ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

આપણે ૬ ડિસેમ્બરને કેમ યાદ કરીએ છીએ

બાબરી મસ્જિદને ધરાશયિ કરવાના બનાવ પછી જાણે પ્રત્યાઘાતોનો અંત આવતો જ નથી. 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

વર્ષ ૨૦૧૭, નવેમ્બર ૨૪મીના દિવસે કહેવામાં આવેલું એક વિધાન, જાણે રણશિંગડું ફૂકીને હિંદુત્વની સેનાને આક્રમણ માટે તૈયાર રહેવાના સ્પષ્ટ આદેશ કરતાં કંઈ ઓછું ન હતું. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના (આરએસએસ) મુખ્ય અધિપતિ મોહન ભાગવતે ઘોષણા કરી કે અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં આવશે. તેણે કહ્યું, ‘એ પથ્થર પરની લકીર છે, જે ક્યારેય બદલાશે નહિ!’ પછી તેણે ફરમાવ્યું, ‘એ શબ્દોને હકીકતમાં બદલવાની વેળા પાસે છે અને આપણે ખાતરીપૂર્વક પ્રયત્નો કરવા જોઈએ કે એમ બનીને જ રહે!’

એ વિધાન સાંભળીને કંઈ નવાઈ ન લાગે. તેમ જ, એ જે સ્થળે બોલવામાં આવ્યું એનું નામ જાણીને પણ નવાઈ ન લાગે. એ સ્થળ હતું, કર્નાટકમાં આવેલ ઉડુપીમાં યોજાયેલી એક ધર્મ સંસદ, જેનું આયોજન વિશ્વ હિંદુ પરિષદે કર્યું હતું. જોકે આ બનાવ વિશે નોંધવા જેવી એક બાબત જરૂર હતી: એના સમય વિશેની. આ ડિસેમ્બરની ૬ તારીખે બાબરી મસ્જીદના ઉધ્વંશના બનાવને, જે ૧૯૯૨માં ધરાશાયિ કરવામાં આવી હતી, ૨૫ વર્ષો પૂરા થયા. એ બનાવના ૨૫ વર્ષ પૂરા થાય એના ઠીક પંદર દિવસ પહેલાં આ ધર્મ સંસદ યોજાવામાં આવી એ નોંધપાત્ર તો ખરું. બીજું કે, બાબરી મસ્જીદ/રામજન્મભૂમિના વિવાદને લગતા અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાની વિરૂદ્ધની અપીલ સુપ્રીમ કોર્ટ હાથમાં લે એ પહેલાં આ સભા થઈ છે. બાબરી મસ્જીદ જ્યાં એક સમયે ઊભી હતી એ ૨.૭૭ એકરની વિવાદાસ્પદ જમીનને સુન્ની વાક્ફ બોર્ડ, રામ લલ્લા (જેને મુખ્ય દેવ ગણવામાં આવે છે) અને નીર્મોહી અખાડામાં વહેંચી આપવી એવા અલ્હાબાદ કોર્ટે કરેલા ચુકાદાને પડકારવામાં આવ્યો છે.

ગુજરાતની જનતા વિધાનસભા ચૂંટણીમાં મત આપે એ પહેલાં રામ જન્મભૂમિનો મુદ્દો ઉઠાવીને શ્રીમાન ભાગવત હાલના શાસક પક્ષને સ્પષ્ટ સંકેત મોકલે છે કે, શરૂઆતમાં એ પક્ષને રાજકીય રીતે સફળતાના શીખરે પહોંચાડવામાં આ જ રામ મંદિરને લઈને ઊભી કરેલી ચળવળ મુખ્ય પગથિયું બની હતી. ખરું કે સાલ ૨૦૧૪થી, ભારતીય જનતા પાર્ટીએ રામ જન્મભૂમિને ચૂંટણી લડવાનો હાથો બનાવ્યો નથી. પરંતુ, એ સ્પષ્ટ છે કે જો વિકાસનો પેંતરો નહિ કામ લાગે, તો ખરાં ટાણે ચુસ્ત હિંદુત્વનો પોકાર એ મહત્ત્વની વ્યૂહરચના રહેશે. એ બાબત ગુજરાતમાં તો સ્પષ્ટ થઈ રહી છે.

