ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

તુચ્છ જીવનનો ઊમરો ન ઓળંગવા મજબૂર

આગામી પરિષદમાં રજૂ થનાર, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને લગતું વિધેયક  તેઓ પ્રત્યે તદ્દન સંવેદનારહીત અને ઊતરતા સ્તરનું છે. 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

સરકાર દ્વારા ભારતના ટ્રાન્સજેન્ડર સમુદાય અને લૈંગિક લઘુમતીઓને લગતું વિધેયક (બિલ) આગામી પરિષદ સત્રમાં રજૂ થવા માટે તૈયાર છે. એ બિલ વાસ્તવમાં ઘણાં મુકદ્દમા અને સંઘર્ષ પછી મેળવેલા તેઓના (ટ્રાન્સ, ઇન્ટરસેક્સ અને જેન્ડર વેરિયાન્ટના) અધિકારોને ફગાવી દેતું હોઈ આ સમુદાય અને એના અધિકાર કાર્યકરોમાં મોટો આઘાત અને ભારે નારાજગી ઊભી થઈ છે. ધ ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ) બિલ ૨૦૧૬,  ટ્રાન્સજેન્ડર સમુદાયની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજાવનાર તમામ ચુકાદાઓ જેમકે, ૨૦૧૪માં સરકાર દ્વારા નિમાયેલ નિષ્ણાત સમિતિની ભલામણો, ૨૦૧૫માં સર્વોચ્ચ અદાલતના ચુકાદા, તેમજ ૨૦૧૫માં રાજ્ય સભામાં ખાનગી સદસ્યના બિલને મળેલી સર્વસંમતિ પર પાણી ફેરવી નાખે એવું છે. સૌથી ખરાબ તો એ છે કે, સામજીક ન્યાય અને સશક્તિકરણ પર રજૂ થયેલ ૪૩મા અહેવાલ પર સંસદીય સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણોને સરકારે નકારી કાઢી છે. એ અહેવાલમાં ટ્રાન્સ, ઇન્ટરસેક્સ અને લૈંગિક નાગરિકના સમુદાયની માગને અવગણવા માટે સરકારની આકરી ટીકા કરવામાં આવી હતી.

