ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ખુલ્લેઆમ લૂંટતા ખાનગી સેવા-દાતારો

આરોગ્યની સંભાળ લેવામાં થનાર ખર્ચો ગરીબોને વધુ ગરીબ બનાવી રહ્યો છે, એ વાત સાબિત કરતી માહિતી સરકારે ધ્યાનમાં લેવી જોઈએ.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

તાજેતરના બે બનાવોમાં, જાણીતી બે ખાનગી હોસ્પિટલોમાં ૨૨ દિવસ માટે ડેન્ગ્યુની સારવારનો ખર્ચ રૂ. ૧૬ લાખ અને ૧૫ દિવસની ડેન્ગ્યુ સારવાર માટે રૂ. ૧૫.૬ લાખ લેવામાં આવ્યાના કિસ્સાઓ, ભારતમાં સ્વાસ્થય સારવાર સેવાઓના ક્ષેત્રની નિરાશાજનક પરિસ્થિતિ વિશે સાક્ષી પૂરે છે. એક બાજું જાહેર આરોગ્ય સેવાઓનું ક્ષેત્ર પડું પડું કરી રહ્યું છે અને બીજી બાજું ખાનગી ક્ષેત્ર આક્રમક રીતે વધી રહ્યું છે. એવા સંજોગોમાં મોટાભાગના ભારતીયો માટે હોસ્પિટલમાં દાખલ થવાનો અર્થ નાણાંકીય આફતનો સામનો કરવો થાય છે. ઘણા દાયકાઓથી ભારતના આરોગ્ય ક્ષેત્રને લગતી માહિતી પર કામ કરનાર આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય અસંખ્ય સ્રોતોને જે જાણવા મળ્યું છે એની પુષ્ટિ તાજેતરમાં પ્રકાશિત નેશનલ હેલ્થ પ્રોફાઈલ (એનએચપી) 2017 કરે છે. એ માહિતી દર્શાવે છે કે જાહેર આરોગ્ય પરનો સરકારી ખર્ચ વાસ્તવિક દ્રષ્ટિએ વધ્યો નથી, જ્યારે કે ખાનગી આરોગ્ય ક્ષેત્રમાં ભરખમ વધારો જોઈ શકાય છે અને તબીબી સેવાઓના આઉટ-ઓફ-પોકેટ (OOP) એટલે કે ગજા બહારનો ખર્ચ ગરીબોને, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને વધુ ગરીબ બનાવી રહ્યો છે. OOP ખર્ચ એવી રકમને દર્શાવે છે કે જે સરકાર અથવા તૃતીય પક્ષ વીમાની કોઈપણ સબસિડી વગર આરોગ્ય સેવા દાતારને દર્દી દ્વારા ચૂકવવામાં આવે છે. સંજોગવશાત, ઉપર જણાવેલ બે બનાવોમાંના બંને દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

સરકારી આરોગ્ય સેવાઓમાં જરૂરી સાધનસંપન્નતા વગેરેની કમીને કારણે ઘણા ગરીબ લોકો પણ ખાનગી હોસ્પિટલોમાં જવા મજબૂર થાય છે. એનએચપી 2017 મુજબ જાહેર ખર્ચની સરખામણીએ ખાનગી હોસ્પિટલોમાં બેથી નવ ગણો વધારે ખર્ચ હોવા છતાં, ૬૧% ગ્રામ્ય અને ૬૯% શહેરી દર્દીઓ ખાનગી દવાખાનામાં જવું પસંદ કરે છે. આ ઉપરાંત, પાંચ શહેરી પરિવારોમાંના એકને અને તમામ ગ્રામીણ પરિવારોમાં ચોથા ભાગના પરિવારોને હોસ્પિટલમાં રહીને સારવાર લેવા માટે ઉધાર લેવાની અથવા પોતાની કોઈ સંપત્તિ કે વસ્તુ વેચવાની ફરજ પડે છે. દેશના કુલ આરોગ્ય ખર્ચમાંથી, OOP ખર્ચ ૬૩% છે. એ નેશનલ હેલ્થ એકાઉન્ટ મુજબ ગણવામાં આવે છે જે દર્શાવે છે કે કુલ સ્વાસ્થ્ય ખર્ચનો માથાદીઠ ખર્ચ રૂ. ૩,૮૨૬ છે, જે પૈકી રૂ. ૨,૩૯૪ દર્દીઓ પોતાના ખિસ્સામાંથી ચૂકવે છે.

આમ છતાં, બેદરકાર સરકાર ખાનગી ક્ષેત્રની તરફેણમાં પોતાની જવાબદારીના બોજાને હળવો કરી રહી છે. એ ક્ષેત્ર કોઈ પણ જવાબદારી વગર અને કડક નિયમોનો અભિગમ રાખીને કામ કરી રહ્યું છે, જેના દુષ્પરિણામો હવે દેખાઈ રહ્યા છે. હાલમાં, બીજા એક કિસ્સામાં, એક અકાળે જન્મેલ બાળક ભૂલથી મૃત જાહેર કરવામાં આવતા, દિલ્હી સરકારે મોટી સંખ્યામાં એ હોસ્પિટલોના એકમના લાયસન્સ રદ કરી નાખ્યા હતા. ભૂલ ધ્યાનમાં આવતા એ બાળકને સારવાર માટે લઈ જવામાં આવ્યું જ્યાં અઠવાડિયાના લાંબા સંઘર્ષ પછી તેનું મોત નીપજ્યું. લાયસન્સ રદ કરવાની ઉતાવળ વિચાર્યા વગરનું પગલું હતું જેના લીધે એ હોસ્પિટલોમાંના અન્ય દર્દીઓને મોટી સંખ્યામાં હેરાનગતિ સહેવી પડી, જેમાંના કેટલાક તો મરણોતલ બીમાર હશે.