ભાગવતના નિવેદનના સ્પષ્ટ સ્વરો એ પણ યાદ અપાવે છે કે જ્યાં સુધી રામ જન્મભૂમિનો મામલો છે, આરએસએસ અને ભાજપમાં એ મુદ્દે કોઈ મદભેદ નથી. એ તો ત્યારે જ થાળે પડી ગયો હતો જ્યારે ૬ ડિસેમ્બર ૧૯૯૨માં સેંકડોની સંખ્યામાં કારસેવકોએ, તીકમો અને લોઢાના સળિયાઓ લઈ, ૧૬મી સદીમાં બનેલી મસ્જીદની ઉપર ચઢી આવી, પોલીસના અધિકારીઓ, રાજકારણીઓ અને મીડિયાની નજર સામે એને ભોંય ભેગી કરી દીધી. તે સમયે તેઓનો દાવો હતો કે તેઓ તો ઐતિહાસિક અપરાધનો બદલો વાળી રહ્યા હતા. તેઓએ આઝાદ ભારતના સમકાલિન ઇતિહાસને બદલી નાખીને જ દમ લીધો. એવું બદલાણ જે કદાચ પાછું ફેરવી ન શકાય!

ડિસેમ્બર ૬ને યાદ કરવા એ સ્વીકારવું જ રહ્યું કે, ઇતિહાસ એવા કેટલાક વળાંકો ધરાવે છે, એવા કેટલાંક ઉગમસ્થાનોવાળો છે જ્યાંથી એવાં બદલાણોની શરૂઆત થઈ, જેને આપણે અમુક સમય વીત્યા પછી જ પારખી શકીએ છીએ. એ દિવસે, બ્રિટિશ બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશન (બીબીસી) દ્વારા અયોધ્યામાં બનતા બનાવોનું જીવંત પ્રસારણ થઈ રહ્યું હતું, કેમ કે ત્યારે ભારતીય ન્યૂઝ ચેનલો હતી નહિ. એ પ્રસારણ આખા દેશના બધા ભાગોમાં થઈ રહ્યું હતું તેમ, મુસીબતનો અંદેશ આવી ગયો હતો. પરંતુ આપણને ત્યારે એ ખબર ન હતી કે આ નઠોર અને વિનાશક કૃત્ય, જે ઇતિહાસને ભૂંસી નવી કથાને ભારત પર થોપી બેસાડવા માંગતા લોકો દ્વારા ગુજારવામાં આવ્યું, તે એવી નિર્દયતા અને તિરસ્કારની લાગણીઓના પૂર લાવશે જે કેટલાક દાયકાઓ સુધી આપણે ક્યારેય જોઈ ન હતી.

ખાસ કરીને, એ વખતે બોમ્બે તરીકે જણાતું મુંબઈ શહર એના વિનાશક પ્રત્યાઘાતોની ઝપટમાં આવી ગયું. એ સમયે કોઈ પણ નાતજાતની મર્યાદાઓથી મુક્ત એવું “પચરંગી શહેર” તરીકે ઓળખાતું મુંબઈ, જ્યાં હિન્દુ અને મુસ્લિમો પૂરી સહનશીલતા સાથે એકબીજા જોડે હળી મળીને રહે છે, અને શહેરી જીવનની મોહગાઈ ને મુશ્કેલીઓના ઝાપટા એક સમાન સહે છે, એવી ભ્રમણામાં રહેતા કેટલાક લોકો ૬ ડિસેમ્બરે ગલીઓ અને નજીકના વિસ્તારોમાં કોમી રોષ અને આતંકના દૃશ્યો જોઈને, વાસ્તવિકતા જાણીને હબકી ઊઠ્યા. આજે એના ૨૫ વર્ષો પછી પણ, હિંસા અને હત્યાઓના ગુનેગારો, તેમજ એને યોજનારા, ઉત્તેજન આપનારાઓ જ્યારે મસ્જીદ તરફ વધી રહેલ ગાંડા સૈન્યને બેધડક ઉશ્કેરે છે છતાં તેઓને સજા થતી નથી, ત્યારે એક હકીકત ચોક્કસ સાબિત થાય છે કે આનો કોઈ અંત નથી. અધૂરામાં પૂરું, એક પછી બીજી સરકારો બદલાયે છે તેમ તેઓમાં આવા આતંકના ગુનેગારોને દંડિત કરવાની ઇચ્છાનો આભાવ, ખરેખર સમસ્યાઓને વધુ આકરી બનાવે છે. પછી ભલેને તેઓનો રાજકીય રંગ ગમે તે કેમ ન હોય! એ બધાને લીધે છેલ્લા ૨૫ વર્ષોમાં ભારતની ભૂમિ સાંપ્રદાયિક અને બહુમતીવાદી વિચારધારાના અસાધારણ વિકાસ માટે ઘણી ફલિત થઈ ગઈ છે.

