એક ખતરનાક વળાંક
ષડ્યંત્ર અંગે મોદીનો વાહિયાત તર્ક બીજું કંઈ નહિ પણ ગમે તે રીતે ચૂંટણી જીતવાની તેની ઇરાદાપૂર્વકની યોજના છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
રાજકારણીઓ ચૂંટણી દરમિયાન સત્ય બોલે એવી અપેક્ષા ક્યારેય રાખવામાં આવતી નથી. વાસ્તવમાં, મોટા મોટા વાયદાઓ, બડાઈઓ અને જૂઠ્ઠાણાં તો ચૂંટણીપ્રચારના મૂળ તત્વો બની ગયા છે. પરંતુ જ્યારે કોઈ રાજકારણી વડા પ્રધાન પણ હોય છે, ત્યારે તમે થોડીક સચ્ચાઈની આશા રાખો તો એમાં તમારી કોઈ ભૂલ ન કહેવાય. જોકે, ભારતીયો માટે, એવી આશા ગત અઠવાડિયે વિખેરી નાખવામાં આવી હતી, જ્યારે ગુજરાતમાં બનાસકાંઠા ખાતે ૧૦મી ડિસેમ્બરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક ભાષણો આપ્યાં હતાં. ખરું કે, મોદીએ શરૂઆતથી જ નવલકથાઓ અને અતિશયોક્તિથી સજ્જ ભાષાને પોતાની અદ્વિતીય ઓળખ બનાવી દીધી છે. પણ તે દિવસે તો તેના ભાષણો રાજ્યના ચૂંટાયેલા વડા પાસેથી અપેક્ષિત સુશોભનની બધી મર્યાદાઓ વટાવી ગયા. સાફ સાફ કહીએ તો તે દિવસે મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ, ભૂતપૂર્વ ઉપ પ્રમુખ મોહમ્મદ હેમિદ અન્સારી અને ભૂતપૂર્વ લશ્કરી વડા દીપક કપૂર પર રાજદ્રોહનો આરોપ મૂક્યો હતો. જે કદાચ કલ્પનાશક્તિનું એક ઉડ્ડયન લાગતું હોય તે હકીકતમાં, ગુજરાતમાં ચાલી રહેલી ચૂંટણીના ઝુંબેશ દરમિયાન છેલ્લા તબક્કામાં, કોમવાદ ઉકસાવવાની ગણતરીથી ભરેલાં પગલાં છે. મોદીએ તેઓ પર 'ભારતીય'ને હરાવવા માટે 'દુશ્મન' એટલે કે પાકિસ્તાન સાથે ગુપ્ત કાવતરું કર્યો હોવાનો આરોપ મૂક્યો છે; ગુજરાતમાં જનતા પાર્ટી (ભાજપ)ને હરાવીને કોંગ્રેસના મુસ્લિમ સભ્ય અહમદ પટેલને મુખ્ય મંત્રી તરીકે જીતાડવાનું કાવતરું. તમામ ષડ્યંત્રો, તેના મત પ્રમાણે, ૬ ડિસેમ્બરના રોજ કોંગ્રેસના મણિશંકર ઐયરના ઘરે ત્રણ કલાકની ગુપ્ત બેઠક દરમિયાન થયાં હતાં. તેણે જણાવેલ બધી વિગતોમાં એક માત્ર સચ્ચાઈ એ હતી કે તે બેઠક ત્રણ કલાકની હતી; ઐયર પોતાના લાંબા સમયના મિત્ર અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમૂદ કસૂરિને પોતાને ત્યાં રાત્રે ભોજન પર ખાનગી રીતે બોલાવે એમાં કશું "રહસ્ય"મય તો નથી જ.
