્યું. 1976માં APHLC તૂટ્યું. કોંગ્રેસને જડ વલણ ભારે પડ્યું. બાદમાં APHLCના સભ્યોમાંથી કેટલાક કોગ્રેસમાં જોડાયા, કેટલાકે પ્રાદેશિક પક્ષ રચ્યા. 2008માં બિનકોંગ્રેસી સરકાર રચવા તે એક થયા, પણ તે બહુ લાંબુ ટક્યું નહીં. અંતે, રાષ્ટ્રપતિ શાસન લદાયુ અને અંતે કોંગ્રેસે સરકાર રચી. આ વખતે કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે,પણ કોંગ્રેસ કુશાસનના ટ્રેકરેકર્ડ તેને નડ્યો. ભાજપે ગઠબંધન કરીસરકાર રચી. આ સરકાર પાતળી બહુમતી ધરાવે છે પણ હાલના સંજોગોમાં તેને વાંધો આવે તેમ નથી.
ભાજપે કેન્દ્રમાં સત્તા સંભાળી પછી પ્રદેશના બે મુખ્ય પ્રાદેશિક પક્ષોને સામ-સામે રાખવામાં સફળ રહ્યો છે. ભાજપે નાગાલેન્ડમાં નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી( NDPP)ના નેફીયુ રીઓની મદદથી ગઠબંધન કર્યું. રીઓ મૂળે નાગા પીપલ્સ ફ્રંટ( NPF) સાથે હતા, પણ બાદમાં તેમણે છેડો ફાડી નવો પક્ષ રચ્યો. ભાજપે નાગા પીપલ્સ ફ્રંટના બે નેતાઓ રીઓ અને ઝેલીઆંગ વચ્ચેના મતભેદોને લાભ લઈ રાજકીય ફાયદો મેળવ્યો
અંતે, ભાજપે NDPPનો સાથ લઈ સંખ્યાબંધ નાના પક્ષોની મદદથી સરકાર રચી. નાગાલેન્ડમાં વિધાનસભામાં કોઈ વિપક્ષ જ ન બચે તેવી સ્થિતિ સર્જાય તેમ છે. NDFના કેટલાક સભ્યો શાસક ગઠબંધનમાં જાય તો વિપક્ષ નામ માત્રનો જ રહે તેમ છે. નાગાલેન્ડમાં સત્તાની લાલચે બધાને એક કર્યા છે..
પૂર્વોત્તરની ચૂંટણીનું તારણ શું ? પહેલું - ત્રિપુરાનું પરિણામ બીજા બે રાજ્યોની રાજકીય વાસ્તવિકતાને રજૂ કરતું નથી. ભાજપ ત્રિપુરામાં જીત્યો, પણ બે પહાડી રાજ્યોમાં સ્વતંત્ર રીતે સરકાર રચવા સક્ષમ નથી. નજીકના ભવિષ્યમાં પણ તે એકલાહાથે સરકાર રચી શકે તેમ નથી. બીજું, આ ચૂંટણી દર્શાવે છે કે ‘’પાર્ટી વિથ ડિફરન્સ’’ ગણાતા ભાજપ અને બીજા પક્ષોમાં કોઈ ભેદ નથી. મૂળભૂત રીતે ભાજપ પણ બીજાની જેમ જ ગમે તે ભોગે સત્તા મેળવવા મથે છે. સાથોસાથ કોંગ્રેસની ઝાટકણી પણ કાઢે છે. ત્રીજું - ભાજપ આ રાજ્યોમાં "વિકાસ" મંત્રને વેચી શક્યો , કારણ કે કોંગ્રેસની જેમ તેના પર ભૂતકાળનો ભાર ન હતો. લોકસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે હવે ખબર પડશે ભાજપે આપેલા વાયદામાંથી તે કેટલા પાળી બતાવે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી કે ભાજપને સીધો હરાવવો મુશ્કેલ છે. ત્રિપુરાની ચૂંટણી કે 2016ની આસામની ચૂંટણીઓમાં તે પુરવાર થયું. પૂર્વોત્તરના બાકીના રાજ્યોમાં ભાજપે ગઠબંધન સરકાર રચી, તેમાં ક્યાંક નાયકની ભૂમિકા ભજવી, તો ક્યાંક સહાયકની.