ન્યાય અંધ તો હતો જ, હવે મૂંગો પણ?
અદાલતી કાર્યવાહી વખતે પ્રસાર માધ્યમોને બાકાત રાખવાના પ્રયત્નોથી ન્યાયતંત્રમાંથી લોકોનો વિશ્વાસ ઊઠી જશે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
પારદર્શક ન્યાય ભારતીય અદાલતી વ્યવસ્થાનો પાયો છે. સૈદ્ધાંતિક રીતે, અદાલતોની કાર્યવાહીમાં જાહેર જનતાના બધા સભ્યોને આવકાર હોય છે, એમાં માસ મીડિયાના સભ્યો (પ્રસાર માધ્યમો), જેઓ જાહેર જનતા સુધી ખબર પહોંચાડવા માટે જવાબદાર હોય છે, તેઓ કંઈ અપવાદ નથી. પરંતુ, વ્યવહારું જીવનમાં, નાના અને તંગાયેલા કોર્ટરૂમોને અને એની કાર્યવાહીમાં કોઈ પણ ખલેલ ન આવે એવી જરૂર ઊભી થતી હોવાથી, પ્રવેશ મર્યાદિત કે પ્રતિબંધિત કરવામાં આવી શકે. આવા કિસ્સામાં સામાન્ય જનતા ન્યાયાલયમાં થયેલ સુનાવણીના સચોટ અને નિર્પેક્ષ અહેવાલો માટે પત્રકારો તરફ મીટ માંડતી હોય છે. મુકદ્દમામાં જેટલા દાવેદારો વધે એટલો જ લોકોનો રસ પણ વધે ને પરિણામે, કોર્ટ પર કોઈ આંગળી ન ચિંધી જાય એવી રીતે મુકદ્દમો હાથ ધરવાનું દબાણ પણ વધે. પછી ભલેને મુકદ્દમાનો ચુકાદો ગમે તે કેમ ન હોય, જનતાનો ભરોસો અદાલતી કાર્યવાહીમાં જાળવી રાખવા બહુ જરૂરી છે કે એ કાર્યવાહી ન્યાયી અને કાયદા પ્રમાણે હાથ ધરવામાં આવી છે એવી તેઓને ખાતરી કરાવવામાં આવે. સરકારના અન્ય વિભાગોની કામગીરીથી વિપરીત, ન્યાયાલયની કામગીરી જાહેર જનતાની સમક્ષ કરવામાં આવે છે, જેથી તેઓ એને નજરે જોઈ, એની પ્રમાણિકતાની ખાતરી પોતે કરી શકે.
તેથી, પરિણામોનો વિચાર કે પરવા કર્યા વગર અદાલતો દ્વારા આ સિદ્ધાંતની અવારનવાર અવજ્ઞા થતી જોવી, ખરેખર અફસોસની વાત કહેવાય. ખાસ કરી, હાલના બે હાઈ-પ્રોફાઇલ કેસના રિપોર્ટિંગ વિશે કોર્ટ દ્વારા મીડિયાને મોંઢે હાથ દેવાનો હુકમ એટલે કે “ગેગ ઓર્ડર્સ" આપવામાં આવ્યો, જે ઘણું ચિંતાજનક છે. એના તાજેતરના દાખલા છે: સોહરાબુદ્દીન શેખ અને અન્યની હત્યા માટે અનેક પોલીસ અધિકારીઓની ફોજદારી કાર્યવાહીનો મુકદ્દમો, તેમ જ અલ્હાબાદ હાઈકોર્ટમાં ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નફરતભર્યા ભાષણ સંદર્ભે ફરિયાદની મંજૂરી વિશે લેખીત અરજીનો મુકદ્દમો. હાઈ-પ્રોફાઇલ કેસની વ્યાખ્યા ગમે તે કરીએ, આ બંને મુકદ્દમા એવા જ છે, જેમના ચુકાદામાં આમ જનતાને ભારે રસ હોય.
