ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

મા ના નામે

પ્રસુતિ લાભો અંગેના બે અલગ સરકારી નિર્ણયો માં ભેદભાવથી ઝટકો

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

એવા વખતે, જ્યારે મજૂર કાયદાઓમાં થઇ રહેલ સુધારાઓ કામદારોના અધિકારો અને કલ્યાણના પગલાંઓને સતત ઘટાડી રહ્યા છે ત્યારે આ વર્ષની શરૂઆતમાં પસાર થયેલ, પ્રસુતિ લાભ (સુધારો) અધિનિયમ (એમ.બી.એ.), ૨૦૧૭ ચોક્કસપણે આવકારદાયક છે. લોકસભામાં પસાર થયેલ,પ્રસુતિ લાભ એક્ટ, ૧૯૬૧ માં કરાયેલ સુધારા મુજબ, મહિલાઓ માટે, પ્રથમ બે જીવિત બાળકો સુધી, પુરા પગારે,૨૬ અઠવાડિયાની પ્રસૂતિની રજાઓ મંજૂર કરવામાં આવી છે, જે અગાઉ માત્ર ૧૨ અઠવાડિયાની હતી. નિઃશંકપણે, કાયદામાં આ અને આવા અન્ય ફેરફારો પ્રશંસાપાત્ર છે. સમસ્યા એ છે કે આ ફેરફારો એવી સ્ત્રીઓ અને કુટુંબોને આવરી લેવા માટે પૂરતા પ્રમાણમાં નથી કે જેઓને આ લાભોની ખરેખર જરૂરત છે. બાળક ના લાલનપાલન ની જવાબદારી, માતાપિતા બન્નેની છે તે બાબતને, આ ફેરફારો આગળ ધપાવતા નથી.  દુઃખદ વાત એ છે કે, આ સુધારાઓ ના લાભો જોઈ શકાય તે પહેલાં જ ગયા મહિને યુનિયન કેબિનેટે પ્રસુતિ લાભ કાર્યક્રમ(મેટરનીટી બેનિફિટ પ્રોગ્રામ) (આને કાયદા સાથે ભેળવશો નહિ) માં ફેરફારો કર્યા જેનાથી સંખ્યાબંધ પાત્ર ઉમેદવારો છૂટી ગયા છે. સ્પષ્ટપણે, આ માત્ર બહુ થોડા પ્રમાણમાં લાભો આપવાની વાતજ નથી, પણ એક હાથે લાભ આપીને અને બીજા હાથે તેને પાછા લઇ લેવા બરાબર છે. તાજેતરના ફેરફારો વિવિધ ક્ષેત્રની મહિલા કાર્યકરો વચ્ચે પણ ભેદભાવ પેદા કરે છે.

સુધારો કરાયેલ પ્રસુતિ લાભ અધિનિયમ, સંગઠિત ક્ષેત્રની અંદાજે ૧૮ લાખ મહિલાઓને આવરી લે છે અને ૧૦ થી વધુ કર્મચારી ધરાવતી તમામ સંસ્થાઓ પર લાગુ થાય છે. એવી તમામ ઓફિસો કે જ્યાં ૫૦ થી વધુ વ્યક્તિઓ અથવા ૩૦ થી વધુ મહિલાઓ કાર્ય કરી રહી હોય ત્યાં ક્યાંતો ઓફીસ માં અથવા તો ઓફીસની ૫૦૦ મીટરની પરિધિમાં પારણાઘર(ક્રૅચ) ચલાવવું ફરજિયાત છે અને માતાને ચાર વાર તેની મુલાકાત ની છૂટ આપવી જરૂરી છે.  જો કાર્ય ના પ્રકાર મુજબ સંભવ હોય અને કાર્ય કરાવનાર ચાહે તો નવજાતની માતા, પગાર સાથેની રજા પૂરી થયા બાદ ઘરેથી કામ કરી શકે છે. સરોગેટ માતાઓ અને ત્રણ મહિનાથી ઓછી ઉંમરના બાળકને દત્તક લેનાર સ્ત્રીઓને પણ ૧૨ અઠવાડિયાની રજા મળી શકશે. સમગ્ર વિશ્વમાં થયેલ સંશોધન અને અનુભવે સ્થાપિત કર્યું છે કે પ્રસુતિની રજા શિશુ મૃત્યુના જોખમને ઘટાડે છે અને, સુધારેલ સ્તનપાન દરને લીધે, શિશુને વધુ સારું પોષણ પૂરું પાડે છે. તે માતાઓને પણ નોંધપાત્ર પ્રમાણમાં, તણાવ નો સામનો કરવા માં મદદ કરે છે.

