સામ્રાજ્યવાદી અહંકાર
ભારતમાં ધાર્મિક અસહિષ્ણુતા અંગેની બ્રિટનમાં ચાલતી ચર્ચા દંભથી છલકાય છે
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
પહેલી માર્ચ, 2018. બ્રિટિશની પાર્લામેન્ટમાં ચર્ચા. વિષય હતો - નરેન્દ્ર મોદીના શાસનમાં ભારતમાં ધાર્મિક સ્વાતંત્ર્ય ખતરામાં. સ્કોટિશ નેશનલ પાર્ટીના નેતા અને સાસંદ માર્ટિન ડોચેટ્રી-હ્યુજીસે બ્રિટિશ સરકારને વિનંતી કરી કરી કે મોદી એપ્રિલ, 2018માં જ્યારે યુનાઈટેડ કિંગ્ડમની મુલાકાત લે ત્યારે આ મુદ્દો ઉઠાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે મોદી કોમનવેલ્થ દેશોના વડાઓની મિટિંગમાં ભાગ લેવા એપ્રિલમાં બ્રિટન જવાના છે.
દેખીતી રીતે સમાચાર સારા લાગે કે ભારતમાં ધાર્મિક લઘુમતીની સતામણીના મુદ્દે બ્રિટન જાગ્યું. હિંદુ-બહુમતવાદનો એજન્ડા ધરાવતી સરકાર પર રાજદ્વારીક દબાણ ઉભું કરવાનું વલણ આવકાર્ય છે, પણ હાઉસ ઓફ કોમન્સમાં અપાયેલા આ ભાષણને વધુ બારીકાઈથી જોવાની જરુર છે. તે વિશ્વમાં (પશ્ચિમ સિવાયના) ધાર્મિક સ્વાતંત્ર્યમાં થઈ રહેલા ઘટાડા અંગે બ્રિટનના ભયને વધુ સ્પષ્ટ કરે છે.
આધુનિક યુરોપ શૈલીના સામ્રાજ્યવાદી અપપચ્રારે સામ્રાજ્યવાદને વાજબી ઠેરવવામાં સફળતા મેળવી છે. તેણે જાહેર વિમર્શમાં સ્થાન મેળવ્યું છે. પણ એટલા માત્રથી તેને અધિકૃત કે વાજબી ઠેરવી ન શકાય. સામ્રાજ્યવાદી વિચારધારાનું મૂળભૂત સ્વરુપ સ્વભાવિક રીતે છતું પણ થાય છે. યુરોપે નિર્ધારીત કરેલા માપદંડોથી જ દરેક સમાજની સફળતા, નિષ્ફળતા મપાય છે. અને આ માપદંડો જાણે સવાલથી પર છે ! જ્યાં ધાર્મિક સ્વાતંત્ર્ય મુદ્દે ચિંતા વ્યક્ત કરવામા આવી એવા વેસ્ટમિનિસ્ટર હોલમાં ડિબેટ હંમેશા ‘’યુરો-કેન્દ્રીત’’ જ રહી છે. લેબર પાર્ટીના સાસંદ ફેબિયન હેમિલ્ટને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે , ‘’ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, છતાં તેમાં ધાર્મિકતાના આધાર પર સતામણી થાય છે. આની યુરોપમાં કલ્પના પણ ન થઈ શકે.’’ ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે ભારતનો રેકોર્ડ નબળો લાગવાનું કારણ એ પણ છે કે તેની તુલના યુરોપ(પશ્ચિમ) સાથે કરવામાં આવે છે.
