ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

'પવિત્ર ગાય' ની રાજનીતિ

બજાર દ્વારા વધ કરવા માટેના ઢોરોના વેચાણ પર પ્રતિબંધ મૂકતા નવા નિયમો ગેરબંધારણીય અને બિન-હિન્દુ છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

ગુજરાત, હિમાચલપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂકતા સૌથી વધુ કડક કાયદા છે. જ્યારે પશ્ચિમ બંગાળ, કેરળ, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરા જેવા અન્ય રાજ્યો ગૌહત્યા પર પ્રતિબંધ મૂકતા નથી. ઓડિશા, આસામ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને તમિળનાડુ જેવા રાજ્યોમાં, માત્ર શરતી પ્રતિબંધ છે અને "કતલ માટે યોગ્ય" ગાય અને બળદો, કામ માટે અયોગ્ય હોવા જરૂરી છે. છેલ્લાં ત્રણ વર્ષથી કેન્દ્રની સત્તામાં રહેલ ભારતીય જનતા પાર્ટી (ભાજપ), સ્પષ્ટરૂપે જાણે છે કે ૧૯૮૦ ના દાયકાના ઉત્તરાર્ધથી થયેલો તેમનો અદભૂત ઉદય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) બ્રાન્ડના ઉગ્ર હિન્દુત્વવાદી રાષ્ટ્રવાદના સંયુક્ત રાજકીય પ્રદર્શનનું પરિણામ છે. તેથી હવે, એવા રાજ્યોમાં જ્યાં અત્યાર સુધી તેમની સત્તામાં આવવાની શક્યતાઓ નહીવત હતી, ત્યાં પણ સત્તામાં આવવા માટે, ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે દેશભરમાં ઢોરની હત્યા પર આડેધડ પ્રતિબંધ મૂક્યો છે. આ માટે તેણે, પ્રાણીઓ પર થતાં અત્યાચારોની રોકથામ અધિનિયમ (પ્રિવેન્શન ઓફ ક્રુએલટી ટુ એનિમલ્સ એક્ટ) (પીસીએએ),૧૯૬૦ હેઠળના નિયમોમાં સુધારા કર્યા છે. નવા નિયમો દેશભરમાં બજારો દ્વારા કતલ માટેના ઢોરોના વેપાર પર પ્રતિબંધ મુકે છે, અને પરિણામ સ્વરૂપે ભારતમાં ઢોરોની કતલને બંધ કરવા માંગે છે.

અલબત્ત, ભાજપ કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં જ્યાં સત્તાપક્ષ માં છે, ત્યાં તેમનો ટેકો ધરાવતા, કહેવાતા ગૌરક્ષકો (પોતેજ બની બેઠેલ ગાય સંરક્ષક) એ, એક નવાજ પ્રકારનો આતંકવાદ- ગૌઆતંકવાદ શરૂ કર્યો છે, જે મુસ્લિમો અને દલિતો સામે હિંસા અને દબાવનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવાની હિન્દુત્વવાદી રાજકીય સંસ્કૃતિ સાથે સુસંગત છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભાજપના રમણ સિંહે ગાયને નુકસાન પહોંચાડનાર વ્યક્તિને ફાંસીએ લટકાવી દેવાની ધમકી આપી હતી. તેમના ગુજરાતના પ્રતીરુપકે, ગાયના રક્ષણને, વિશ્વને આધ્યાત્મિક અને નૈતિક અધઃપતનથી બચાવવા સાથે સાંકળવાનો પ્રયાસ કર્યો હતો! અને, રાજસ્થાન સરકારના એક પ્રધાને, જ્યાં એપ્રિલમાં આ વર્ષે ગૌરક્ષકો દ્વારા પહલુ ખાનને, જ્યારે તે ઢોરબજારમાંથી બળદોની ખરીદી કરીને લઇ જઈ રહ્યો હતો ત્યારે તેને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો, તેની હત્યા કરનારાઓને બચાવવા માટે પોલીસને ગાયોની કતલ કરવાવાળાઓ સામે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. આખરે પહેલુ ખાન તેને થયેલ ઇજાઓથી મૃત્યુ પામ્યો હતો. અનુમાનિતપણે, ગૌહત્યા માટે સંમતિ આપવી એ મનુષ્યોને ગંભીર ઈજા પહોંચાડવા તેમજ મારી નાંખવા સહિતના ગુનાઓ કરતાં મોટો ગુનો છે.

