ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

આંખ આડા કાન કરતું રાજ્ય

૬.૩%નો જીડીપી વિકાસદર, વર્ષ ૨૦૧૨-૧૩થી આજ સુધીનો સૌથી ઓછો દ્વિતીય ત્રિમાસિક વૃદ્ધિદર છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

તાજેતરમાં સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા રજૂ કરાયેલ રાષ્ટ્રીય આવક અંગેના આંકડાઓ ફરી એક વાર સ્પષ્ટ કરે છે કે ભારતીય અર્થતંત્ર કથળી રહ્યું છે. વર્ષ ૨૦૧૭-૧૮ના જુલાઈથી સપ્ટેમ્બરના દ્વિતિય ત્રિમાસિક (બીજા ક્વાટર) જીડીપી વિકાસ દર ૬.૩% હોઈ એના અગાઉના વર્ષના (૨૦૧૬-૧૭) એ જ ક્વાટરના જીડીપી કરતાં વધુ છે, જે કાયાપલટ વિકાસ હોવાનો સરકાર દાવો કરી રહી છે. સરકાર દ્વારા કરવામાં આવેલ દલીલ, જેને બિઝનેસ પ્રેસ વારંવાર ચમકાવે છે, એ આમ જણાવે છે: જાન્યુઆરી-માર્ચ ૨૦૧૬થી, જ્યારે જીડીપી દર ૯.૧% હતું, ત્યારપછીના દરેક ક્વાટરે જીડીપી વિકાસ દર સતત ઘટી રહ્યો હતો પરંતુ, જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૭નું ક્વાર્ટર એના અગાઉના ક્વાટર કરતાં ઊચું રહ્યું છે, જે સૂચવે છે કે વૃદ્ધિદરમાં થઈ રહેલો ઘટાડો હવે કાબૂમાં આવી ગયો છે. એ તેઓનો દાવો છે. પણ અફસોસ કે એવો દાવો તદ્દન ખોટો છે. એક ક્વાટરની વૃદ્ધિનો વિકાસદર ત્યારે જ વધુ સારી રીતે સમજાશે જ્યારે એની સરખામણી અગાઉના વર્ષના એ જ ક્વાટર સાથે કરવામાં આવે, કારણ કે આર્થિક વૃદ્ધિની ચોક્કસ મોસમ હોય છે. આ રીતે જોતાં, નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ (એનએએસ) ડેટાની (મૂળ વર્ષ ૨૦૧૧-૧૨) નવી સિરીઝમાં નોંધાયેલ જુલાઇ-સપ્ટેમ્બર ૨૦૧૭નું ક્વાટર તો સૌથી ઓછી વૃદ્ધિનું ક્વાટર રહ્યું છે, એટલે કે ૨૦૧૨-૧૩થી સૌથી ધીમી વૃદ્ધિનું ક્વાટર કહેવાય. દેખીતું છે કે ભારતીય અર્થતંત્રની હાલત વધુ કથળી છે, ઘટાડો થયો છે. જ્યારે કે, સરકારનું એને કાયાપલટ વિકાસ નામ આપવું સાફ દર્શાવે છે કે તે જાણીજોઈ વાસ્તવિકતા સ્વીકારવા માંગતી નથી, ચશમપોશીની સ્થિતિમાં રહેવું તેને પસંદ છે.

એનએએસની નવી શ્રેણીમાં, અન્યની સરખામણીમાં બીજા ક્વાટર દરમિયાન અર્થતંત્રનો દર મોટા ભાગે ૧ ટકાવારી બિંદુ (પર્સંટેજ પોઈન્ટ)થી ઊંચી વૃદ્ધિ પામી શકે છે. આનો એકમાત્ર અપવાદ ૨૦૧૫-૧૬નો અંતિમ ક્વાટર અને ૨૦૧૬-૧૭નો પ્રથમ ક્વાટર હતા, જે ગત વર્ષોના બીજા ક્વાર્ટર કરતાં વધારે વિકાસશીલ હતા. જીડીપી વિકાસદરનું આ સામાન્ય વલણ ધ્યાનમાં રાખતાં, એવી શક્યતાઓ ઘણી છે કે વર્તમાન વર્ષનો વાર્ષિક વિકાસ દર ૬.૩% કરતાં વધારે રહેશે નહીં. વર્ષ ૨૦૧૨-૧૩થી, વાર્ષિક વૃદ્ધિદર ક્યારેય બીજા ક્વાર્ટરના વૃદ્ધિદર કરતાં વધારે ન હતો. આથી, અપેક્ષા રાખવી વાજબી છે કે આ વર્ષ માટે વાર્ષિક વૃદ્ધિ સૌથી વધુ ૬.૩% હશે, જે ૨૦૧૬-૧૭માં ૭.૧%ના આગોતરી અંદાજ અને ૨૦૧૫-૧૬માં ૮%ના અસ્થાયી અંદાજ કરતાં ઘણો નીચો છે.

પ્રસંગવશાત, નાણાંકીય વર્ષને બે ભાગોમાં જોતાં, એના પ્રથમ અર્ધ (એપ્રિલ-સપ્ટેમ્બર)ના નવી શ્રેણીમાં જીડીપી વૃદ્ધિદરો એના બીજા અર્ધ કરતાં ૧ ટકાવારી બિંદુ વધારે નોંધાવવાનું વલણ ધરાવે છે. માત્ર ૨૦૧૫-૧૬નું વર્ષ એક અપવાદ રહ્યું હતું. એમાંય, આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ૬% વૃદ્ધિ નોંધવામાં આવી, જે નવી શ્રેણીમાં (એટલે કે, ૨૦૧૨-૧૩થી) અત્યાર સુધીની સૌથી ઓછી વૃદ્ધિ છે. આ વલણ અનુસાર, વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન અર્થતંત્ર ૬% કે તેથી ઓછી વાર્ષિક વૃદ્ધિ નોંધાવવાની શક્યતા ધરાવે છે, જે હાલના કેટલાક વર્ષોની સરખામણીમાં ઘણી જ ઓછી કહેવાય.