ધાર્મિક સ્વાતંત્ર્યના મુદ્દે થયેલા આ સામ્રાજ્યવાદી વિમર્શનું પરિણામ બહુ સ્પષ્ટ હતું. હાઉસ ઓફ કોમન્સની ચર્ચાં પરથી એવું ચિત્ર ઉપસતું હતું કે ભારતમાં માત્ર ખ્રિસ્તી અને શીખ પર જ દમન ગુજારવામાં આવે છે. મુસ્લિમો અંગે એક પણ શબ્દ ઉચ્ચારવામાં ન આવ્યો. ખરેખર તો ભારતમાં મુસ્લિમો હિંદુત્વવાદી હિંસાનો શિકાર બનતા રહ્યા છે. આવી ગફલતનું કારણ શું ? દેખીતું કારણ એટલું જે છે કે બ્રિટન ( ખરેખર તો બાકીનું ‘’પશ્ચિમ’’ જગત પણ) પણ મુસ્લિમોના હક્ક અને સ્વતંત્રતા જાળવવામાં ઉણું ઉતર્યું છે. એ વાતનો પુરાવો ત્યારે મળ્યો જ્યારે સાંસદ હેમિલ્ટને કબૂલ્યું કે યુકેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મુસ્લિમો પરના હુમલામાં અસાધારણ વૃદ્ધિ થઈ રહી છે. જોકે, સ્વ-ટીકાના સૂર કન્ઝર્વેટિવ પાર્ટીના સાસંદ એડવર્ડ લેવીની ટિપ્પણીમાં સમાઈ ગયા. તેમણે કહ્યું કે વિશ્વમાં સૌથી વધુ દમન ખ્રિસ્તીઓ અને લઘુમતી મુસ્લિમો પર થાય છે. બહુમતી મુસ્લિમ ક્ષેત્રમાં લઘુમતી મુસ્લિમો( પાકિસ્તાનમાં અહેમદીની જેમ) પર અત્યાચાર થાય છે. તો શું તેનો મતલબ એવો થયો કે મુસ્લિમોની ઓછી વસ્તી ધરાવતા ભારત અને બ્રિટન જેવા દેશોમાં મુસ્લિમોની સતામણી થતી નથી ?
બ્રિટિશ સરકાર મોદીની મુલાકાત વખતે ધાર્મિક સતામણીનો મુદ્દો રજૂ કરે તો સારી વાત હશે. જોકે, તેની શક્યતાઓ જણાતી નથી. એશિયા પેસિફીકના મિનિસ્ટર માર્ક ફિલ્ડે કહ્યુ હતું કે તે મોદી સાથેની મુલાકાતમાં સંસદની લાગણીનો પડઘો પાડવાના શક્ય એટલા પ્રયાસો કરશે. જોકે, તેમણે તેમના સાથીઓને એ યાદ અપાવ્યું કે કૂટનીતિ બંધ બારણે થાય, તેનો જોરશોરથી પ્રચાર ન થાય. પણ 2015માં મોદીના કરાયેલા સ્વાગતને ધ્યાને લેતા મુદ્દો મૂકાય તેવી શક્યતાઓ નહીવત છે. બ્રેક્ઝિટ પછીનું બ્રિટન ભારત સાથે સંબંધો વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે. એવા અહેવાલો છે કે મોદી અને બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મે વચ્ચે દ્વિપક્ષીય મંત્રણાનું આયોજન કરાયું છે, જેમાં વેપાર-વાણિજ્ય અંગે વ્યાપક ચર્ચા થશે. એવી પણ વાત છે કે બ્રિટન ભારતમાં રિજનલ ટ્રેડ હબ (પ્રાદેશિક વેપારનું થાણુ) સ્થાપવા જઈ રહ્યું છે. આમ, બ્રિટન ધાર્મિક સતામણી જેવા મુદ્દો ઉઠાવી મોદીને નારાજ કરવા નહી માગે.
એ બાબતનો ઈન્કાર થઈ શકે તેમ નથી કે ભારતમાં ખ્રિસ્તી અને શીખ પર દમન ગુજારાય છે. 2008ના કંધમાળના તોફાનોના પીડિતો હજુ ન્યાયથી વંચિત છે. તે જ હાલત 1984ના શીખ-વિરોધી રમખાણોના પીડિતોની છે. જોકે, બ્રિટનની સંસદમાં સામ્રાજ્યવાદી ચોકઠામાં થતી આ ચર્ચાઓની પોતાની મર્યાદાઓ છે. હમણાના વર્ષોમાં ભારતમાં મુસ્લિમો હિંસાનો ભોગ બન્યા તે સમયે બ્રિટને મૌન પાળ્યું. ભારતમાં ખ્રિસ્તીઓ પરના દમનનું કારણ માત્ર બાઈબલ નથી, પરંતુ દલિત અને આદિવાસી હોવું એ પણ તેમના દમન પાછળનું એક કારણ છે. વિશ્વમાં જેમ લઘુમતીઓના સંસાધનો પર મૂડીવાદીઓનો ડોળો છે, તેવુ જ અહી છે. વૈશ્વિક સ્તરે નવ સામ્રાજ્યવાદી મહત્વકાંક્ષાનો ભોગ વંચિત વર્ગ જ બને છે. અને એટલે જ ધાર્મિક સતામણીના મુદ્દાને માત્ર સામ્રાજ્યવાદી અહંકારની સાથે સાંકળવો ગેરવાજબી છે..