મોદીએ જે કહ્યું એ જો કોઈ ન પણ માને, તોપણ પાકિસ્તાન, કોંગ્રેસ અને મુસ્લિમ એ ત્રણનું અનાયાસ સંયોજન, આ અસંબદ્ધ જૂઠાણાંના નિશાના પર છે. અને એ જ વાત જોખમી છે. એનું પ્રથમ કારણ એ છે કે, તમારી પાસે દેશનો ચૂંટાયેલો નેતા છે, જેની પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તે દરેક વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે માત્ર તેઓનું જ નહીં, જેઓ તેને સમર્થન આપે અથવા તેના પક્ષના છે. જ્યારે કે, તે તો ખુલ્લેઆમ એવા લોકો પર આક્ષેપ લગાવે છે જેઓએ બંધારણીય કામગીરીમાં ભાગ ભજવ્યો છે, અને એ પણ એવો આરોપ કે તેઓએ પાકીસ્તાન સાથે કપટજાળ રચીને ભારતીય ચૂંટણીમાં એની દખલગીરીની ગોઠવણ કરી છે. બીજું કે, તે ભારતીય મુસલમાનોને પાકિસ્તાન સાથે સતત જોડ્યા કરે છે અને તેથી ભારતીય રાજ્ય પ્રત્યેની તેઓની વફાદારી અંગે શંકાઓને વારંવાર પ્રબળ કરે છે. આ એવું કંઈક છે જે સ્વતંત્રતા પછીનાં ૭૦ વર્ષોમાં તેઓને પુરવાર કરવાની વારંવાર ફરજ પાડવામાં આવી છે. અને ત્રીજું કે, તે એવું સૂચન કરે છે કે ”દુશ્મન” સાથે મળીને તેનો મુખ્ય વિરોધી પક્ષ એટલે કે કોંગ્રેસ, તેને ગાદી પરથી હટાવવાનું કાવતરું કરે છે. ૬ ડિસેમ્બરે રાજસમંદ, રાજસ્થાનમાં મોહમ્મદ અફરાઝુલની છૂપી હત્યા જેવા કિસ્સામાં, ‘ગૌહત્યા’ અને ‘લવ જિહાદ’ના અંતર્ગત કરવામાં આવેલી મુસ્લિમોની હત્યાઓ પ્રત્યે મોદીનું ઇરાદાપૂર્વકનું મૌન બતાવે છે કે તે નફરતના રાજકારણનો રચનાર છે, જે ભારતીય મુસ્લિમોને સીમાંત તો કરે જ છે, પણ આ લોકશાહીના મૂળ પાયાને પણ વખોડે છે. કમનસીબે, આ ચૂંટણીઓમાં, કોંગ્રેસ પણ ભાજપની મુસ્લિમ વિરોધી નીતિને તોડી પાડવામાં નિષ્ફળ રહી છે. દાયકાઓ સુધી જેના મોઢે તાળું મારવામાં આવ્યું એવી કોમને બોલવાની તક ન આપીને કોંગ્રેસે પોતે મુસ્લિમ તરફી નથી એમ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે અને ભારતની વસ્તીના આ મહત્ત્વપૂર્ણ ભાગને અવગણ્યો છે.
ગુજરાતનો ચૂંટણી પ્રચાર જે રીતે યોજાયો છે એ વધુ ચિંતાજનક વિષય છે. રાજ્યની દરેક સફળ ચૂંટણી સાથે, મોદીની આસપાસ વ્યક્તિત્વ સંપ્રદાયનું નિર્માણ કઈ રીતે થઈ રહ્યું છે, એ પણ સાફ દેખાઈ આવે છે. ચૂંટણી સભાઓમાં "મોદી, મોદી"ના વાતોન્માદ ઉચ્ચાર, સાબરમતી નદી પર “સીપ્લેન” (દરિયા પર ચાલનાર વિમાન)માં તેની સવારી જેને આવા પ્રકારની “સૌપ્રથમ” સવારી કહેવામાં આવી જ્યારે કે એવા સીપ્લેન આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ઘણાં વર્ષોથી વાપરવામાં આવી રહ્યાં છે, તેમ જ ઐયરની એક સહજ ટીકા પર વાતનું વત્તેસર કરી લોકોની સહાનુંભૂતિ જીતવાનો તેનો પ્રયત્ન વગેરે, સાફ બતાવે છે કે રાજકારણમાં નુકસાનકારક ભાવનાઓની ભેળસેળ કરવામાં આવી રહી છે, જેનો સાર કોઈ એક વ્યક્તિ પ્રત્યે નિરંકુશ અને નિર્વિવાદ વફાદારીની માંગણી છે. અને આ બાબતને "દેશ" ભક્તિની નવી વ્યાખ્યા સરખી ગણવામાં આવે છે, જે કહે છે: મોદી ભારત છે અને ભારત મોદી છે.