બંને “ગેગ ઓર્ડર્સ" પાછળના સંજોગો કેટલાક અંશે જુદા છે. (સોહરાબુદ્દીનના કિસ્સામાં) બંને પક્ષોના સાક્ષી, આરોપી અને વકીલોને પૂર્વાગ્રહથી દૂર રાખવાનો દેખાડો કરીને, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન કોર્ટના અધ્યક્ષ ન્યાયાધીશે અદાલત દ્વારા થનાર દિન-પ્રતિદિનની કાર્યવાહી વિશે કંઈ પણ જાહેર ન કરવાનો, મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. આમ તો, મીડિયાના સભ્યોને કાર્યવાહીમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે અને સુનાવણી પૂરી થયા બાદ સંભવિતપણે તેઓ એના પર રિપોર્ટ પણ તૈયાર કરશે, તેમ છતાં ન્યાયાધીશે રોજબરોજની કાર્યવાહી પ્રકાશિત કરવાનો મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. સંરક્ષણ સલાહકારની એક લેખિત અરજી સિવાય, અદાલત પાસે આ નિષ્કર્ષ પર પહોંચવાનું બીજું કંઈ સ્પષ્ટ કારણ દેખાતું નથી.
બીજી બાજું, યુપીના એડિશનલ એડવોકેટ જનરલ દ્વારા રજૂ કરવામાં આવેલ ‘ખોટી માહિતી જાહેર કરી હોવાના’ અમુક દાખલાઓ પર આધાર રાખીને અલ્હાબાદ હાઈકોર્ટ આદેશ આપ્યો છે કે મીડિયાએ ચુકાદો આવી જાય ત્યાર પછી જ સુનાવણી વિશે જાહેર કરવું અને છાપવું. હાઈકોર્ટને લાગે એવી વિવાદાસ્પદ માહિતી અખબારોમાંથી પકડી પાડીને કોર્ટ એને જાહેર કરતી નથી. કે પછી, તે જેને ખોટી માહિતી અથવા બિન-સાંદર્ભિક નિવેદનો તરીકે ઉલ્લેખે છે એ વિશે કોઈ ચોક્કસ પત્રકારને કોર્ટમાં ચોખવટ કરવાની તક આપવામાં આવી નથી. તેમ છતાં, ચુકાદો વિતરિત કરવામાં આવે ત્યાં સુધી કાર્યવાહીની તમામ રિપોર્ટિંગને પ્રતિબંધિત કરવા તરફ તે આગળ વધી રહી છે.
આ બન્ને કિસ્સાઓમાં, અદાલતો સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ વિરુદ્ધ સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (2012) 10 SCC 603ના સુપ્રિમ કોર્ટના ચુકાદાને અવગણી રહી છે. આ મુકદ્દમામાં બંધારણીય ન્યાયધીશગણે ધ્યાન દોર્યું હતું કે સુનાવણી અંગે મીડિયા દ્વારા પ્રસારણ કે પ્રકાશન રોકવા વિશે આદેશો પસાર કરતી વખતે અદાલતોને નિયંત્રણ અને અનિવાર્યતાનો કાયદો ધ્યાનમાં રાખવો પડ્યો હતો. મુકદ્દમાની રિપોર્ટિંગ મર્યાદિત કરતા પહેલાં, અદાલતોએ એ ખાતરી કરી લેવાની ફરજ હોય છે કે, સુનાવણીને પૂર્વાગ્રહથી મુક્ત રાખવા તેમજ કામગીરીને દખલગીરીથી દૂર રાખવા માટે રિપોર્ટિંગ સ્થગિત કર્યા વગર બીજો કોઈ વિકલ્પ હોય જ ન શકે. ઉપરોક્ત બંને કેસમાં મીડિયા રિપોર્ટિંગ પર રોક લગાવતા પહેલાં અદાલતો દ્વારા એવી કોઈ શરતો પૂરી કરવામાં આવી નથી.