જો યુનિયન અને રાજ્ય સરકારોએ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ (રજીસ્ટ્રેશન અને રેગ્યુલેશન) એક્ટ, 2010નો અમલ કર્યો હોત, તો ખાનગી હોસ્પિટલો દ્વારા કરવામાં આવતી ઘણી, નાણાંકીય અને અન્ય, ગેરવાજબી બાબતોનો તોડ કરવું શક્ય બનત. અનૈતિક પ્રથાઓ સામે કડક પગલાંની જોગવાઈ ધરાવતો આ અધિનિયમ હાલમાં ૧૦ રાજ્યો અને ૬ કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા અપનાવવામાં આવ્યો છે (કેટલાક રાજ્યો એની પોતાની આવૃત્તિઓ ધરાવે છે). જોકે, એમાંના ઘણા રાજ્યોમાં એ અધિનિયમ હજી કાગળ પર જ છે, એનો અમલ થયો નથી. જોઈ શકાય છે કે કેન્દ્ર દ્વારા કોરોનરી સ્ટેન્ટ્સ (હૃદય ધમણિકામાં મૂકવામાં આવતી ટ્યુબ)ના ભાવ પર અંકુશ મૂકવાની જોગવાઈ પછી, ખાનગી હોસ્પિટલોએ એમાંથી છટકબારીઓ શોધી કાઢવાની કલા વિકસાવી લીધી છે. એન્જીયોપ્લાસ્ટી કરાવનાર દર્દીઓએ ફરિયાદ કરી છે કે એ ભાવ પર મર્યાદા લગાડ્યા પછી પણ ખર્ચો તો એટલો ને એટલો જ રહ્યો છે.

ખાનગી હોસ્પિટલોના ક્ષેત્રમાં કેટલું જોર રહેલું છે એનું ઉદાહરણ છે, કર્ણાટક. ત્યાંના ડોકટરો અને ખાનગી હોસ્પિટલના માલિકોએ વિરોધ કર્યા બાદ રાજ્ય સરકારને કર્ણાટક ખાનગી તબીબી સંસ્થાઓ (સુધારા) બિલ (કેપીએમઇ) 2017ના શિક્ષાત્મક જોગવાઈઓને હળવી કરવાની ફરજ પાડવામાં આવી હતી. નવેમ્બરમાં રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલ બિલ, દર્દીની સંભાળ પર અસર કરે એવી તબીબી બેદરકારી અને અન્ય ગેરરીતિઓ સામે કડક પગલાંની જોગવાઈ ધરાવતું હતું. સ્વાસ્થ્ય કાર્યકરોએ ધ્યાન દોર્યું તેમ, રાજ્ય સરકાર હોસ્પિટલોના માલિકોના વિરોધ અને ડૉક્ટર્સની હડતાળ સામે ટક્કર ઝીલી ન શકી, કારણ કે આરોગ્ય સેવા આપતા સરકારી કેન્દ્રો નબળા છે, જેના લીધે જનતાની તકલીફો વધતી જતી હતી અને સાથે સાથે તેઓનો આક્રોશ પણ વધી રહ્યો હતો. એનએચપી 2017ના આંકડા દર્શાવે છે કે, કર્ણાટક હેલ્થકેર પર તેના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટના માત્ર ૦.૭% ખર્ચ કરે છે. હાલમાં રાષ્ટ્રીય સરેરાશ ૧.૧% છે.

એનએચપી 2017 એ પણ ધ્યાન દોર્યું હતું કે ૧.૩ અબજની વસ્તીને આવરી લેવા માટે ભારતમાં માત્ર ૧૦ લાખથી સહેજ વધુ એલોપેથિક ડોકટરો છે. એ ૧૦ લાખમાંથી, લગભગ ૧૦% ડોક્ટરો જાહેર આરોગ્ય ક્ષેત્રમાં કામ કરે છે. નર્સ અને આરોગ્ય કાર્યકરોની સંખ્યા પણ અપૂરતી છે. આ રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને વપરાશ પ્રાપ્ય કરાવવામાં પ્રદેશ પ્રમાણે ભેદભાવ રાખવામાં આવે છે. અધુરામાં પૂરું, એવી તબીબી શિક્ષણ પ્રણાલી જે વિદ્યાર્થીઓને ગરીબ દેશની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ બનાવવામાં નિષ્ફળ છે, આરોગ્ય સેવાઓ પ્રાપ્ય કરવામાં ગ્રામ્ય-શહેરી અસમતુલા, તેમ જ સમગ્ર દેશમાં ગરીબ લોકોમાં બિન-સંચારી રોગોનો વધતો જતો બોજ સમસ્યાને આકરી બનાવે છે.

એનએચપી 2017માં હેલ્થકેર પરના જાહેર ખર્ચમાં ૨૦૨૦ સુધીમાં હાલના ૧%થી કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના ૨.૫%નો વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, જે ૫.૯૯%ની વિશ્વની સરેરાશથી નીચે છે. એનએચપી 2017નો ઉદ્દેશ નીતિ નિર્માણમાં મદદ કરવા માટે વિશ્વસનીય ડેટા પ્રદાન કરવાનો છે. એમાં એવી પૂરતી અને વિગતવાર માહિતી છે, જે બતાવે છે કે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે. જે બાબતની ખાસ જરૂર છે, એ છે ગરીબ દર્દીઓ અને તેમના પરિવારોને લોભી ખાનગી આરોગ્ય સેવા દાતારોની દયા પર ન નભવું પડે એવી ખાતરી કરવા અંગે રાજકીય ઇચ્છા.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top