ગુજરાતની આ ચૂંટણી ઝુંબેશ દરમિયાન મોદી દ્વારા જેટલી હદે વાક્છટા વાપરવામાં આવી છે, એનાથી બીજું એ પણ સ્પષ્ટ થયું છે કે વિકાસના નામે હિંદુત્વ આગળ ધપાવવામાં આવ્યું છે અને આવતું રહેશે. બધા માટે વિકાસ વિશેની તમામ ચર્ચાઓનો અર્થ મોટા પાયે નાટ્યાત્મક લાગણીઓને ઉશ્કેરવી, એ જ રહ્યો છે; લાલો લાભ વગર ન લોટે. વિકાસના વચનની પોકળતા તો સીપ્લેન સવારીના બનાવ પરથી જ સાબિત થઈ જાય છે. “વિકાસ”ની આવી છેતરામણી નિશાનીઓ દ્વારા મૂર્ખ બનાવી શકાય એવા મતદાતાઓને ઝાઝવા માટે કરેલો એ બેબાકળો પ્રયાસ હતો. પણ એવા વિકાસની વાતોથી ન તો કોઈનું પેટ ભરી શકાય અને ન કોઈના જીવનનું ગુજરાન ચલાવી શકાય. ઉપરાંત, અંતે તો, વાસ્તવિક હેતુ એટલે કે નેતા પ્રત્યેના ધર્મ, ઓળખ અને વફાદારીની તરફેણની વાત આવે ત્યારે આં બધાં વચનોનો ડૂચો વાળી ફેંકી દેવામાં આવે છે. જો આ અંગે કોઈને કંઈ શંકા હોય તો, ગુજરાતનો દાખલો લે. બધી શંકાઓ દૂર થઈ જશે. આગામી બે વર્ષમાં મોટાભાગના નફરતભર્યાં ભાષણો, વિભાજનકારી વ્યૂહરચનાઓ, લઘુમતીઓ અને તેમના અવાજને દબાવી દેવાતા પ્રયાસો અને ખુલ્લેઆમ આડંબરભર્યો બહુમતીવાદ જોવા મળશે. ભાજપની કાર્યસૂચિનાં સ્વર અને સામગ્રીથી વિરોધાભાસી હોય એવા વ્યાપક બયાનો રજૂ કરવાની હિંમત ભેગી કરવી એ વિરોધી પક્ષો માટે પડકારજનક રહેશે.
ષડ્યંત્ર અંગે મોદીના વાહિયાત તર્કની પ્રતિક્રિયામાં, મનમોહન સિંઘે સાચું જ કહ્યું કે, ’ભૂતપૂર્વ વડા પ્રધાન અને લશ્કરી વડા સહીત દરેક બંધારણીય કાર્યાલય પર બટ્ટો લગાડવાની પોતાની અતૃપ્ત આકાંક્ષાથી મોદી એક ખતરનાક પ્રણાલિ સ્થાપિત કરી રહ્યા છે.’ બીજા બધા ઉપરાંત, કંઈક છે જેના વિશે આપણે ચિંતા કરવાની જરૂર છે. શું? માત્ર શાસક પક્ષના નેતા તરીકે નહીં પણ દેશના વડાપ્રધાન તરીકે જે ઔચિત્ય અથવા જવાબદારીઓ સોંપવામાં આવે છે, એની સૂક્ષ્મતા વિશે આ દેશનું નેતૃત્વ કરનાર વ્યક્તિને ખાસ કંઈ પરવા નથી. જ્યાં સુધી તેનો નિસ્બદ્ધ છે, તે માને છે કે જેમ યુદ્ધમાં તેમ ચૂંટણીમાં બધું જ વાજબી છે-શક્ય છે. ચૂંટણી કઈ રીતે જીતવામાં આવે છે એ નહિ, પણ કોણ જીતે છે એ વધું મહત્ત્વનું છે.