ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

એક ખાસ કાળજી માંગતી પરિસ્થિતિ

અવરોધો છતાં, અલ જઝીરા નેટવર્ક તેના પર હાવી કથાનકોનો પડકાર ઝીલી રહ્યું છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

૨૩જુન ૨૦૧૭ના રોજ સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના દેશોના જૂથ દ્વારા કતાર પર આર્થિક અને રાજનૈતિક સેન્કશન નાખતી વખતે તેમના દ્વારા કરાયેલ ૧૩ માંગણીઓ પૈકીની એક માંગણી એ છે કે અલ-જઝીરા સમાચાર નેટવર્કને બંધ કરાવી દેવામાં આવે. આ બાબત જરાયે આશ્ચર્યજનક નથી. ૧૯૯૬માં તેની સ્થાપના થઇ ત્યારથી લઈને આજસુધી પોતાને સટીક રીતે “આરબ જગતની સૌપ્રથમ સ્વતંત્ર ન્યુઝ ચેનલ” જણાવી રહેલ આ ચેનલ ઘણીબધી રાજાશાહીઓ અને સરમુખત્યારશાહીઓની આંખમાં કાંટાની જેમ ખૂંચી રહી છે. આ ચેનલનું સંચાલન ૨૦૧૬માં અમેરિકા સ્થિત ફ્રીડમ હાઉસ દ્વારા “બિન સ્વતંત્ર” જાહેર કરાયેલ દેશ કતાર થી થઇ રહ્યું છે તેમ છતાં ચોક્કસપણે આ ચેનલ આ ક્ષેત્રમાં સંચાલિત થઇ રહેલ અન્ય તમામ ન્યુઝચેનલો કરતા વધુ સ્વતંત્ર છે. હકીકત એ છે કે અલ જઝીરા અરેબિક (એજેએ) ની સ્થાપના પાછળ સાઉદી અરેબિયાની બિનઆયોજિત ઉદાર નીતિ જવાબદાર છે જેની હેઠળ તેણે બીબીસીની અરેબીક સેવા બંધ કરીને તેના તમામ ૧૫૦ સારી રીતે તાલીમ પામેલા પત્રકારોને રાતોરાત નવી ચેનલમાં જોડાવા માટે મુક્ત કર્યા.

વિશ્વભરમાં અલ જઝીરા અંગ્રેજી (એજેઇ) જોવાય છે, જેણે તેના વ્યવસાયી અનુશાસન અને વિશ્વસનીયતા માટે બીજાને ઈર્ષ્યા થાય તેવી પ્રતિષ્ઠા બનાવી છે અને આરબ જગત અને ઉત્તર આફ્રિકાની ખબરો, અન્ય પશ્ચિમી જગત આધારિત સમાચાર ચેનલોની સરખામણીમાં વધુ સચોટ, વિગતવાર અને તેના મૂળ પરિપ્રેક્ષ્યમાં આપે છે પણ તેની અરેબિક ચેનલે આરબ જગતના રાજાશાહી શાસકો ની રાતની નીંદર હરામ કરી દીધી છે. અલ જઝીરા અરેબિક (એજેએ) એવા અવાજોને સ્થાન આપ્યું છે જે સામાન્ય રીતે મીડિયા ઉપર આટલા ચુસ્ત નિયંત્રણ ધરાવતા દેશોમાં સંભવ નથી. આ ચેનલ ટ્યુનિશિયા અને ઇજિપ્ત માં યથાકથીત "આરબ સ્પ્રિંગ" ના વ્યાપક અને જીવંત કવરેજ માટે જવાબદાર છે અને તે દુનિયાની એકમાત્ર એવી ચેનલ છે જેણે ૯/૧૧ પછી ઓસામા બિન લાદેન સાથેની મુલાકાત દર્શાવી હતી. ચોક્કસપણે આવા કવરેજને કારણે તેની દર્શકસંખ્યા માં વધારો થયો છે પણ આ સાથેજ તેના પાડોશી દેશો તેને શંકાસ્પદ નજરે જુએ છે કેમકે કતારનું શાહી પરિવાર તેને પ્રોત્સાહન આપે છે અને તેની માલિકીમાં કેટલોક હિસ્સો પણ ધરાવે છે. આ સમાચાર સંસ્થા પર મુસ્લિમ ભ્રાતૃત્વ અને અન્ય રેડીકલ જૂથો બાબતે સૌમ્ય વલણ ધરાવવાનો તેમજ કૈરોમાં સ્થિત તહરીર સ્ક્વેરમાં સક્રિય વિરોધીઓને પ્રોત્સાહન આપવાના આક્ષેપો થાય છે જેને તે ધરમૂળથી નકારે છે. તે દલીલ કરે છે કે ક્રાંતિકારી ઇસ્લામિકવાદ જૂથોના અવાજને પણ સ્થાન આપવું એ તેની વ્યાવસાયિક ફરજ છે જેને સાઉદી નેતૃત્વ હેઠળના જૂથો માનવા તૈયાર નથી અને આને ઇરાદાપૂર્વકની ઉશ્કેરણી તરીકે જોવામાં આવે છે.