ટ્રાન્સ જેન્ડરની ઓળખની વ્યાખ્યાથી માંડીને પોતે કઈ રીતે ઓળખાવવા માંગે છે, એ નક્કી કરવાના વ્યક્તિગત હક્કની વાત હોય; કે પછી, પોતાના પરિવારજનો ત્યજી દે ત્યાર પછી તેઓને આશરો આપતો કોઈ બીજો વિકલ્પ જરૂરી છે એ હકીકત સ્વીકારવાની વાત હોય; અથવા, તેઓના અપૂરતાં શિક્ષણ અને જીવન-ધોરણોને ફેરવીને સુધાર કરવામાં મદદની વાત હોય; કે પછી, આ લોકોની વિરૂદ્ધ જેઓ પક્ષપાત બતાવે છે તેઓને સજારૂપે દંડ ફટકારવાના આરક્ષણોની વાત હોય, હાલનું બિલ આ બધી જ બાબતોમાં પાછું પડે છે. વ્યક્તિની જાતિયતા એ માનવીય વિકાસ, ઓળખ, આદર્શો, મૂલ્યો અને ધ્યેયોનો આધાર સ્તંભ છે, એ હવે સર્વ-સ્વીકૃત હકીકત છે. એ વિચાર જરાય વિવાદાસ્પદ નથી કે વ્યક્તિની "જાતિય ઓળખ" શારીરિક હોઈ જૈવિક છે, જ્યારે કે "લિંગ" એક સામાજિક રચના છે. તેમ છતાં, આ બિલ આવી કોઈ હકીકતોને ગણકારતું નથી. આ બિલમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિની વ્યાખ્યા જો ઊતરતા સ્તરની ન કહેવાય તો કંઈ નહિ, પણ હાસ્યસ્પદ જરૂર છે. એ વ્યખ્યા આમ જણાવે છે, ‘ટ્રાન્સજેન્ડર વ્યક્તિ એટલે એવી વ્યક્તિ જે પૂરેપૂરી સ્ત્રી પણ ન કહી શકાય અથવા પૂરેપૂરો પુરુષ પણ ન કહી શકાય; અથવા જે સ્ત્રી-પુરૂષનું સંયોજન છે; અથવા નથી પુરૂષ કે નથી સ્ત્રી; એક એવી વ્યક્તિ જેની પોતાની લૈંગિક ઓળખ વિશેની સમજણ તેના જન્મ વખતે નક્કી કરવામાં આવેલી લૈંગિક ઓળખથી મેળ ખાતી નથી, અને એમાં ટ્રાન્સ પુરુષ, ટ્રાન્સ સ્ત્રી, મધ્યલિંગી ભિન્નતા અને લૈંગિક વિલક્ષણો ધરાવનારનો સમાવેશ થાય.’ ટ્રાન્સજેન્ડર સમુદાયે સૂચવ્યું છે કે તેઓની વ્યાખ્યા એવી વ્યક્તિઓ તરીકે કરવામાં આવે જેઓ સામાજિક, કાયદાકીય અને તબીબી રીતે નર અથવા નારી તો છે, પણ એને તેઓ ખુદની ઓળખ તરીકે સ્વીકારતા નથી. જરૂરી નથી કે મધ્યલિંગિ વ્યક્તિ ટ્રાન્સજેન્ડર એટલે કે જન્મજાત મળેલ લૈંગિક ઓળખ કરતાં પોતાને વિપરિત ઓળખાવતી વ્યક્તિ હોય. એ જ પ્રમાણે ટ્રાન્સજેન્ડર વ્યક્તિ પણ જરૂરી નથી કે મધ્યલિંગી હોય. મધ્યલિંગી વ્યક્તિઓની વ્યાખ્યા એવી વ્યક્તિ તરીકે થાય જેઓ અસામાન્ય લૈંગિક લાક્ષણિકતાઓ (શારીરિક રચના, ગુણસૂત્ર, હોર્મોન્સ, વગેરે) ધરાવે છે, જે નર અથવા નારી હોવાના સામાજિક, કાયદાકિય કે તબીબી વર્ગીકરણને અનુરૂપ નથી.

લૈંગિક ઓળખ નક્કી કરવાના મહત્ત્વના પાંસા પર નેશનલ લિગલ સર્વિસીસ ઓથોરિટીના (NALSA v Union of India, 2015) ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે આ સમુદાયના શારીરિક સ્ક્રિનિંગ વગર સ્વ-ઓળખ આપવાના અધિકારની પુષ્ટિ કરી હતી. વાસ્તવિકતા તો એમ છે કે હાલમાં કોઈ પણ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ એક એફિડેવિટના (સોગંદનામા) આધારે પોતે જે રીતે ઓળખાવવા ચાહે એ પ્રમાણે પોતાની લૈંગિક ઓળખ જાહેર કરી શકે. પરંતુ, સૂચિત બિલ તેઓના અધિકારને રદ કરીને નવી ગોઠવણની ભલામણ કરે છે, જેમાં જિલ્લા તપાસ સમિતિઓમાં નિયુક્ત મુખ્ય તબીબી અધિકારી, મનોવૈજ્ઞાનિક કે મનોચિકિત્સક દ્વારા આવી વ્યક્તિની લૈંગિક ઓળખ નક્કી થાય. આવી ગોઠવણ કેવી પજવણી, અગવડ અને ગૂચવણભરી નીવડી શકે એની કલ્પના કરવી અઘરી નથી. કોઈ સામાજિક લાભ મેળવવા માટે કોઈ વ્યક્તિને જેમ પોતાની જ્ઞાતિનું કે પછી અપંગતાનું પ્રમાણપત્ર મેળવવું પડે, એવી જ કંઈક આ ગોઠવણ રહેશે. આશ્ચર્યની વાત તો એ છે કે, સમાજ કલ્યાણ મંત્રાલય આ મુદ્દે સમિતિને જવાબ આપે છે કે "ભારતનું બંધારણ 'લિંગ અંધ છે'” અને વ્યક્તિની લૈંગિક ઓળખ સાથે એને કંઈ લાગેવળગે નહિ, સિવાય કે એવા કિસ્સામાં જ્યાં તે કહે કે મહિલાઓ માટે ખાસ જોગવાઈ કરવી જોઈએ!

