ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

બંધ અને તેની પાછળની સચ્ચાઈ

સરદાર સરોવર બંધ અન્યાયી અને ટુંકાગાળાના વિકાસનું જીવંત ઉદાહરણ છે. 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

તોડ મરોડવળી હકીકતો અને લોકોને ભાવનાત્મક રીતે ઉશ્કેરવાના જમાનામાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭મી સપ્ટેમ્બરે, એમની ૬૭મી વર્ષગાંઠના રોજ વિવિધ ઉપયોગવાળા સરદાર સરોવર બંધનું ઉદ્ઘાટન કરતી વખતે કરેલ નિવેદનોથી કોઈ આશ્ચર્ય થવું જોઈએ નહિ. બંધના પ્રોજેક્ટના ત્રણ દાયકાના વિવાદાસ્પદ ઇતિહાસની સરેઆમ અવગણના કરતા મોદીએ દાવો કર્યો, “મેં નક્કી કર્યું કે વર્લ્ડ બેન્કના સહયોગથી કે સહયોગ વગર, આપણે પ્રોજેક્ટ આગળ ધપાવીશું”. જયારે હકીકત કંઇક જુદીજ છે.તેમણે એવો પણ દાવો કર્યો હતોકે, વર્લ્ડ બેન્કે ભંડોળ પરુ પાડવાનું બંધ કર્યું ત્યારે, “ગુજરાતના મંદિરો” માંથી મળેલ દાનની રકમ દ્વારા પ્રોજેક્ટને નાણાકીય સહાય પૂરી પડાઈ હતી. ફરી એકવાર, તેઓ સચ્ચાઈને ખેંચી તાણીને રજુ કરી રહ્યા હતા.

નર્મદા નદી પર બાંધવામાં આવી રહેલ ૩૦ મોટા, ૧૩૫ માધ્યમ કક્ષાના અને ૩૦૦૦ નાના નાના બંધોમાંથી એક, સરદાર સરોવર બંધ માટે નાણા, મંદિરો દ્વારા આપવામાં નથી આવ્યા. આ નાણા,ડોલર ૩૦૦ મિલિયનની સહાય આપ્યા પછી, વર્લ્ડ બેન્કે, ૧૯૯૩માં તેનો છેલ્લો હપ્તો ચૂકવવામાંથી પાછી પાની કરી ત્યારબાદ સરકારી ભંડોળમાંથી ચૂકવાયા હતા. વર્લ્ડ બેન્કના નિર્ણય પાછળનું કારણ અને બંધના વિરોધમાં લોકોના સંઘર્ષના કથાનક આ પ્રોજેક્ટના ઇતિહાસનો ભાગ છે. અને આ ઇતિહાસને આપણે વધુ પડતા આડંબર વગર યાદ રાખવોજ રહ્યો કેમકે એમાથીજ ભારતે આગળ જતા જરૂરી પાઠ શીખવાનો છે. મોદી દ્વારા આને “એક ઉગ્ર ખોટી માહિતીઓના અભિયાન” તરીકે નકારી દેવાયાથી, દેખાય રહ્યું છે કે સત્તામાં ગમેતે પક્ષની સરકાર હોય, એક જવાબદાર,સમતાયુકત અને લાંબાગાળાના વિકાસના સંદેશને હજી સ્થાન મળતા વાર લાગશે.

વર્લ્ડ બેન્કે આ પ્રોજેકટમાંથી હટી જવાનો નિર્ણય લેતા પહેલા આ પ્રોજેક્ટનો એક સ્વતંત્ર રીવ્યુ કરાવ્યો હતો. આ રીવ્યુમાં જણાયું હતુકે પ્રોજેક્ટના પુનર્વસવાટ અને પુન:સ્થાપનાનું કાર્ય તેમજ પર્યાવરણીય બાબતો “બેન્કની નીતિઓ અનુસાર હાથ ધરવામાં આવી નહોતી”. આનેલીધે બેંક પાસે પાછા હટવા સિવાય બીજો કોઈ ચારો બચ્યો નહોતો. રીવ્યુના આંકલનમાં નર્મદા બચાઓ આંદોલન અભિયાન દ્વારા વિસ્થાપિતોના હક બાબત પણ ચિંતા વ્યક્ત કરાઈ હતી. વાસ્તવમાં વિશ્ભરમાં ઘણાબધા પ્રોજેક્ટોમાં પણ આજ પ્રકારની ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેણે કારણે મોટા બંધો બાબતે પુનર્વિચારણા શરુ થઇ છે અને ૧૯૯૮માં વર્લ્ડ કમીશન ઓન ડેમ્સની સ્થાપના કરવામાં આવી છે. આ પછી આવા પ્રોજેક્ટો  માટે ભંડોળની ખેંચ ઉભી થઇ છે કેમકે આવા ઉપક્રમોના મોટા કદને કારણે મોટા પાયા પર સામાજિક અને પર્યાવરણીય મુશ્કેલીઓ ઉભી થાય છે તેમ જણાયું છે.