આ ૨૫ વર્ષોમાં રાજકારણમાં નોંધપાત્ર સફળતા ફક્ત ભાજપને મળી હોય એમ નથી, સાંપ્રદાયિક નફરત પણ એટલી જ પાંગરી છે, ભરખમ વૃદ્ધિ પામી છે. એટલી હદે કે મુસ્લિમો આજે પોતાના ધર્મને ઓળખાવે એવી કોઈ પણ બાહ્ય નિશાનીઓ કે ચિહ્નો છૂટથી પહેરતાં ઘબરાય છે. હાલમાં, ત્રણ અઠવાડિયાં પહેલાંની જ વાત લો, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ટ્રેઈનમાં મુસાફરી કરનાર ત્રણ મુસ્લિમોને નમાઝ ટોપીઓ અને રૂમાલો પહેરેલ હોવાના કારણે બેફામ માર મારવામાં આવ્યો. આક્રમણ કરનારાઓએ મશ્કરી કરતાં કહ્યું, ‘તમે ટોપીઓ પહેરો છો ને? લાવો અમે તમને ટોપીઓ પહેરતા શીખવાડીએ.’ બીજો કિસ્સો ૧૬ વર્ષીય જુનૈદ ખાનનો લો, એને કેમ કરી ભૂલાય? તે મુસ્લિમ તરીકે ઓળખાઈ આવ્યો એ પછી તેના પર વગર કારણે પ્રહાર કરી કરીને, એટલા બધા ઘા કરવામાં આવ્યા કે તે મરણ પામ્યો. અફસોસ! કોઈ ઇમારતના ધરાશાયિ થવા પર ઉજવણી કરવાથી લઈને, દમન અને માનસિક ભારણની ઇમારતો ઊભી કરવા સુધીની આ યાત્રા લઘુમતિઓ પ્રત્યે ખરેખર ક્રૂર અને ઘાતક રહી છે.

તેથી, ૬ ડિસેમ્બર વિશે વિચારવાનું અને યાદ કરવાનું આપણી પાસે એક સારું કારણ છે. ખાસ તો આ સમયમાં જ્યારે તમામ કારણોની જાણે અવગણના કરી, સાંસ્કૃતિક સ્મરણો, પરંપરા અને ઐતિહાસિક હકીકત વચ્ચેની રેખાને ભૂંસી નાખવામાં આવી રહી છે. ડિસેમ્બર ૬ વિશે પોતાના એક ખાસ અંકમાં (પાન ૨૫) ઇતિહાસકાર હરબન્સ મુખિયા એક વાજબી મુદ્દો જણાવે છે. એ જ કે, બાબરી જ્યાં બનાવવામાં આવી હતી ત્યાં એક સમયે રામ મંદિર હતું, એવી માન્યતા તરફ લઈ જતી તમામ બાબતો પણ સંપ્રદાય અને ઐતિહાસિક સાબિતી વચ્ચેની આછી રેખાઓને દર્શાવે છે. રાજકીય વૈજ્ઞાનિક ઝોયા હસન (પાન ૨૮) જણાવે છે તેમ, આજે ૨૦૧૭માં એ સ્પષ્ટ જોઈ શકાય કે, ૬ ડિસેમ્બરે ‘જાહેરમાં હિંદુ સંવેદનશીલતાઓને નવી માનવૃત્તિ’ અને સાથે સાથે ‘લઘુમતિઓને તાબેદારી અને પરાજય’ આપવાની શરૂઆત થઈ હતી. રહ્યો સવાલ મુંબઈનો તો, ન્યાયિક કમિશન દ્વારા નામ અપાયેલ પક્ષ, જે એ હિંસા માટે જવાબદાર હતો તે આજે સત્તા પર છે અને લગભગ કોઈ ગુનેગારને સજા કરવામાં આવી નથી. ડિસેમ્બર ૬ના પ્રત્યાઘાતો યથાવત જીવ્યા કરે છે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top