જો કે, ભારતમાં રોજગારી સાથે સંકળાયેલ સામાજિક અને આર્થિક મુદ્દાઓને જોતાં, લગભગ દરેક વખાણવાલાયક કલ્યાણકારી માપદંડ ની સાથે એક શંકા બની રહે છે કે, નોકરીદાતાઓ આનો ખર્ચ ગણતરી કરશે અને સ્ત્રીઓ ને નોકરીએ રાખતા ખચકાટ અનુભવશે. પ્રસુતિ લાભ અધિનિયમ કોઈ અપવાદ નથી. સામાન્ય રીતે આવું, સરકાર દ્વારા ક્યાં તો સંપૂર્ણ અથવા આંશિક રીતે નાણાકીય મદદ કરાતી ના હોય અને ખાનગી નોકરીદાતા પર તેનો બધોજ નાણાકીય ભાર આવતો હોય તેવી તમામ કલ્યાણકારી યોજનાઓ સાથે થતું હોય છે, વાસ્તવિક ડર એ છે કે ક્યાં તો પ્રસુતિ લાભ અધિનિયમ નું પાલન નહિ કરવામાં આવે અથવા નાના અને મધ્યમ નોકરીદાતાઓ મહિલાઓને નોકરીએ જ નહીં રાખે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ)ના ડેટાને ધ્યાનમાં લેતા જોઈ શકાય છે કે ૨૦૦૫ થી લઈને આજસુધીમાં, ભારતીય શ્રમ દળમાં કામ કરતી મહિલાઓની ટકાવારીમાં ૧૦% ઘટાડો થયો છે. તેમ છતાં આશાવાદીઓના માનવા પ્રમાણે, ક્રૅચ અને વધારાયેલ પગાર સહિતની પ્રસૂતિ રજાઓ જેવી સુવિધાઓ થી સંગઠિત ક્ષેત્રમાં જુનિયર અને મધ્યમ સ્તરના મહિલા કર્મચારીઓને કામ છોડતા રોકી શકાશે.

બીજીબાજુ પર, દેશના કુલ મહિલા કાર્યબળમાંથી ૯૦% થી ૯૭% મહિલાઓ,પ્રસુતિ લાભ અધિનિયમ ના ફાયદાઓ થી વંચિત રહી જાય છે, જે સ્થાનિક કામદારો, કૃષિ મજૂરો અને ગૃહ ઉદ્યોગ જેવા અસંગઠિત ક્ષેત્રોમાં કાર્ય કરે છે. આ સુધારામાં પિતૃત્વની રજાની પણ અવગણના કરવામાં આવી છે, જોકે પુરૂષ કેન્દ્રીય સરકારી કર્મચારીઓને ૧૫ દિવસની આવી રજાઓ મળવાપાત્ર છે અને ખાનગી ક્ષેત્રે પણ આ ચલણ (ધીમે ધીમે) વધી રહ્યું છે. આ દેખીતી રીતે પુરુષપ્રધાન માન્યતા ને ટેકો આપે છે કે, બાળ સંભાળ એ સંપૂર્ણપણે સ્ત્રીની જવાબદારી છે.

પ્રસુતિ લાભ કાર્યક્રમની વાત કરીએ તો, ૩ ડીસેમ્બર,૨૦૧૬ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોશભેર જાહેરાત કરી હતી કે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓને આપવામાં આવતી રકમ વધારીને રૂપિયા ૬,000 કરવામાં આવશે. જો કે, યુનિયન કેબિનેટે તાજેતરમાં જ આ યોજના હેઠળ આપવામાં આવેલી સહાયને પ્રથમ એક જીવિત બાળક સુધી સીમિત કરી દીધી છે. આ પહેલાં પણ, ૫0 થી વધુ જિલ્લાઓમાં, ઇન્દિરા ગાંધી માતૃત્વ સહાય યોજના (આઇજીએમએસવાય) તરીકે આ કાર્યક્રમ ૨૦૧૦ થી અમલમાં છે. સામાજિક કાર્યકર્તાઓ ના માનવા પ્રમાણે પ્રસુતિ લાભ અધિનિયમ,૨૦૧૭  ભેદભાવયુક્ત છે. યુનિયન કેબિનેટે ઇન્દિરા ગાંધી માતૃત્વ સહાય યોજના (આઇજીએમએસવાય)માં લાગુ, બે બાળકો નો નિયમ અને લગ્નની ઉંમર દૂર કરવાની માંગણી પર પણ ધ્યાન આપ્યું નથી. જ્યારે માંગ સાર્વત્રિક અને બિનશરતી પ્રસુતિ લાભો માટે ની છે, જે અસંગઠિત ક્ષેત્રની સૌથી વધુ જરૂરતમંદ મહિલાઓને પણ આવરી લે, ફક્ત પ્રથમ બાળક સુધી જ પ્રસુતિ લાભ કાર્યક્રમ ને સીમિત રાખવો તે એક પાછું પગલું છે.

મહિલાઓને પ્રસૂતિ લાભ આપવા એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિકસિત અર્થતંત્રોમાં પણ સામાન્ય રોજગારી અને શ્રમબળમાં સ્ત્રીઓ ની સહભાગિતાને જોતા બેધારી તલવાર છે. ઔપચારિક ક્ષેત્રે કામ કરતી સ્ત્રીઓને મળતા ખાસ લાભોની સાથે સાથે એવા રસ્તાઓ શોધવાની પણ જરૂર છે, જેથી આનો દંડ નોકરી-ધંધો શોધનારને ભોગવવો ન પડે. આ ઉપરાંત તેમાં અનૌપચારિક અને  અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરી રહેલ મહિલાઓને આવરી લેવાની પણ જરૂર છે.

 

Updated On : 13th Nov, 2017

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top