એ યાદ કરવું ઉપયોગી થશે કે જવાહરલાલ નેહરુએ પણ બંધોણે “મંદિરો” કહ્યા હતા અને તેમણેજ ૧૯૬૧માં સરદાર સરોવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેમના અવાજમાં “વિશાળતા” માટેની ઘેલછા છતી થતી હતી. એ એવો સમય હતો જ્યારે માનવામાં આવતું હતું કે પ્રોજેક્ટ જેટલો વિશાળ, એટલીજ એમાં વધુ લાગત લાગશે અને એટલોજ વધુ એનો ફાયદો મળશે. આમછતાં, છેવટે જ્યારે ૧૯૮૭માં સરદાર સરોવરનું બાંધકામ શરુ થયું તે પહેલાજ આ વિચારો સામે પ્રશ્નો ખડા થઇ ગયા હતા. સૌ પ્રથમ,સામાજિક અને પર્યાવરણીય ખામિયાજા બાબત ચુતાછાવાયા પ્રશ્નો પુછવા શરુ થઇ ગયા હતા. વિશાળકાય ૧૩૮.૬૮ મીટર ઊંચા સરદાર સરોવર બંધના બાંધકામમાં લાગેલ ત્રણ દાયકાના સમયગાળામાં, આ મુદ્દાઓની અધિકૃતતા ઘણી વધી ગઈ છે. ખર્ચનું વળતર હવે માત્ર આંકડાનો ખેલજ નથી રહ્યો પણ લોકોને અને પર્યાવરણને થનારી અસરની કિંમત પર પણ ચર્ચા કરવી જરૂરી બની છે.

મોદી લોકોને એવું પણ મનાવવા માંગે છેકે અનેક અડચણો છતાં પ્રોજેક્ટ એમના કારણે જ પૂરો થઈ શક્યો છે. એ વાત સાચી છે કે તેમણે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રોજેક્ટને ગુજરાતી અસ્મિતાનો મુદ્દો બનાવ્યો હતો, અને દરેક આલોચકને ગુજરાતી વિરોધી કહેવામાં આવ્યા હતા, છતાં હકીકત એ જ છે કે આ પ્રોજેક્ટ પૂરો થવાનું કારણ તે વખત કેન્દ્રમાં રહેલ સરકારની “વિશાળ જ સુંદર હોવાની” માન્યતા હતી. નર્મદા બચાઓ આંદોલન દ્વારા વર્ષોના સંઘર્ષ અને વિસ્થાપીતીનું પુન:સ્થાપન અને પુનર્વસવાટ ના મુદ્દાને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હોવા છતાં, નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ ૨૦૧૪મ ભારતીય જનતા પાર્ટીની જીત થયાના થોડાકજ મહિનાઓમાં આ બંધનું બાંધકામ પૂર્ણ કરવાના માટે લીલી બત્તી આપી દીધી હતી.આ બધા છતાં, નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ હાલના ૧૩૮.૬૮ મીટરના સ્તર, જેને વિદ્વાનો, પાણીના નિષ્ણાતો અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા ખુલ્લા પત્રના માધ્યમથી,”ઉતાવળો,સમજ્યા વિનાનો અને વિનાશકારી” ગણાવવામાં આવ્યો છે, તેને માટે કઈ રીતે સંમતિ આપી એ મોટો પ્રશ્ન છે,અથવાતો મોદી એવું જણાવે કે તેમણે આમ કરાવ્યું છે.

નર્મદા નદી પર બંધાયેલ સરદાર સરોવર અને બીજા બંધો બાબતે પાનાંઓ ણે પાનાંઓ ભરીને લખાયું છે. અભ્યાસોમાં જણાયું છેકે, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, ત્રણેય રાજ્યોમાં પુનર્વસવાટ માટેની નીતિઓ અધુરી છે. મધ્યપ્રદેશમાં, જ્યાં સૌથી વધુ લોકો વિસ્થાપિત થયા છે ત્યાં, કેટલા પરિવારો વિસ્થાપિત થયા છે તે હજુ અચોક્કસ છે. નર્મદા વોટર ડીસ્પ્યુટસ ટ્રીબ્યુનલ અવોર્ડ દ્વારા ફરજીયાત, “જમીન ની સામે જમીન” આપવાની નીતિનો, મધ્યપ્રદેશની સરકારે વિરોધ કર્યો છે અને વિસ્થાપિતોને રોકડ વળતરની ચુકવણી કરવાની ઓફર કરી છે. આને કારણે હજી આજે પણ હજારો દુઃખી પરિવારો, તેમની જમીન ડૂબમાં જાય તે પહેલા,વ્યાજબી પુન:સ્થાપન માટે લડત આપી રહ્યા છે. જ્યારે પ્રોજેક્ટના ફાયદાઓ બાબત અતિશયોક્તિભર્યા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ઘણીબધી નાલ્ખાકીય સુવુધાઓ, જેવીકે સિંચાઈ માટે નહેરોનું બાંધકામ,હજી બાકી છે.અને આને કારણે થનાર વધારાના વિસ્થાપનની આંકણી હજી સુધી કરવામાં આવી નથી. આ, મોદીના કહેવા પ્રમાણે, “ઈજનેરી ચમત્કાર” ખુબ પોતાની જમીન અને રોજગાર ગુમાવનાર લોકો દ્વારા મોટી કિંમત ચૂકવાઈને આવ્યો છે, જેમને આમાં કોઈ લાભ મળનાર નથી. આ બધા પછી, મોદી દ્વારા આ બંધને કારણે વિસ્થાપિત થયેલ આદિવાસીઓના “બલિદાન” માટે આભાર પ્રકટ કરવો, ચોક્કસપણે અસંવેદનશીલાતાનો માસ્ટરસ્ટ્રોક જ ગણાવો જોઈએ.          

Updated On : 13th Nov, 2017
Back to Top