ન્યાયતંત્ર, જે જાણે છે કે બંધારણ ગાયને ધાર્મિક આધાર પર રક્ષણ આપતું નથી (આર્ટીકલ ૪૮ ના નિર્દેશન સિદ્ધાંતોએ જ્યાં તે કૃષિ અને પશુપાલનનાં હિતો પર પ્રતિકૂળ અસર કરે છે ત્યાંજ ગાયની હત્યા કરવાની મનાઈ ફરમાવી છે, તેણે પણ ૨૦૦૫માં ગાય અને તેની પ્રજાતિની કતલ પર કુલ પ્રતિબંધને સમર્થન આપ્યું હતું. સાત ન્યાયાધીશની બનેલ બેન્ચે એવો દાવો કરતા નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો કે જ્યારે ગાય અને બળદ પ્રજનન અથવા અન્ય કાર્ય કરવા માટે અયોગ્ય બની જાય છે, ત્યારે પણ તેમના પેશાબ અને છાણથી બાયોગેસ અને તબીબી ફોર્મ્યૂલેશન ઉત્પન્ન કરી શકાય છે અને તે હજુ પણ ઉપયોગી છે. શું ખરેખર કહી શકાય ખરુંકે આ ચુકાદા પાછળ બિનઉત્પાદક ગાયની પણ “ગાય માતા” તરીકે પૂજા કરવાની હિંદુ શ્રદ્ધાળુઓની ધાર્મિક વિચારસરણીનો કોઈ પ્રભાવ નથી?

શું બિનદૂધાળ અને બિનઉત્પાદક ઢોરની કતલ પર પણ રોક લગાવવી એ સંસાધનોની બરબાદી (ઉદાહરણ તરીકે ઢોરો માટે ચારો) ની સાથે સાથે, તેમને ધીમીગતીએ મૃત્યુ તરફ દોરી જવા બરાબર નથી, તેમજ એ પણ  મહત્વનું છે કે આનાથી  ઘણા લોકોને તેમની આજીવિકા અને મુખ્ય ખોરાકથી વંચિત કરતુ નથી?  શું આ રોકથી બહિષ્કૃત દલિતો, આદિવાસી લોકો, મુસ્લિમો, ખ્રિસ્તીઓ, શીખો અને કેટલાક  હિન્દુઓને, જે થોડા ઘણા પ્રાણીજન્ય પ્રોટીન સુધી અઠવાડિયે એકાદ બે વાર પણ તેમની પહોંચ છે, તેનાથી વંચિત નહીં કરે?  આ સાથેજ, પીસીએએ હેઠળ ના નવા નિયમો કલમ ૪૮ દ્વારા પ્રદાન કરાયેલ નીતિનિર્માણના માર્ગદર્શન મુજબના લાગતા નથી.

હાલમાં વડા પ્રધાનની આગેવાની હેઠળની સત્તામાં રહેલ ભાજપની વિચારધારા, હિંદુવાદ જે આધ્યાત્મિક મુક્તિને પ્રાપ્ત કરવા માટેની માન્યતાઓ અને શ્રધ્ધાઓનો એક મેળાવડો છે તેથી વિપરીત, હિન્દુત્વની છે. તેનો હેતુ નિરપેક્ષ રાજકીય શક્તિ પ્રાપ્ત કરવાનો અને એક ચોક્કસ પ્રકારના હિંદુત્વને ઠોકી બેસાડવાનો છે. પીસીએએ હેઠળના આ નવા નિયમો, હિંદુ ધર્મના આ અર્થઘટનને નહિ માનનારા તમામને તેમની આજીવિકા અને જીવન જીવવાની ઢબથી વંચિત કરવા માંગે છે. આ સાથેજ,  હિન્દુ ધાર્મિક ભાવનાઓમાં હેરફેર કરીને, ભાજપ મોટાભાગના લોકો ના અભિપ્રાયોને પોતાની તરફેણમાં જીતવાની આશા રાખે છે, જેથી કરીને આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં તેમજ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મત મેળવવાની સ્પર્ધામાં તેમનો હાથ ઉપર રહે.

 અનિવાર્યપણે, આ નવા પીસીએએ નિયમોને અદાલતમાં બિન-બંધારણીય તરીકે પડકારવામાં આવશે અને તે રદબાતલ થઇ શકે છે. ભાજપ ચોક્કસપણે, બહુમતી હિંદુ મતદારોને કહેશે કે ન્યાયાલય, વૈદિક સંસ્કૃતિની ભવ્યતાની પુન:સ્થાપના માટેના "આપણા" માર્ગમાં બાધા નાંખે છે! જયારે મુદ્દાની વાત એ છે કે વૈદિક કાળમાં અને વૈદિક કાળ પછીની સદીઓ દરમિયાન ગાયને અલંઘ્ય માનવામાં આવતી નહોતી. જાનવરોનો વધ અને ગોમાંસનો ઉપયોગ પણ તે વખતે, નૈતિક અથવા "કાનૂની" ઉલ્લંઘનની સૂચિમાં નહોતો. ખરેખર તો, ઇસવીસન પૂર્વે ૧૫૦૦ થી લઇ ૬૦૦ સુધી, "ભારત"માં ગોમાંસનું ખાવાનું ખૂબ સામાન્ય હતું. હિંદુ ધર્મના ઇતિહાસના આ ભાગને   હિન્દુત્વવાદીઓ દ્વારા પોતાની સહુલીયત મુજબ દૂર કરવામાં આવ્યો છે, જેઓ આ હકીકતોને પચાવી શકતા નથી. વાસ્તવમાં, નવા પીસીએએ નિયમો માત્ર બિનસંવેદનશીલ જ નહીં, પરંતુ બિન-હિન્દુ પણ છે.

Updated On : 13th Nov, 2017
Back to Top