૨૦૧૩માં, અલ જઝીરાને તેની ચેનલ લાઇવ ઇજિપ્તની કૈરો ઓફીસ બંધ કરવાની ફરજ પડી હતી તેનું કારણ એ હતું કે તે ઇજિપ્તના પ્રમુખ અબ્દેલ ફત્તહ અલ-સીસી ની ટીકા કરતું હતું. જોકે તેણે આ ચેનલ દોહાથી પ્રસારિત કરવાનું ચાલુ રાખ્યું હતું અને ૨૦૧૪માં ઇજિપ્તની સરકાર તરફથી દબાણ થતાં કતાર સરકારે તેને બંધ કરાવવાની મંજૂરી આપી હતી. આમ આ કહેવાતી "સ્વતંત્ર" સમાચાર ચેનલની વાત આવે ત્યારે કતાર સરકાર સંપૂર્ણ રીતે એનાથી અલિપ્ત નથી. જોકે કતારની બંધારણીય કલમ ૪૭ અભિવ્યક્તિની સ્વતંત્રતાની ખાતરી આપે છે પરંતુ "સંજોગો અને શરતો પ્રમાણે”, અને આ શરતોમાં રાજાશાહીની ટીકા કરવી અથવા કતારની પરિસ્થિતિનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ૨૦૧૩માં મીડિયા ફ્રિડમના દોહા કેન્દ્રના ડિરેક્ટર જાન કેયુલેને તાત્કાલિક ધોરણે કાઢી મુકવામાં આવ્યા હતા કારણ કે આ કેન્દ્રએ ખાડીના છ દેશોમાં પ્રવર્તમાન દમનકારી મીડિયા કાયદાઓ પર અહેવાલ આપ્યો હતો અને કતારમાં મીડિયાને વધુ સ્વતંત્રતા આપવા માટે દલીલ કરી હતી. કતારમાં કાર્યરત કુલ કર્મચારીઓના ૯૪% કર્મચારીઓ જેઓ મોટા ભાગે દક્ષિણ એશિયાના દેશોમાંથી સ્થળાંતર કરીને આવ્યા છે તેમની કામ કરવાની વિકટ પરિસ્થિતિ અંગેનું કોઈપણ ટીકાત્મક રીપોર્ટીંગ પણ કતારની સરકાર સહન નહિ કરે.  

અલ જઝીરા આ પ્રદેશમાં પહેલીજ એવી ચેનલ નથી જેના પર બહારના બીજા દેશોમાંથી દબાવ બનાવવામાં આવ્યો હોય. ૨૦૦૭માં, બે પાકિસ્તાની ચેનલો, જીઓ અને એઆરવાય વન વર્લ્ડ,  દુબઇ મીડિયા સિટીથી તેમની ચેનલોનું સંચાલન કરતા હતા, જ્યાં તેમને ખાતરી આપવામાં આવી હતી સરકાર દ્વારા સમાચાર સામગ્રીમાં કોઈપણ પ્રકારની દખલગીરી કરવામાં નહિ આવે.  તેમછતાં, યુનાઇટેડ આરબ અમીરાત, પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ દ્વારા તેમને બંધ કરવાની માંગણી આગળ ઝુકી ગયું હતું. છેવટે તેમને સમાચાર નહિ પરંતુ ફક્ત મનોરંજન પ્રસારિત કરવાની પરવાનગી આપવામાં આવી હતી.

જ્યારે અલ જઝીરા અંગ્રેજી (એજેઇ) ને વિવિધ આંતરરાષ્ટ્રીય પત્રકારોની સંસ્થાઓ તરફથી ટેકો મળ્યો છે ત્યારે, નેટવર્કને બંધ કરવા માટેની માંગને માત્ર અભિવ્યક્તિની સ્વતંત્રતા કે પ્રેસ પરના હુમલા તરીકે વર્ણવી શકાય નહીં. અલ જઝીરાની સ્થિતિ અત્યંત નાજુક અને ખાસ કાળજી માંગતા છોડ જેવી છે જેનો ઉછેર અને પોષણ એવા પ્રદેશમાં થયો છે જ્યાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અથવા પ્રેસ જેવી કોઈ વસ્તુ માટે કોઈ જગ્યા નથી. દરેક દેશમાં  સંપૂર્ણ રાજાશાહી અથવા સરમુખત્યારશાહી છે. આમાંના મોટાભાગના દેશો માટે મીડિયા એક સરળ પ્રચાર માધ્યમ છે અને સ્પષ્ટ રીતે નિર્ધારિત સીમાઓમાં રહીનેજ કાર્ય કરે છે. પત્રકારોને નિયમિતપણે ધમકીઓ મળે છે અને જો તેઓ આ સીમાને ઓળંગે તો તેમને જેલમાં પણ પૂરી દેવામાં આવે છે. અલ જઝીરાને પણ કતારની રાજાશાહી દ્વારા આશ્રય એટલા માટેજ મળ્યો હતો કારણ કે તે પણ જ્યાં સુધી દેશના આંતરિક રાજકારણ સંબંધ છે, ત્યાં સુધી આ સીમાની અંદર રહીને જ કાર્ય કરતુ હતું.

અત્યાર સુધી, કતારે સાઉદી આગેવાની હેઠળના જૂથની કોઈપણ માગણીઓને સ્વીકારી નથી. પરંતુ જો સમાધાન લાવવા માટે  કતાર, અલ જઝીરા ચેનલ બંધ કરવા માટે અથવા તો તેના સ્તરને નીચું લાવવા માટે  સંમત થાય તો તે અત્યંત દયનીય સ્થિતિ હશે. એમાં કોઈ શંકા નથી કે આ ક્ષેત્ર માટે અને પુરા વિશ્વ માટે આ એક મોટું નુકસાન હશે કારણ કે અલ જઝીરાએ અસરકારક રીતે સાબિત કરી આપ્યું છે કે મર્યાદાઓ વચ્ચે પણ, વિવિધ પ્રકારના વિચારોને પ્રસ્તુત કરવા અને પ્રભાવશાળી દબાવોને પડકારવા શક્ય છે.

Updated On : 13th Nov, 2017
Back to Top