જોકે, આ મુકદ્દમા જેટલા મહત્વપૂર્ણ છે એ ધ્યાનમાં રાખતા, મીડિયાના મોઢે હાથ દેવાની ફરજ પાડવા બદલ ફક્ત આ બે અદાલતો સામે આંગળી ચીંધવી અયોગ્ય કહેવાશે. આ બાબતે તાજેતરના ભૂતકાળમાં ખરાબ દાખલો સુપ્રીમ કોર્ટે પોતે બેસાડ્યો છે. ઉજજૈન મહાકાલેશ્વર મંદિરમાં ધાર્મિક વિધિ સંબંધિત મુકદ્દમામાં, સુપ્રીમ કોર્ટે હાજર પત્રકારોને મૌખિક આદેશ આપ્યો હતો કે તેઓ કાર્યવાહી પરની માહિતી ન છાપે. દુઃખની વાત છે કે, આ પણ કેસના સંદર્ભો તપાસ્યા વગર હાથ ધરવામાં આવેલો "ખોટી માહિતી"ને અટકાવવાનો દેખાડો હતો, જેનો આખરી ચુકાદો જ ખોટો થઈ પડ્યો હતો. એવું જ કંઈક સુપ્રિમ કોર્ટે આપેલાં એક ચુકાદાના કેટલાક સૂચનોમાં જોવા મળ્યું. અદાલતના તિરસ્કારના આરોપી કલકત્તા હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સી એસ કર્ણના મુકદ્દમા વખતે સુપ્રિમ કોર્ટે સૂચવ્યું હતું કે મીડિયા એ કેસના સંદર્ભમાં કરણના કોઈ પણ નિવેદનનો અહેવાલ ન આપે. આ પણ વિચારહીન અને બેદરકાર દૃષ્ટિકોણનાં લક્ષણો છે, જે બતાવે છે કે સર્વોચ્ચ અદાલત પોતાના આદેશોમાં વ્યક્તિની વાણીની સ્વતંત્રતાના હક વિશે જરાય પરવા કરતી નથી.
સુપ્રીમ કોર્ટે સહારા કેસમાં સ્વીકાર્યું તેમ, અખબારોની સ્વતંત્રતા અને ન્યાયના વહીવટ વચ્ચેનું સ્વીકાર્ય સંતુલન જાળવી રાખવું કંઈ હંમેશાં સહેલું હોતું નથી. અલબત્ત, તાજેતરના “ગેગ ઓર્ડર્સ" તો પ્રેસની સ્વતંત્રતા અને ન્યાયના વહીવટ, બંને માટે વિનાશક છે. આવા આદેશો પત્રકારોના અહેવાલો પર આધાર વગરની પૂર્વ મર્યાદાઓ મૂકે છે એટલું જ નહિ, કોઈ ઠોસ કારણ ન જણાવ્યું હોવાથી એવા આદેશો જાહેર જનતાને મૂળ ઇરાદા વિશેના સવાલોના વંટોળે પણ ચઢાવે છે, ખાસ તો હાઈ-પ્રોફાઈલ કિસ્સાઓમાં! વાસ્તવિક જીવનમાં કઈ રીતે ન્યાય કરવામાં આવી રહ્યો છે, એ જોવાથી લોકોનો અદાલતી વ્યવસ્થા અને ન્યાયતંત્રમાં વિશ્વાસ મજબૂત થાય છે. પણ આવા હાઈ-પ્રોફાઇલ મુકદ્દમાની કાર્યવાહીના પ્રસારણ ને પ્રકાશન પર રોક મૂકીને, અદાલતો માત્ર મુક્ત વાણીના હકને ફગાવતી જ નથી, પણ ન્યાયતંત્રમાં જાહેરજનતાના ભરોસાને ઘટાડીય રહી છે.