મૂળભૂત કિંમતો પર ગ્રોસ વેલ્યુ એડિશન (જી.વી.એ.)માંની માહિતીનો ઉપયોગ કરીને સરકારે આવી જ કંઈક દલીલ રજૂ કરી હતી. વર્ષ ૨૦૧૭-૧૮ના પ્રથમ ક્વાર્ટરમાં ૧.૨%ની સરખામણીમાં બીજા ક્વાર્ટરમાં ૭% વૃદ્ધિ નોંધાવતા ઉત્પાદન ક્ષેત્રે ભરખમ વધારો થયો છે, એમ આપણને કહેવામાં આવ્યું છે. પરંતુ છેલ્લા નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં નોંધાયેલી ૭.૭%ની વૃદ્ધિની સરખામણીમાં દેખીતું છે કે હાલમાં આ ક્ષેત્રે પણ વૃદ્ધિ ઓછી રહી છે. ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક પણ બતાવે છે કે આ વર્ષે બીજા ક્વાટરમાં ઉત્પાદન ૨.૨% રહ્યું, જ્યારે કે ગત વર્ષે એ ૫.૫% હતું. અહીં પણ સ્પષ્ટ છે કે કાયાપલટ વિકાસ હોવાના સરકારના દાવાથી વિપરીત, ઉત્પાદન ક્ષેત્ર પણ કથળી રહ્યું છે.

વધુમાં, નવી શ્રેણીમાં બીજા ક્વાર્ટરમાં નાણાકીય, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓનો જી.વી.એ. વૃદ્ધિદર ૫.૭% અને કૃષિ ક્ષેત્રે ૧.૭% હોઈ સૌથી ઓછો છે. કુલ જી.વી.એ.નો આશરે ૫૫% જેટલો ભાગ આ ત્રણે ક્ષેત્રોનો છે. ખાણકામ, વીજળી, વેપાર, હોટલ અને કોમ્યુનિકેશન ક્ષેત્રોમાંથી ઉદભવતા જી.વી.એ.ની વૃદ્ધિ અગાઉના ક્વાર્ટરની તુલનાએ બીજા ક્વાર્ટરમાં સુધારો દર્શાવે છે, જ્યારે બાંધકામ અને જાહેર વહીવટીતંત્રમાં ઘટાડો જોવા મળ્યો છે. આમ, વિકાસ મોટા પાયે પુનઃ જીવિત થયો હોવાનો કોઈ પુરાવો નથી. જ્યારે કે, એનાથી વિરુદ્ધ કથળતા અર્થતંત્રના ઘણા પુરાવા છે.

રોકાણ ક્ષેત્રના માહોલમાં પણ કોઈ સુધારો થયો નથી. મૂડી રોકાણ ક્ષેત્ર એટલે કે, ગ્રોસ ફિકસ્ડ કેપિટલ ફોર્મેશન (જીએફસીએફ), છેલ્લા ક્વાર્ટરમાં ૪.૭%ના દરે ઝડપી વિકાસ પામ્યો છે, જે પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં ૩% જ હતો. વર્ષો દરમિયાન થનાર ઘટાડાને ધ્યાનમાં રાખતા એ કંઈ નોંધનીય વિકાસ ન કહેવાય, ખાસ એવા સંજોગોમાં જ્યાં જીડીપીનો ભાગ જીએફસીએફ વર્ષ ૨૦૧૧-૧૨ના બીજા ક્વાટરમાં ૩૫.૬%થી ઘટીને ૨૦૧૭-૧૮ વર્ષના બીજા ક્વાટરમાં ૨૮.૮% આવી ગયો છે.

૨૦૧૬-૧૭ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતની જીડીપીમાં મંદી એના વિકાસ અંકોમાં દેખાઈ આવવા લાગી ત્યારે ૨૦૧૬-૧૭ના ત્રીજા ક્વાર્ટરમાં થયેલી વિમુદ્રિકરણ (ડિમોનેટાઈઝેશન)ની જાહેરાતે જાણે આગમાં ઘી ઉમેર્યું. અધૂરામાં પૂરું, ૧ જુલાઈ ૨૦૧૭થી લાગુ પાડવામાં આવેલ ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ (જીએસટી)ના લીધે પરિસ્થિતિ વધુ બગડી. વૃદ્ધિ પરના આંકડાઓ સૂચવે છે કે આ બે મુખ્ય નીતિઓની દરમિયાનગીરી આર્થિક પ્રવૃત્તિને અવરોધે છે, ખાસ કરીને અનૌપચારિક ક્ષેત્રમાં, તેમજ આર્થિક વૃદ્ધિ માટે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. અર્થતંત્રમાં સર્વ કુશળમંગળ નથી એ વાત એકદમ સ્પષ્ટ છે. હવે એ સરકાર પર છે કે, તે પોતાના નીતિમાં કરેલા મનસ્વી ફેરફારો અને એના લીધે અર્થતંત્ર પર થઈ રહેલી હાનિકારક અસરો ધ્યાનમાં લે. હકીકતો ન સ્વીકારી અને જાહેર જનતાને ગેરમાર્ગે દોરી સરકાર આર્થિક મંદીને દૂર કરવાની માત્ર ઇચ્છા રાખી શકતી નથી. કારણ કે, સમસ્યાને નિવારવા માટે પહેલાં એ સ્વીકારવું પડે કે સમસ્યા છે.

Back to Top