આ બિલ ઘણા તરૂણો અને કિશોરોની કફોડી સ્થિતિની નાજુકાઈને અવગણે છે, જેમ કે પરિવાર પાસેથી અપેક્ષિત સમજણ અને સહાયનો અભાવ, જેનો તેઓ સામનો કરતા હોય છે. બિલ જણાવે છે કે કોઈ ટ્રાન્સજેન્ડર વ્યક્તિને પોતાના માબાપ કે વાલી તરીકેના સગાઓ પાસેથી દૂર કરવા નહિ, સિવાય કે વ્યક્તિના હિતાર્થે કોઈ સક્ષમ કોર્ટ એવો હુકમ આપે તો, તેમજ જો પરિવાર તેની સંભાળ રાખવા સક્ષમ ન હોય તો જ એ વ્યક્તિને રીહબિલિટેશન (સુધારણ) કેન્દ્રમાં મૂકવામાં આવે. લાંબા સમયથી ટ્રાન્સજેન્ડર સમુદાય એવી માંગણી કરી રહ્યો છે કે પરિવારની વ્યાખ્યામાં હિજરા અથવા આરાવની સમુદાયના વડીલગણનો પણ સમાવેશ કરવામાં આવે, જેઓ આવી વ્યક્તિઓને દત્તક લઈ એવી ખાતરી અપાવે કે તેઓને કોઈ જોખમ રહેશે નહિ તેમ જ હિજરા પરિવારને એ માટે ગુનેગાર ઠરાવવામાં આવશે નહિ. આરોગ્ય, હકારાત્મક પગલાં અને બહુ ઓછામાં પોતાનું ગુજરાન ચલાવી શકવા મજબૂર થઈને કરવી પડતી, ટ્રાન્સ સમુદાયનું મહત્ત્વ ઘટાડનારી, પ્રવૃત્તિઓ ઉપરથી “ગેરકાયદેસર” મહોર હટાવવા વિશે પણ આ બિલ કંઈ જણાવતું નથી. ટ્રાન્સ સમુદાયને અત્યાચાર સામે રક્ષણ આપવા અને જેલ તેમજ કિશોર ઘરોમાં આવા સભ્યોને સુરક્ષિત રાખવા વિશે કાયદામાં કોઈ દંડલક્ષી જોગવાઈઓ પણ નથી.

આ બધા ઉપરથી સાફ દેખાઈ આવે છે કે આ જટિલ અને સૂક્ષ્મ કોયડાને હાથ ધરવામાં સરકારે કઠોર અને બેદરકાર અભિગમ અપનાવ્યો છે. ટ્રાન્સ જેન્ડર વ્યક્તિઓને (હિજરાઓ કે આરાવાનીઓ) મોટા ભાગે ધૂતકારવામાં આવે છે અને તેઓની મજાક ઉડાવવામાં આવે છે. તેમ જ, થોડા સમય પહેલાં જ તેઓની એ ઓળખને કાયદાકીય રીતે સ્વીકૃતી મળી છે. એના લીધે, રાજકારણ અને સમાજિક કે આર્થિક પ્રવૃત્તિઓમાં તેઓની ભૂમિકા ન બરાબર જ રહી છે. ઉપરાંત, પોલિસો અને સાર્વજનિક આરોગ્ય સંસ્થાઓ પાસેથી તેઓને ક્રૂર અને સંવેદનારહિત વર્તનનો સામનો કરવો પડ્યો છે. આવા પ્રકારનું વિધેયક ફક્ત સરકાર જ નહિ, પણ આપણા સમાજનીય ખરાબ છબી ઊભી કરે છે. એની અવગણના ન જ થવી જોઈએ. 

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top